________________
પ્રવચન-૬૩ ]
| ૪૧૧
એટલે યથાર્થ દૃષ્ટિથી જોઈએ તો વિષય-કષાય આદિ સમસ્ત વિભાવ પરિણામોના ત્યાગવાના કાળે નિજશુદ્ધાત્મા જ ગુરુ છે.
વિષય કહેતાં પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનું લક્ષ અને કષાય એટલે પુણ્ય-પાપ ભાવ તે બધા પરિણામોનો ત્યાગ કરવાના કાળે પોતાનો આત્મા જ ગુરુ છે.
પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્રદેવે પરમાત્મતત્ત્વ જ ખડું કરી દીધું છે. નિશ્ચયનયથી એટલે સાચા જ્ઞાનથી સત્ને જોઈએ તો આત્મા પોતે જ પરદ્રવ્યાનું લક્ષ છોડી શુભાશુભ સર્વ વિભાવોનો ત્યાગ કરે છે. નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવું જે પરિણમન થયું તે જ નિશ્ચયગુરુ છે. એ નિર્મળ પરિણતિએ જ આત્માને સમજાવ્યો છે માટે એ શુદ્ધ પરિણતિ જ ખરેખર ગુરુ છે અને પોતે સમજે છે માટે પોતે શિષ્ય છે. ગુરુ-શિષ્ય અંતરમાં જ છે. નિશ્ચયમાં ગુરુ અને શિષ્ય એવો ભેદ જ નથી. પોતે જ ગુરુ છે અને પોતે જ શિષ્ય છે.
વસ્તુનું સ્વરૂપ જ આમ છે માટે વસ્તુને વસ્તુપણે રાખો, ફેરવો નહિ. વસ્તુસ્થિતિના કાયદા જેમ છે તેમ રાખો.
યોગસારમાં પણ કહ્યું ને ! તીર્થમંદિરમાં દેવ નથી, ત્યાં તો મૂર્તિ કે ચિત્ર છે. નિશ્ચયદેવ તો તનમંદિરમાં બિરાજે છે. તેમાંથી જ બધું મળે તેમ છે. વીતરાગ પરિણતિએ પરિણમતો આત્મા જ સંસારનિવૃત્તિનું કારણ છે. માટે કહ્યું કે વિષય-કષાયાદિ સમસ્ત વિભાવનો નાશ કરવાના કાળે આત્મા જ ગુરુનું કામ કરે છે. ઉદયભાવ તે સંસાર છે અને ઉદયભાવથી નિવૃત્તિ પામવાનું કારણ વીતરાગ પરિણતિની નિર્વિકલ્પ સ્થિરતા તે સંસારથી તરવાનું કારણ છે.
અહા ! સાધક હોવા છતાં તેને પણ બંધ છે, ઉદય છે, સંસાર છે અને સંસાર-નિવૃત્તિનો ઉપાય પણ છે. આહાહા....! વીતરાગ પરમાત્માએ કહેલા માર્ગ જેવો કોઈ માર્ગ નથી અને આત્મા જેવો કોઈ પદાર્થ નથી, વીતરાગ જેવો કોઈ દેવ નથી. ત્રણકાળ ત્રણલોકમાં ઉપર તરતો સારભૂત પદાર્થ એક નિજ આત્મા છે અને તેને કહેનારા વીતરાગી ભગવાન છે. બીજા કોઈ આ વાત કહીં શકે તેમ નથી.
એક બાજુ ઉપદેશ કરે અને કહે એમ કે અમારી સામે જોઈશ નહિ, અમારી સેવા કરીશ નહિ. વીતરાગની ધ્વનિ કોઈ ગજબ છે. પ્રભુ ! તમે મને સાંભળ ! એમ કહો છો અને સામું જોવાની ના કહો છો તો પ્રભુ! આપનું લક્ષ કર્યા વિના મારે સાંભળવું શી રીતે ! કે....સાંભળીને એમ સમજ કે તારે તારા અંતરમાં જવાનું છે. અમારી તરફ લક્ષ રાખીને ઊભું રહેવાનું નથી. એમ તો તને વસ્તુની સ્થિતિ જેમ છે તેમ બતાવીએ છીએ. સમજણ તો તારે પોતાને કરવાની છે, એ વગર દિવ્યધ્વનિ સાંભળવામાત્રથી લાભ થવાનો નથી.