________________
જૈનશાસનની પ્રાપ્તિનું વિરલપણું
(પ્રવચન નં. ૭)
भावेन प्रणम्य पञ्चगुरुन् श्रीयोगीन्दुजिनः । भट्टप्रभाकरेण विज्ञापितः विमलं कृत्वा भावम् ||८||
गतः संसारे वसतां स्वामिन् कालः अनन्तः ।
परं मया किमपि न प्राप्तं सुखं दुःखमेव प्राप्तं महत् ॥६॥
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રમાં આ શરૂઆતની ગાથાઓમાં પંચપરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન પૂરું થયું. તેમાં શ્રી યોગીન્દ્રદેવ પ્રભાકર ભટ્ટ નામના પોતાના શિષ્યને પંચપરમેષ્ઠીની ભક્તિનો ઉપદેશ આપે છે કે આવા પંચપરમેષ્ઠી જ આદરણીય છે અને વંદનીક છે. હવે પ્રભાકર ભટ્ટ પૂર્વોક્ત રીતે પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા પછી પોતાના ગુરુ શ્રી યોગીન્દ્રદેવને નમસ્કાર કરી વિનંતી કરે છે, તેની આ આઠમી ગાથા છે.
જેણે વીતરાગ નિર્વિકલ્પ સમાધિ પૂર્ણ કરી છે એવા અરિહંત, સિદ્ધ અને જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિને સાધી રહ્યાં છે એવા સાધુ ભગવંતોને પ્રભાકર ભટ્ટ શુદ્ધ ભાવો પૂર્વક નમસ્કાર કરે છે. ત્યારબાદ પોતાના પરિણામને નિર્મલ કરીને જિજ્ઞાસા પૂર્વક યોગીન્દ્રદેવને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવાની વિનંતી કરે છે.
શિષ્યને એક શુદ્ધ આત્મસ્વરૂપ સમજવાની ધગશ જાગી છે. બીજું કાંઈ જાણવાની ઇચ્છા નથી. એક શુદ્ધાત્મા કોણ છે ? કેવો છે ? કેમ પ્રાપ્ત થાય છે? એ જાણવાની ધગશ લાગી છે, તેથી મહાભક્તિ સહિત યોગીન્દ્રદેવને વિનંતી કરી પૂછે કે હે સ્વામી! આ સંસારમાં હું અનંતકાળથી વસી રહ્યો છું પરંતુ મને કદી આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ ન થઈ. માત્ર દુઃખ જ મળ્યું છે. તો એ શુદ્ધાત્મા મને કેમ પ્રાપ્ત થાય?
ધર્મને સમજનારાના પ્રશ્નોમાં મુખ્ય પ્રશ્ન આ હોવો જોઈએ. બીજી લાખો વાતો મૂકીને, સર્વજ્ઞ પરમાત્માએ જાણેલો અને આપ ગુરુઓ જેને અનુભવી રહ્યાં છો એ શુદ્ધાત્મા કેવો છે ! એમ વિનય અને ભક્તિ સહિત જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે. ધર્મના જિજ્ઞાસુ જીવ, મને ધન કેમ મળે, રાજ્ય કેમ મળે કે પુણ્ય કેમ થાય, સ્વર્ગ કેવી રીતે મળે? એવા પ્રશ્નો ન કરે. મને તો મારો આત્મા કેમ મળે? એ એક જ પ્રશ્ન હોય, કેમ કે અનંતકાળમાં એક આત્માને જ જાણ્યો નથી, બાકી તો બીજું બધું કરી કરીને મરી ગયો છે.
પ્રભુ ! અમારો અનંતકાળ આ સંસાર-ભ્રમણમાં વીતી ગયો છે. જેના અનંતમાં ભાગમાં અનંત ચોવીશી વીતી જાય એવા પુદ્ગલ-પરાવર્તન મારી ઉપર અનંત અનંત વીતી