________________
પ્રવચન-૧૭ )
[ ૩૬૭ આ મારી દીકરી છે, બહુ હોશિયાર છે, એમ.એ.માં સારા માર્કે પાસ થઈ છે. હવે પરદેશ મોકલવી છે.....બહુ બુદ્ધિશાળી છે....શું છે પણ હવે ? તારે અને તેને શેઢે ને સીમાડે ક્યાંય મેળ નથી. ત્રણકાળમાં એક સમયમાત્ર પણ તે તારી પર્યાયમાં આવી નથી. અરે, તારી પર્યાયમાં આવેલો રાગ પણ તારો નથી તો દીકરી તારી ક્યાંથી થઈ?
આ મારા એવા મિત્ર છે કે ખરે ટાઈમે આવીને ઊભા રહે. તેને જરૂર હોય તો અમે જઈને ઊભાં રહીએ એવો અમારો નાતો છે. ભાઈ ! આ બધી માનેલી માન્યતા છે. કોઈ તારો મિત્ર નથી.
પાંચ-પાંચ, દશ-દશ, પેઢીના આંબા કાઢીને કુટુંબીજનની ઓળખાણ કાઢે છે, આ મારી સહોદરી છે, આ મારી બેનની દીકરી છે. અમારું તો ૧૦૦ માણસોનું કુટુંબ છે વગેરે.....આ બધી માયાજાળ છે. માયાજાળને પોતાની માનીને મૂઢ પોતાના આત્માને ભૂલી ગયો છે એમ અહીં કહેવું છે.
આ મારા નાના છે, આ મામા છે, કાકા છે, દાદા છે....મુનિરાજને આ બધું કહેવા પાછળ કારણ શું હશે? તો કહે છે કે ક્ષણે ક્ષણે તું જ્યાં જ્યાં પરને પોતાના માનીને મિથ્યાત્વભાવ સેવે છે તેનું તને જ્ઞાન કરાવીએ છીએ. પરને મારા માનવા એ જ મોટું મિથ્યાત્વનું પાપ છે, એ જ દુ:ખનું કારણ છે. મારાપણાનો ભાવ જ એને મારનારો છે. પરમાં મારાપણાનો ભાવ જ જીવને મારી નાંખે છે, એ જ મોટું દુઃખ છે.
અમારા ઘરે આટલાં રત્ન છે, માણેક છે, મોતી છે. બીજે ક્યાંક મોતી દેખે તો કહે ઘણાં વર્ષ પહેલાં અમારે ત્યાંથી વેચાતું લીધેલું આ મોતી છે. અરે ભાઈ! તારું ચૈતન્ય મોતી તો આ રહ્યું! બહારમાં તારું મોતી ક્યાંથી આવ્યું ! સોનું, ચાંદી, ધન, ધાન્ય કાંઈ તારું નથી. પણ અજ્ઞાની તો અમારાં ઘરે અનાજની કોઠી જ ભરેલી હોય, બાર મહિના સુધી અમારે કોઈની ઓશિયાળ નહિ.પણ ભાઈ ! મરી જઈશ ત્યારે શું થશે !
આ અમારો જૂના જમાનાનો નોકર છે, અમારે નોકરનું બહુ સુખ છે, કામવાળી પણ બહુ સારી છે. એમ નોકરથી પોતાની મોટાઈ કરે.....આ ચારપગા ગાય, ભેંસ આદિ અમારે ઘણાં હતાં તે વેચી દીધાં. રસ્તામાં દેખાય તો કહે આ જ ગાય અમારી હતી. આ ઘોડો અમારાં ઘરે જ ઉછરેલો છે, આ અમારો ઊંટ છે એમ કહે પણ તેને ખબર નથી કે અજ્ઞાનથી હું જ ઊંટ થઈ ગયો છું.
રાજાને ત્યાં તો હાથી પણ હોય એટલે માને કે આ અમારાં હાથી છે. રાવણને ત્યાં ચોરાશીલાખ હાથી હતાં તેમાં ત્રિલોકમંડન હાથી ચોરાશીલાખ હાથીનો નાયક હતો તેના ઉપર રાવણ બેસતો હશે ત્યારે તેને એમ થતું હશે કે અહો ! કેવો મારો હાથી ! પણ તેને મૂકીને રાવણ તો લડાઈમાં મરી ગયો પછી રામ હાથીને અયોધ્યા લઈ આવે છે. તે