________________
પ્રવચન-૫૯ )
( ૩૮૫
આ પરમાત્મપ્રકાશ કહે છે કે પરમાત્મા તો ત્રિકાળ જેમ છે તેમ એકરૂપ છે, અનંત ગુણરૂપ ધ્રુવ...ધ્રુવ ધ્રુવ ત્રિકાળ એકરૂપ આત્મા તે વાસ્તવિક આત્મા છે. તેને જેણે શ્રદ્ધામાં લીધો, જ્ઞાનમાં લીધો, તેમાં એક સમય ઠર્યો એવી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રપર્યાય તે અંશ છે માટે ઉપચારથી આત્માનું સ્વરૂપ છે. તે પોતે પરમાત્મા નથી, મોક્ષમાર્ગ છે, અંશ છે. જેમ પ્રજા (પુત્રાદિ) એ બાપ નથી તેમ અંશ એ આખો આત્મા નથી. જેમાં અનંતી નિર્મળ પર્યાયો અને અનંત ગુણો એકરૂપે રહેલા છે. એકપિંડ છે તે આત્મા છે. તેને પરમાત્મા કહો કે જીવનું વાસ્તવિક સ્વરૂપ કહો બંને એક જ છે. પણ તેની નિર્વિકલ્પ વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પર્યાય તે વાસ્તવિક આત્મા નથી. તે બેટો છે પણ બાપ નથી– ઉપચારથી આત્મા છે. તે ભાવલિંગ છે.
લિંગ એટલે ચિહ્ન; ભાવલિંગ વડે આત્માને ઓળખાય છે રાગ રહિત સમ્યગ્દર્શન, રાગ રહિત સ્વસંવેદનજ્ઞાન, રાગ રહિત સ્વરૂપની સ્થિરતા એ ત્રણેય થઈને વીતરાગ નિર્વિકલ્પ પર્યાય તે ભાવલિંગ છે, આખી ચીજનો એક અંશ છે-ચિહ્ન છે. તેથી તેને ઉપચારથી આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે તોપણ પરમસૂક્ષ્મ શુદ્ધનિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવનું નથી. નિર્વિકલ્પ સમાધિનો વીતરાગ પર્યાય પણ ત્રિકાળ નથી, એક સમયનો છે માટે મૂળ જીવસ્વરૂપ નથી. અદ્દભુત વાત છે. જેણે જેને ઓળખ્યો એ ભાવ પણ મૂળ વસ્તુ નથી તો બીજા કોને પોતાના માનવા ! દેહાદિના વેષ તો ક્યાં રહ્યાં ! રાગાદિનો વિકલ્પ પણ જીવમાં ન રહ્યો. જ્યાં ભગવાન આત્માનો નિર્મળ વીતરાગી અનુભવ એ પણ વાસ્તવિક ધ્રુવ આત્માનું સ્વરૂપ નથી. તેને વાસ્તવિક આત્મા માનવો એ ભ્રમ છે. ઉપચારથી તેને આત્મા માનવો એ બરાબર છે. અંશમાં આખા આત્માનો આરોપ કરવો તે વ્યવહાર છે. આખી વસ્તુ તે જ આત્મા છે.
આવું વસ્તુનું સ્વરૂપ છે તેને બદલે વસ્તુને લિંગ અને વેષાદિવાળી માનવી તે મહા, ભ્રમ છે. પુણ્ય-પાપનો રાગ તે હું આત્મા છું એમ માનવું એ પણ મિથ્યાત્વ છે–મહા ભ્રમ છે. ત્રિકાળ એકરૂપ ભગવાન આત્માના આશ્રયે શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ પ્રગટે તેને પણ આત્માનું પૂર્ણ સ્વરૂપ ન માનવું. તેને વ્યવહારે આત્મા જાણવો. નિશ્ચયનયનો આત્મા તો એકરૂપ ધ્રુવ છે. આ રીતે જાણવું તે પ્રમાણજ્ઞાન છે.
ભાવલિંગ સાધનરૂપ છે, તે પણ પરમ અવસ્થાનું સાધક નથી એટલે કે પરમ વસ્તુ
નથી.
આ બહુ સરસ વાત આવી ગઈ.