________________
પ્રવચન-૬0 |
[ BCE જણાતો નથી પણ વીતરાગ નિર્વિકલ્પ આનંદમાં લીનતા પૂર્વક આ હું આત્મા છું એમ જણાય છે.
ભગવાન આત્મા તો સદાય એકરૂપ ધ્રુવ અખંડ જ્ઞાનાનંદસ્વરૂપે જ રહ્યો છે. આત્મા કદી ચારગતિની પર્યાયરૂપ થયો નથી. એવા એકરૂપ આત્માને કોણ જાણે છે કે આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્માની સ્થિરતામાં લીન થયેલો જીવ આત્માને જાણે છે. પોતાના શુદ્ધોપયોગમાં એકાકાર થઈને ધર્માત્મા આ “હું આત્મા છું' એમ જાણે છે. એ રીતે આત્માને જાણે ત્યારે જ આત્માને જાણ્યો કહેવાય.
ભાવાર્થ –નિર્મલ જ્ઞાનદર્શન સ્વભાવરૂપ જે પરમાત્મતત્ત્વ, તેની ભાવનાથી વિપરીત એવા રાગ-દ્વેષાદિ વિભાવ પરિણામોથી ઉપાર્જન કરેલાં શુભાશુભકર્મ છે તેના ઉદયથી ઉત્પન્ન થયેલી મનુષ્યાદિ વિભાવપર્યાયોને ભેદભેદસ્વરૂપ રત્નત્રયની ભાવનાથી રહિત થયેલો મિથ્યાષ્ટિ જીવ પોતાની માને છે અને આ અજ્ઞાનથી રહિત સમ્યગ્દષ્ટિ જ્ઞાની જીવ તે મનુષ્યાદિ પર્યાયોને પોતાનાથી જુદી જાણે છે.
નિર્મલ જ્ઞાન-દર્શનસ્વભાવી ધ્રુવ આત્મા, તેને અહીં પરમાત્મતત્ત્વ કહ્યું છે. તેની ભાવના એટલે તેમાં એકાગ્રતારૂપ નિર્વિકલ્પ પર્યાય તે શુદ્ધાત્માની ભાવના છે. પરમાત્મતત્ત્વ એવું છે કે તેમાં નજર નાંખતા અંદરથી આનંદના પ્યાલા ફાટે છે. આઠ વર્ષનો બાળક હોય તે પણ આવી પરમાત્મતત્ત્વની ભાવના કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. બાળકપણું તો મનુષ્યપર્યાયમાં છે. આત્માને ઉંમર કયાં છે આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે તે નિર્વિકલ્પ શાંતિથી જણાય છે.
પરમાત્મતત્ત્વ એટલે પરમ શુદ્ધવરૂપ ધ્રુવતત્ત્વ તે ભાવસ્વરૂપ ત્રિકાળી વસ્તુ છે તેમાં એકાગ્રતા તે તેની ભાવના છે. ધ્રુવતત્ત્વ તે દ્રવ્ય છે અને આ ભાવના તે સંવર-નિર્જરારૂપ પર્યાય છે. તેનાથી ઊલટી રાગ-દ્વેષની પર્યાય તે આસવ અને બંધરૂપ પર્યાય છે. આત્માની શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ આદિની નિર્વિકલ્પ વીતરાગી પર્યાય સંવર-નિર્જરાતત્ત્વ છે પણ તેનાથી વિપરીત રાગ-દ્વેષના પરિણામ થાય છે તે ભાવઆસવ અને ભાવબંધતત્ત્વ છે. તે ભાવબંધથી શુભાશુભકર્મો બંધાય છે તે અજીવતત્ત્વ છે. તે કર્મના ઉદયથી મનુષ્ય, તિર્યંચાદિ પર્યાયો ઉત્પન્ન થાય છે.
આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા તે નિશ્ચયરત્નત્રય અથવા અભેદ રત્નત્રય છે અને તેની સાથે રહેલા વિકલ્પને ભેદરત્નત્રય કહેવાય છે. આ ભેદાબેદરત્નત્રયની ભાવનાથી રહિત એવા મિથ્યાષ્ટિ-અજ્ઞાની જીવ મનુષ્ય, તિર્યંચ આદિ પર્યાયોને પોતાની માને છે અને જે ભેદભેદરત્નત્રયની ભાવનાથી સહિત છે અને અજ્ઞાનથી રહિત છે એવા સમ્યગ્દષ્ટિ જીવો આ મનુષ્યાદિ પર્યાયોને પોતાની માનતા નથી.