________________
૩૭૮)
[ પરમાકાશ પ્રવચનો જાય છે તેમ તેમ રાગ ગળતો જાય છે. તે શુદ્ધાત્મા અને કર્મને જુદાં જુદાં જાણે છે અને *વિશેષ અભ્યાસથી જુદાં પડતાં જાય છે.
શુદ્ધાત્માની એટલે જ્ઞાનકુંજ એવા જ્ઞાનપિંડની રુચિરૂપ પરિણામથી આ જીવ નિશ્ચય સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દર્શન એ સમ્યફ પરિણામ છે. દ્રવ્ય કે ગુણ નથી. સમ્યગ્દર્શન એ નિર્મળ પર્યાય છે. કેવળજ્ઞાન પણ પરિણામ-પર્યાય છે, ગુણ નથી, પ્રગટ પરિણામ છે.
જૈનમાર્ગ અલૌકિક છે. તે લોકોને સાંભળવા મળવો પણ દુર્લભ થઈ ગયો છે ત્યાં એની રુચિ તો ક્યાંથી થાય ! આત્માની રુચિ કરવી એ પ્રથમ કરવાનું કાર્ય છે તેના બદલે દાન કરી લ્યો, ભક્તિ-પૂજા કરી લ્યો, જાત્રા કરી લ્યો એવો ઉપદેશ મળે છે પણ એ કરવામાં ધર્મ કરવાનું કહ્યું છે તે જ પ્રથમ કર્તવ્ય છે. તે જ ઉપાદેય છે, તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે.
આટલી દુર્લભતાઓ બતાવી તેમાં આ શુદ્ધાત્માની રુચિરૂપ સમ્યક્ત્વ જ ઉપાદેય છે. શુદ્ધ આનંદ સ્વરૂપ અખંડ એક પૂર્ણ આત્માની અંતર્મુખ દૃષ્ટિ કરીને તેને અનુસરીને અનુભવ કરવો તે સમ્યગ્દર્શનરૂપ ધર્મ જ જીવને ઉપાદેય છે, તે જ અંગીકાર કરવાલાયક છે.
આ ૮૪ અને ૮૫ ગાથા બહુ સરસ આવી ગઈ. ૮૪મા એમ કહ્યું કે ભલે વિષયભોગ લેતો ન હોય પણ જેને સ્પર્શ, રસ, શબ્દ, આબરૂ, કીર્તિ આદિમાં રુચિ છે તેને ભોગની જ રુચિ છે–તે વિષય જ ભોગવે છે. એ વિષયની રુચિવાળા જીવો તેની પ્રાપ્તિ માટે ક્યો ઉપાય બાકી રાખે ! કોઈ પાપ કરવાનું નહિ ચૂકે.
૮૫મી ગાથામાં ભવભ્રમણ કરતાં જીવની દુર્લભતાઓ બતાવીને એક શુદ્ધાત્મપ્રાપ્તિની ઉપાદેયતા બતાવી. એક જેલમાંથી છૂટે તોપણ નિરાત થઈ જાય તો આ તો અનંતકાળની જેલમાંથી છૂટવાનો ઉપાય બતાવ્યો છે. આ તો જેલ પણ કેવી ! નિગોદની જેલમાં અનંત જીવ અને શરીર એક, તેના શ્વાસોશ્વાસ પણ એક, અંગુલના અસંખ્યમાં ભાગ જેટલાં ક્ષેત્રમાં અસંખ્ય તો ઔદારિક શરીર હોય તે એક એક શરીરમાં અનંત નિગોદના જીવ એક જ ઈન્દ્રિય અને આયુષ્ય અને શ્વાસ પણ જેના સમાન છે એવામાં અનંતકાળ આ જીવ રહ્યો છે. પણ અત્યારે તેનો વિચાર જ કરતો નથી. કેટલી હિણી દશા....! અહો કેવળજ્ઞાન લે તેવો ચતુર આત્મા, કેવળજ્ઞાનના અનંતમાં ભાગના જ્ઞાન સહિત એક શરીરમાં અનંત જીવો જેલ ભોગવી રહ્યાં છે. તે પણ કેટલો કાળ? કે અનંતા પુદ્ગલ–પરાવર્તનકાળ. ભાઈ! હવે ત્યાંથી નીકળીને આટલી દુર્લભતા સુધી આવી ગયો છો તો શુદ્ધાત્મ ભગવાનની દૃષ્ટિ કર ! જ્ઞાન કર ! વારંવાર તેનો જ અભ્યાસ કર ! એ જ ઉપાદેય છે. એ જ આ ગાથાનો સાર છે.