________________
૩૯૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પૂર્વે ભવનું સ્મરણ આત્માનું ત્રિકાળપણું સિદ્ધ કરે છે. વીતરાગ કહે છે તે વાત સિદ્ધ થાય છે કે એક ભવમાંથી છૂટીને તરત જ બીજી ગતિમાં જીવ આવી જાય છે. વચ્ચે રખડે છે એ વાત ખોટી છે. ગર્ભમાં ત્રણ મહિના પછી જીવ આવે છે એમ કોઈ માને છે તે પણ ખોટું છે. આ છોકરી ભાગ્યશાળી છે તે મુમુક્ષુના ઘરે જન્મી છે અને આ બેન (ચંપાબેન) તો ઘણા ભવનું જ્ઞાન લાવ્યાં છે. તેનો વિરોધ કરનારા કર્મ બાંધે છે. બેનને બોલવાનું ઓછું, બહારથી કાંઈ દેખાય નહિ એટલે લોકો ઓળખી ન શકે પણ બેનને જાતિસ્મરણ અને આત્મજ્ઞાન બંને છે. ગંભીર ગંભી૨ ઘણાં...બોલવાની વાત નહિ. જાતિસ્મરણ થયા પછી આઠ મહિના ને બાર દિવસે મને વાત કરી. મારી વાત કરી પણ પોતે ગણધર થવાના છે એ વાત તો કરી જ ન હતી. પછી દશ વર્ષ પછી મેં સ્વપ્નાની વાત કરી અને પૂછ્યું કે તમે બે કોણ છો ? ત્યારે માંડ માંડ બોલ્યા...
આજે માગસર સુદ ત્રીજ છે અને બરાબર ૨૮ વર્ષ પહેલા આજના દિવસે જ એક ચિઠ્ઠીમાં જાતિસ્મરણનું લખાણ લખીને બેને મને મોકલ્યું હતું. આ તો કુદરતી આ મહિનો, સુદ અને ત્રીજ આવી છે. ઘણાં વર્ષ થઈ ગયાં એટલે આટલી વાત કરી, લોકો જીરવી ન શકે, બીજા ક્ષેત્રની વાત છે એટલે બીજા નક્કી ન કરી શકે, રાજુલની વાત તો આ ક્ષેત્રની એટલે નક્કી થઈ ગઈ. આ તો બેનની સાથે રહેલાં હોય, પરિચય હોય તેને ખબર પડે. આ તો છોડી (રાજુલ) ઉપરથી બેનની વાત થોડી થઈ ગઈ...વજુભાઈ, હિંમતભાઈને પણ બેને કહેલ નહિ. ૯૪ના વૈશાખ સુદ આઠમે સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન હતું તે દિવસે સાંજે ફળિયામાં ફરતાં ફરતાં બંને ભાઈઓના કાને મેં વાત નાખી ભાઈ! બેનની સ્થિતિ આવી છે..તો વજુભાઈ રહી ન શક્યા એ કહે હું જઈને બેનને પગે લાગું....કીધું ભાઈ ! વાત બહાર પડી જશે, લોકો જીરવી ન શકે...એમ કરીને માંડ માંડ થોભાવ્યા. તેને એમ થઈ ગયું અરે ! અમારા ઘરે આવા બેન ! એમ ઉભરો આવી ગયો એટલે કહે..પગે લાગું.... આ તો એક ઘરે બે આવ્યા. લૌકિકનું આ રાજુલ લાવી અને લોકોત્તરનું બેન લાવ્યા. બેનની વાત જ જુદી છે. બેન તો ભગવતી સ્વરૂપ છે....આ તો પાંચમો આરો, કાળ કઠણ છે તેથી લોકોને માનવું મુશ્કેલ પડે....