________________
૩૬૦ )
[ આત્મપ્રકાશ પ્રવચનો હોય. તે તો સમ્યફપરિણામ કહેવાય પણ તેને વશ નહિ થતાં આત્મામાં જે નથી એવા શરીરના પરિણામમાં મૂઢાત્મા પોતાને જોડે છે કે આ મારી અવસ્થા છે. હું શરીર અને શરીરના ગુણોમય છું એવું તેને પરવશપણું થઈ ગયું છે. મૂઢજીવને પરવશતામાં કેવી કેવી દશા થાય છે તે અહીં બતાવી છે.
આત્મવસ્તુ તો કાયમ આનંદની થપ્પીથી ભરેલો ભગવાન છે. જેમ વખારમાં માલની થપ્પી પડી હોય છે તેમ આત્મામાં કાયમ જ્ઞાન ને આનંદની થપ્પીઓ ભરી પડી હોય છે. માલની થપ્પી તો એક પછી એક રહેલી હોય અને આત્મામાં તો ગુણો એક સાથે રહેલાં છે. એક જ ક્ષેત્રમાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ આદિ અનંત ગુણો અભેદપણે રહેલાં છે. એ એક એક ગુણમાં અનંતી પર્યાય વસેલી છે. એટલે કે એક જ્ઞાનગુણમાં અનંતી કેવળજ્ઞાનની પર્યાય રહેલી છે અર્થાત્ અનંતા કેવળીપરમાત્મા એક ગુણમાં રહેલાં છે. એ રીતે અનંત ગુણોમાં અનંતી પર્યાયનું સામર્થ્ય ભરેલું છે.
વીતરાગ નિત્યાનંદ એક સ્વભાવ નિજ શુદ્ધાત્મામાં પરિણામ જોડીને આ જ હું છું.... આ જ હું છું એમ થવું જોઈએ. તેને બદલે કલ્પનાથી પરની અવસ્થાને આ મારામાં છે એમ એકત્વ કરે છે. કેમ એકત્વ કરે છે કે શુદ્ધાત્માનુભૂતિથી રહિત છે માટે પરમાં એકત્વ કરે છે. તેનો પણ આત્મા તો એવો ને એવો જ છે. જેમ આઠ વર્ષનું બાળક હો કે સો વર્ષના વૃદ્ધ હો બંને માણસ તરીકે સમાન છે તેમ સ્થૂળ શરીર હો કે પાતળું શરીર હોય પણ તેના આત્મામાં કાંઈ ફેર નથી.
અનુભૂતિ એટલે સ્વરૂપને અનુસરીને નિર્મળ અનુભૂતિ થવી–નિર્વિકાર અનુભવ થાય તેને અનુભૂતિ કહેવાય છે. જ્ઞાનનું જ્ઞાનથી વેદાવું, આનંદનું આનંદથી વેદાવું તે અનુભવ અનુભૂતિ છે. વીતરાગ નિત્યાનંદ સ્વભાવ તે જીવદ્રવ્ય અને આ તેના નિર્મળ પરિણામ તે સંવર અને નિર્જરાતત્ત્વ છે. અને પરની અવસ્થાને પોતાની માને છે એવા જે વિકારી પરિણામ છે તે આસ્રવ અને બંધતત્ત્વ છે.
શુદ્ધજીવને ઉપાદેય બનાવીને જે શુદ્ધાત્માનુભૂતિ થાય છે તે નિર્મળપર્યાય છે–મોક્ષમાર્ગ છે અને તેનાથી વિપરીત પરને મારાં માનીને જે મલિનપર્યાય થાય છે તે બંધમાર્ગ છે. શરીરાદિ જડ છે તેને પોતાના માને છે તે અજ્ઞાની છે એ બતાવીને સાથે શરીરાદિનું અસ્તિત્ત્વ છે એ પણ સિદ્ધ કર્યું છે. વેદાંતની જેમ “બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા' એમ નથી. શરીરાદિ જડ વસ્તુ છે તેને પોતાના માનનારી વિકારી પર્યાય પણ છે, તેનાથી વિપરીત સ્વમાં એકત્વ કરનારી નિર્મળ પર્યાય પણ છે અને શુદ્ધાત્મ દ્રવ્ય પણ છે એમ નવેય તત્ત્વની અહીં સિદ્ધિ કરી છે. આ બધી નવતત્ત્વની જ રમત છે. સમયસાર એ અશરીરીતત્ત્વને બતાવનારું વાચક છે. તેથી જ તો ૧૯૭૮ની સાલમાં પહેલીવાર સમયસાર મળ્યું તે વાંચીને કહ્યું હતું કે “આ તો અશરીરી શાસ્ત્ર છે.”