________________
- નિશ્ચય-વ્યવહારનું વાસ્તવિક સ્વરૂપ
(સળંગ પ્રવચન નં. ૬૨) अन्यद् एव दर्शनं अस्ति नापि अन्यदेव अस्ति न ज्ञानं ।
अन्यद् चरणं न अस्ति जीव मुक्त्वा आत्मानं जानीहि ॥६४॥ આત્મા જ સંયમ છે, આત્મા જ તપ છે અને આત્મા જ શીલ છે આ ત્રણ બોલ આવી ગયા છે. હવે આત્મા જ દર્શન છે અને આત્મા જ જ્ઞાન છે એ બે બોલ લેવાના છે
આત્મા જ નિજસ્વરૂપની રુચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આગળ ત્રણ બોલમાં નિશ્ચય અને વ્યવહાર પણ આવી ગયો છે તેથી અહીં વ્યવહાર નહિ કહેતાં માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનની જ વાત લીધી છે. અંતરમાં જ્ઞાન, દર્શન, આનંદરૂપે પરિણત થયેલો આત્મા જ સંયમ છે અને બાહ્યમાં વ્રત, તપ આદિ દ્વારા પાંચ ઇન્દ્રિયનો સંયમ હોય છે તે વ્યવહારસંયમ છે. નિશ્ચય અને વ્યવહાર બંને સંયમ સાથે જ હોય છે પણ વ્યવહારને સાધન અને નિશ્ચયને સાધ્ય કહેવામાં આવ્યું છે.
આત્મા શુદ્ધ અખંડ જ્ઞાનાનંદસ્વરૂપ નિર્વિકલ્પ વસ્તુ છે તેની અંદરમાં રુચિ થવી તે નિશ્ચય સમકિત છે. તેની સાથેનો વ્યવહાર અહીં કહ્યો નથી પણ ૯૪મી ગાથામાં કહેશે. અનંતગુણનો પિંડ ચૈતન્યમૂર્તિ આત્મા જેવો છે તેવી તેની નિર્વિકલ્પ અનુભૂતિ થઈને જે પ્રતીતિ થાય તેને નિશ્ચય સમ્યફ દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર અથવા આરોપિત અર્થાત્ જે નિશ્ચય સાથેનું બહિરંગ નિમિત્તકારણ હોય તેને વ્યવહાર કહેવાય છે.
શુદ્ધ ચૈતન્ય આત્માની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, એ જ સર્વથા ઉપાદેયરૂપ છે. પ્રતીતિ એ આત્મા છે અને સાથે જે વિકલ્પ, રાગાદિ હોય છે તે આત્મા નથી, અનાત્મા છે. વ્યવહારને નિશ્ચયનું સાધન અથવા હેતુ શબ્દથી સમજાવશે પણ મૂળ તો નિશ્ચયની સાથે તેને અનુરૂપ વ્યવહાર હોય છે એ બતાવવું છે. આત્માની શોભા પોતાના અતીન્દ્રિય આનંદની પ્રગટ દશાથી છે. આત્મામાં પ્રતપન એ જ તપ છે. તપથી આત્મા શોભે છે.
હવે જ્ઞાન કોને કહે છે? કે વીતરાગ સ્વસંવેદનજ્ઞાનના અનુભવથી આત્મા જ જ્ઞાન છે. રાગ રહિત પ્રત્યક્ષ નિર્દોષ આત્માનું સંવેદન તે જ્ઞાન છે. રાગરહિત કહેતાં દ્વેષથી પણ રહિત એટલે કે આત્મા કષાયથી રહિત છે એ બધું એમાં આવી જાય છે. એવા નિર્દોષ આત્માનું પ્રત્યક્ષ વેદન થવું તે “જ્ઞાન” છે. શાસ્ત્રનું જ્ઞાન તે આત્મા નથી. આત્મા પોતે અંતરની સ્વસંવેદન પર્યાયપણે થાય તે આત્મા જ જ્ઞાન છે. જીવની પર્યાયને જ અહીં જીવ કહ્યો છે. શાસ્ત્રનું ભણતર કે નવ તત્ત્વાદિના વિકલ્પ ઊઠે છે તે આત્મા નથી પણ તે