________________
૪૧૦) તીર્થકરો, મુનિવરો આદિ મહાપુરુષોનું સ્મરણ થાય છે એ હેતુથી તેવા સ્થાનોને વ્યવહારથી તીર્થ કહેવાય છે. જુઓ ! આમાં સિદ્ધાંત પણ મૂક્યો કે વ્યવહારે પણ તીર્થ કોને કહેવાય કે જે મહાપુરુષોના ગુણોનું સ્મરણ થવામાં નિમિત્ત થાય છે તેને તીર્થ કહેવાય છે. સ્મરણ એ વિકલ્પાત્મક ભાવ છે. ગુણસ્મરણ એ વીતરાગભાવ નથી પણ વિકલ્પ છે. સ્વદ્રવ્યનાં આશ્રયમાં એકાગ્રતા થાય તે વીતરાગભાવ છે એ નિશ્ચયતીર્થ છે.
જીવ એવો પાંગળો થઈ ગયો છે કે બહારમાં કોઈક આધાર દેખાય ત્યાં ચોંટી જ પડે છે.
વ્યવહારનયથી જિનમંદિર, જિનપ્રતિમા, તીર્થસ્થાન આદિ ભગવાનના ગુણોનું સ્મરણ થવામાં નિમિત્ત હોવાથી તીર્થ કહેવાય છે પણ તે વ્યવહાર સાધન છે, ગુણસ્મરણ એ વિકલ્પાત્મક ભાવ હોવાથી બહિરંગ સાધન છે, બંધનું કારણ છે, અનાત્મકભાવ છે, વ્યવહાર સાધન છે. તીર્થોને ગુણસ્મરણના કારણ કહીને વ્યવહાર સિદ્ધ કર્યો છે, વીતરાગતા સિદ્ધ કરી નથી.
ભગવાનના ગુણોનું સ્મરણ થવામાં તીર્થો નિમિત્ત છે એમ કહ્યું છે પણ વીતરાગભાવરૂપ નિર્વિકલ્પ સમાધિમાં તેને નિમિત્ત નથી કહ્યું માટે ગુણસ્મરણ તે વ્યવહાર સાધન છે અને તીર્થો ગુણસ્મરણમાં વ્યવહાર નિમિત્ત છે. તો નિશ્ચય તીર્થ શું છે?—કે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ પુણ્ય-પાપના છેદરહિત જહાજ છે તે જીવને સંસારથી પાર થવા માટેનું નિશ્ચયતીર્થ છે. ચોથા ગુણસ્થાનથી જ એ જહાજમાં બેસીને મુક્તિને કિનારે પહોંચાય છે.
આ, એકલા દ્રવ્યરૂપ શુદ્ધાત્માની વાત નથી, નિર્વિકલ્પ પરિણતિએ પરિણત જીવની વાત છે. નિર્વિકલ્પ સમાધિના જહાજમાં જે બેસી ગયો છે તેને ભગવાનના ગુણોનું સ્મરણ વ્યવહારે તીર્થરૂપ સાધન બને છે. તેમાં સમેદશિખર આદિ તીર્થસ્થાનો નિમિત્ત છે માટે તેને વ્યવહાર તીર્થ કહેવાય છે.
આ, નિશ્ચય-વ્યવહાર તીર્થની વ્યાખ્યા થઈ. હવે ગુરુની વ્યાખ્યા કહે છે. જેની ઉપદેશ-પરંપરાથી જીવને પરમાત્મતત્ત્વનો લાભ થાય છે તેને ગુરુ કહેવાય છે. ગુરુ પરમાત્મતત્વનો ઉપદેશ આપે છે કે તું પરમાત્મા છો, તું તારું સેવન કર ! તું પોતે જ પરમ આનંદમય તત્ત્વ છો...એવો ગુરુનો ઉપદેશ જીવને પોતાના સ્વરૂપનો વિચાર કરવામાં નિમિત્ત થાય છે માટે એવા ઉપદેશદાતાને વ્યવહારે ગુરુ કહેવાય છે. ઉપદેશ ઉપરાંત દીક્ષા અને શિક્ષા પણ આપે છે. એવા દિગંબર મુનિને જ ગુરુ કહેવાય છે.
ગુરુનો ઉપદેશ એવો છે કે તે સાંભળીને જીવ પોતાના પરમાત્મતત્ત્વનો વિકલ્પાત્મક નિર્ણય કરે છે અને એ નિર્ણય કર્યા પછી શિષ્ય પોતે પોતાના પરમાત્મતત્ત્વનો અનુભવ કરે છે ત્યારે તે ગુરુને પરમાત્મતત્ત્વના લાભમાં નિમિત્ત કહેવાય છે તોપણ, નિશ્ચયનયથી