________________
૨૬ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ રીતે પ્રભાકર ભટ્ટ પંચપરમેષ્ઠીને ઓળખીને નમસ્કાર કરે છે અને પછી યોગીન્દ્રદેવને પૂછે છે કે પ્રભુ! આ સંસારના બંધનમાંથી અમારો છૂટકારો કેમ થાય? તે વાત આગળ આવશે.
હવે અહીં આચાર્યના ચોથા તપાચારનું સ્વરૂપ કહે છે કે નિજ પરમાનંદસ્વરૂપમાં પરદ્રવ્યની ઇચ્છાનો નિરોધ કરીને સહજ આનંદરૂપ તપશ્ચરણસ્વરૂપ પરિણમન કરવું તે તપાચાર છે, જેમાં સહજ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે સાચી તપસ્યા છે. આચાર્યદેવ અતીન્દ્રિય આનંદના કોળિયા લે છે. અતીન્દ્રિય આનંદની ભરતી આવે તેનું નામ તપસ્યા છે, બાકી બધી લાંઘણ છે.
શુદ્ધાત્મસ્વરૂપમાં પોતાની શક્તિ પ્રગટ કરીને પરિણમન કરવું તે વીર્યાચાર નામનો પાંચમો આચાર છે. સ્વભાવનો ઉગ્ર પુરુષાર્થ પ્રગટ કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં વીર્ય ફોરવવું તેનું નામ વીર્યાચાર છે.
આ નિશ્ચય પંચાચારનું લક્ષણ કર્યું. હવે તેની સાથે રહેલાં વ્યવહાર પંચાચારનું લક્ષણ કહે છે.—નિશ્ચય સાથે વ્યવહાર કેવો હોય તેનું જ્ઞાન કરાવે છે.
આચાર્યને વિકલ્પમાં નિશકિત, નિકાંક્ષ આદિ આઠ અંગરૂપ વ્યવહાર દર્શનાચાર હોય છે એટલે વીતરાગે કહેલાં ધર્મની શંકા ન હોય, અન્ય ધર્મની ઈચ્છા ન હોય, કોઈ પ્રત્યે દુર્ગચ્છા ન હોય, ધર્મ વિષે અમૂઢતા હોય, બીજાને ધર્મમાં આગળ લાવવાના ભાવ હોય, સાધમ પ્રત્યે વાત્સલ્ય હોય અને ધર્મની પ્રભાવનાના શુભભાવ હોય છે.
નિશ્ચય જ્ઞાનાચાર–સ્વરૂપની ગ્રાહકબુદ્ધિની સાથે વ્યવહારમાં આઠ પ્રકારના જ્ઞાનાચાર હોય છે. શબ્દ શુદ્ધ હોય, અર્થ શુદ્ધ હોય, કાળે ભણવું, વિનયથી ભણવું, ભણતાને વિઘ્ન ન કરવું, અશાતના કરવી નહિ, બહુમાનથી ભણવું આદિ આઠ પ્રકારના જ્ઞાનાચારના ભાવ આચાર્યને હોય છે.
નિજાનંદના આસ્વાદરૂપ નિશ્ચયચારિત્રની સાથે વ્યવહારચારિત્રમાં પંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પાળવાના ભાવ મુનિને હોય છે. કુલ તેર પ્રકારના વ્યવહાર આચાર છે તે પુણ્યબંધનું કારણ છે.
અનશન, ઉણોદરી આદિ બાર પ્રકારના તપનો ભાવ થવો તે વ્યવહાર તપાચાર છે અને પોતાની શક્તિ પ્રગટ કરીને ૨૮ મૂળગુણ આદિ પાળવારૂપ વ્યવહારનો વિકલ્પ મુનિને હોય છે, તે વિચાર છે.
આ વ્યવહાર પંચાચાર પરંપરા મોક્ષનું કારણ છે. ખરેખર તો, સ્વભાવના આશ્રયે થયેલાં નિશ્ચય પંચાચાર છે તે જ નિશ્ચયથી મોક્ષના સાધક છે, તેના નિમિત્તરૂપ એવા વ્યવહાર પંચાચારને પરંપરા મોક્ષના સાધક છે એમ કહેવામાં આવ્યું છે.