________________
૩૮૮ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો જાત્રા કરી આવો કે વ્રત, તપ, ત્યાગાદિ કરો તે શુભભાવ છે પણ તેનાથી ધર્મ થતો નથી. જેમ ઝેર ખાતાં ખાતાં કસ્તૂરીના ઓડકાર ન આવે તેમ રાગ કરતાં કરતાં ધર્મ કદી ન થાય. રાગ એ ધર્મનું સાધન નથી. વસ્તુને જે પર્યાય સિદ્ધ કરે છે તે નિર્મળ પર્યાય સાધન છે છતાં તેને પણ વ્યવહાર કહ્યો છે.
રાગ, દેહ, વાણી, મન એ કોઈ ખરેખર સાધન નથી. રાગને પણ અસભૂત જ કહ્યો છે કેમ કે વસ્તુમાં રાગ નથી, નિર્વિકલ્પ પર્યાય પ્રગટ થાય તે સભૂત વ્યવહારમાં આવે છે અને પૂર્ણ પર્યાય થાય તે શુદ્ધ સભૂત છે. તે બધી પર્યાયો હોવાથી જીવનું ત્રિકાળી સ્વરૂપ નથી.
ક્રિયાકાંડીઓએ આ વાત કદી સાંભળી ન હોય એટલે એમ કહે કે, કુંદકુંદઆચાર્યે વેદાંતનો ઢાળ લીધો છે પણ કુંદકુંદઆચાર્ય સર્વક્ષપદનો ઢાળ લીધો છે, વેદાંતનો નહિ.
એક સમયની પરમાત્મદશા–કેવળજ્ઞાન તે જીવનું સ્વરૂપ નથી એ સાંભળીને રાડ પાડે તેવું છે.
આ ૮૯ભી ગાથા થઈ. હવે ૯૦મી ગાથામાં આત્માનું સ્વરૂપ કહે છે.
આત્મા–જીવ પદાર્થ મનુષ્ય નથી, દેવ નથી, તિર્યંચ નથી, નારકી નથી. અર્થાત કોઈ પણ પ્રકારે આત્મા પરરૂપ નથી, આત્મા તો “જ્ઞાનસ્વરૂપ છે તેને મુનિરાજ ત્રણ ગુપ્તિપૂર્વક નિર્વિકલ્પસમાધિમાં લીન થયા થકા જાણે છે.
મનુષ્યપર્યાયથી આત્માને મદદ મળે છે એ ઉપચારનું કથન છે. દરેક સમયે પોતાનો ઉત્પાદ પ્રવાહ વહ્યા જ કરે છે તેને કરે કોણ! ઉત્પાદ...ઉત્પાદ...ઉત્પાદનો પ્રવાહ વહ્યા જ કરે છે એવું સ્વતંત્ર પરિણમન છે તેને બીજું દ્રવ્ય મદદ કરતું નથી. અર્થાત્ તેને બીજાની મદદની જરૂર નથી. એવું જ વસ્તુનું સ્વરૂપ પોકારે છે ત્યાં તું તેનાથી ઊંધો પોકાર કરે એ કેમ ચાલે! અમારે પરની મદદ જોઈએ અને અમે પરને મદદ કરીએ, એ તારી મૂઢતા છે.
આત્મા તિર્યંચ નથી એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય પશુ આદિરૂપે આત્મા નથી. આત્મા નારકી નથી અને આત્મા દેવ પણ નથી. પૂર્વે મનુષ્ય આદિ રૂપે ન હતો અને ભવિષ્યમાં પણ એ રૂપે થવાનો નથી. આમ આત્મા કોઈ પણ રીતે પરરૂપ નથી. તો આત્મા કેવા રૂપે છે? આત્મા “જ્ઞાનસ્વરૂપ છે. આત્મા જ્ઞાનનો સત્ ધ્રુવ તારો છે. ચૈતન્યબિંબ જ્ઞાનમૂર્તિ પ્રભુ છે.
મન, વચન, કાયાથી હટી, મુનિરાજ વિકલ્પથી પણ રહિત થઈને નિર્વિકલ્પ અભેદ શાંતિમાં લીન થયા થકાં “આ હું જ્ઞાનસ્વરૂપ છું” એમ જાણે છે. રાગરહિત શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાની પરિણતિમાં રહીને મુનિ આ હું આત્મા છું એમ જાણે છે. નિર્વિકલ્પ પરિણતિ વિના આત્મા જણાતો નથી. આત્મા..આત્મા એમ બોલવાથી કે વિકલ્પથી આત્મા