________________
પ્રવચન-૬૧ )
[ 366
અશુભરાગનો ત્યાગ અને શુભરાગની ઉત્પત્તિ થાય છે તેને બહિરંગ સહકાર ગણીને વ્યવહાર શીલ કહેવાયો છે. ખરેખર તો તે બંધનું કારણ છે અને આત્મશીલ મુક્તિનું કારણ છે.
આત્મા તો અનાદિ અનંત એકરૂપ ચિદાનંદ સ્વભાવનો પિંડ છે તે કાંઈ બાળક, વૃદ્ધ કે યુવાન નથી માટે શરીરની બાળ, વૃદ્ધ કે યુવાન ગમે તે અવસ્થા વખતે આત્મા તો પોતાનું જ્ઞાન કરી શકે છે. કોઈ અવસ્થા તેને નડતી નથી. આ વાત તો પહેલાં જ આવી ગઈ છે. આવા અનંત ચૈતન્યસ્વભાવી આત્માને અવલંબીને જ્યારે શુદ્ધતા પ્રગટ થાય તેને સંયમ કહો, શીલ કહો કે મુક્તિનો માર્ગ કહો બધું એક જ છે અને તેની સાથે રહેલાં શુભરાગને બહિરંગકારણ કહેવાય છે તે માત્ર નિશ્ચયની સાથે રહેલાં વિકલ્પનું જ્ઞાન કરાવે છે.
નિશ્ચયથી અંતરંગમાં પોતાના શુદ્ધાત્મદ્રવ્યનો નિર્મળ અનુભવ તે શીલ કહેવાય છે. કોઈ બીજાં પરમાત્માનો આશ્રય લેવાનો નથી. પોતે જે દ્રવ્યસ્વભાવે પરમાત્મા છે તેનો આશ્રય લેવાથી પ્રગટ થતો પોતાનો નિર્મળ અનુભવ તે શીલ છે. એ જ નિશ્ચયશીલ છે.
આ સંયમ અને શીલ બે બોલ થયાં. હવે તપની વાત આવી.
૩પ તાં આત્મા જ તપ છે. તપની વ્યાખ્યામાં બહિરંગ સહકારી કારણની વાત પહેલાં લઈને વાત મૂકી છે. બાર પ્રકારના તપ જે અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યા, રસપરિત્યાગ આદિ છે તે નિશ્ચયતપના સહકારી કારણ છે. બાર તપમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન આદિ છ પ્રકારના તપને અત્યંતરતપ કહ્યા છે તે પણ નિશ્ચયતપના બાહ્ય સહકારી કારણ છે. નિશ્ચયતાની સાથે બાહ્યસહકારી કારણ રહેલું છે. સાથે રહેલું છે એમ કહ્યું છે તેનો અર્થ કે પહેલાં વ્યવહાર અને પછી નિશ્ચય એમ નથી.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ આ બધાં ખુલાસા બહુ સરસ કર્યા છે. શાસ્ત્રના પેટ-મર્મ ખોલી નાખ્યા છે. આત્માના ભાન સહિતનું ભણતર તે જ સાચું ભણતર છે. આત્માને ભાન વગર કોઈ કહે કે અમે બહુ શાસ્ત્ર ભણ્યા છીએ તે ભણતર સાચા નથી. નિશ્ચયની સાથે વ્યવહાર વિકલ્પને દેખીને તેમાં “કારણનો ઉપચાર કરવામાં આવ્યો છે. ખરેખર વાસ્તવિક કારણ તે નથી.
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત આદિ પણ નિશ્ચયતપના બાહ્ય સહકારી કારણ છે, પુણ્યબંધના કારણ છે. વ્યવહારથી આ બાર પ્રકારના તપથી અને નિશ્ચયથી સર્વ પરદ્રવ્યોની ઇચ્છાને રોકવાથી પરમાત્મસ્વભાવમાં આત્મા પ્રતાપરૂપ સ્થિર થઈ રહ્યો છે. તેમાં જે અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે તે નિશ્ચયતા છે. આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર રહ્યો છે અને સમસ્ત વિભાવપરિણામોને જીતી લીધા છે માટે તે આત્મા જ “તપશ્ચરણ” છે.
આ સંયમ, શીલ અને તપ ત્રણ બોલ થયાં. વિશેષ કહેવાશે.