________________
૪૨૨ /
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો જ આ સમજવાનું છે. આત્માને ઓળખીને તેમાં લીન થવું એ જ કરવાનું છે. બહારની ક્રિયા થતી હોય છતાં અંદરમાં સ્વભાવમાં એકાગ્રતા થઈ જાય તેનું જ નામ ધ્યાન છે. સિદ્ધ સમાન નિજ આત્માનું ધ્યાન કરવાનું છે. વસ્તુએ આત્મા સિદ્ધ છે તેથી પર્યાયમાં સિદ્ધદશા થઈ શકે છે. વસ્તુમાં જ જો સિદ્ધ થવાની શક્તિ ન હોય તો સિદ્ધદશા આવી ન શકે. પણ, બધાં આત્માઓ સિદ્ધ થવાની શક્તિ સહિત જ છે.
આવા સિદ્ધ સમાન નિજાત્માનું અંતરમાં ધ્યાન કરવું એ જ તારું કર્તવ્ય છે, બીજા પદાર્થથી તારે શું પ્રયોજન છે ! તારું દ્રવ્ય તે તું પોતે, તારું ક્ષેત્ર એટલે અસંખ્યાત પ્રદેશી તારે ક્ષેત્ર, તારે ત્રિકાળી સ્વરૂપ તે તારો સ્વકાળ અને તારા અનંતગુણો એ તારો સ્વભાવ છે. એમાં તારું બધું જ આવી જાય છે. હવે બીજાં દ્રવ્યોથી તારે શું પ્રયોજન છે ! દેવ-શાસ્ત્ર-ગુરુ પણ પર છે તો સ્ત્રી, પુત્ર, પરિવારાદિ તો તારાં ક્યાં રહ્યાં?
તારો ભગવાન પૂર્ણાનંદ તારી પાસે બિરાજે છે તેના સિવાય પરપદાર્થોથી તારે કાંઈ પ્રયોજન નથી. એક તારા સ્વભાવ ઉપર નજર કર...નજર કરતેનું જ ધ્યેય બનાવ ! બસ, એ જ કરવા જેવું છે. બીજા કોઈ દ્રવ્યો કે વ્યવહાર વિકલ્પો આદિ પ્રપંચથી તને કાંઈ ફાયદો નથી. જેમાં નજર કરવાથી ન્યાલ થવાય એવો ભગવાન તો તું પોતે જ છો પછી બીજા વિકલ્પોનું તારે શું કામ છે !
શ્રોતા : આવું સાંભળવા મળ્યા કરે તો પણ સારું.
પૂજ્ય ગુરુદેવશ્રી: બે કલાક તો મળે છે. તેનાથી કેટલું જોઈએ છે ! તારો ભગવાન તો ચોવીસે કલાક તારી પાસે જ છે. તેમાં નજર કરે ને! શુભ વિકલ્પનું તારે શું કામ છે! જે બંધના કારણ છે તેનાથી તારું હિત ક્યાં થવાનું છે! સંયોગી ચીજથી તો તારું હિત નથી પણ સંયોગી વિકલ્પમાં પણ તારું હિત થાય તેમ નથી.
અહો ! અનંત....અનંત....જેની હદ નહિ એવી અનંત શક્તિનું આખું તત્ત્વ તારી પાસે જ છે કે જેના લક્ષે મોક્ષપર્યાય પ્રગટવાના કારણે પ્રગટે છે. હવે તારે બીજાનું શું કામ છે ! અરે ! લૌકિકમાં એક રાજાના શરણે જાય ત્યાં એકવારમાં રાજા તેને આખી જિંદગીનું શરણ આપી દે છે. શાસ્ત્રમાં પાઠ આવે છે કે રાજાને ત્યાં પુત્ર જન્મ થાય તેની વધામણી કહેવા જે દાસી રાજા પાસે આવી હોય તેને રાજા આખી જિંદગી ચાલે તેટલી લક્ષ્મી આપી દે છે અને દાસીપણામાંથી મુક્ત કરે છે. તેમ આ અલૌકિક ભગવાન આત્માના શરણે એકવાર જે જાય તે હવે સંસારનો દાસ ન રહે. સંસારથી મુક્ત થઈ જાય.
ભગવાન આત્માની ઓથે (આશ્રયે) ક્ષણમાત્રમાં કેવળજ્ઞાન થાય છે માટે તું તેનું જ ધ્યાન કર. બીજું બધું ધ્યાન છોડી દે.