________________
૩૫૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
માને છે. આત્માથી ભિન્ન—બહારની પર્યાયમાં હુંપણું માને છે માટે તે જીવને બહિરાત્મા કહેવાય છે.
બહિરાત્મા મૂઢ જીવ આ રીતે અનેક અવસ્થાઓરૂપ પોતાને માને છે કે હું તો પહેલેથી જ બહુ દૂબળો છું, મારી કાઠી પાતળી છે. અથવા મારું શરીર જાડું છે—હું જાડો છું એમ જડના જાડાપણાથી પોતાને જાડો માને છે. બહિરબુદ્ધિ જીવ બહિર પર્યાયને પોતાની માને છે. તેથી આચાર્યદેવ કહે છે આવા જીવને મૂઢ જાણો. ભલે તે બાહ્યથી ત્યાગી, મુનિ કે વ્રતીના વેષધારી હોય પણ બહારથી પોતાની અધિકાઈ માનતો હોય તો તે મૂઢ જ છે.
આંખની સુંદરતા, નાકની નમણાઈ, કુંડલ જેવા કાન વગેરેમાં હુંપણાનું સૂક્ષ્મ શલ્ય રહે છે તે પણ સર્વથા ત્યાજ્ય છે. જેને પોતાના જ્ઞાનસ્વભાવ સાથે કાંઈ સંબંધ નથી એવા શરીરના પરિણામને તું મારાં માનવાનું છોડ...છોડ....છોડી દે. તેના દ્રવ્ય ગુણ તો દેખાતાં નથી પણ પર્યાય દેખાય છે તેને મારી ન માન.
ક્ષણે ક્ષણે થતાં મિથ્યાપરિણામની સ્થિતિનું આ વર્ણન છે. એક બાજુ ભગવાન આત્મા સર્વપ્રકારે ઉપાદેયભૂત છે અને આત્માના સ્વરૂપથી વિપરીત મિથ્યાત્વપરિણામ છે તે સર્વપ્રકારે ત્યાજ્ય છે. અહીં ‘સર્વપ્રકારે' કહેતાં એકાંત થતું નથી. પણ એ જ અનેકાંત છે. તો પ્રશ્ન થાય કે આત્મા કેવો છે અને કેવી રીતે ઉપાદેય થઈ શકે ? તો આચાર્યદેવ કહે છે કે આત્મા વીતરાગ નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી એક શુદ્ધ વસ્તુ છે તે જ સર્વપ્રકારે ઉપાદેય કરવા યોગ્ય છે. તે ક્યારે ઉપાદેય થાય ? કે સમ્યગ્દર્શનના કાળે જ આત્મા ઉપાદેય થઈ શકે છે. મિથ્યાત્વ પરિણામમાં આત્મા ઉપાદેય થઈ શકતો નથી. કેમ કે મિથ્યાત્વ પરિણામમાં તો ક્ષણે ક્ષણે તે દેહની દશાને ઉપાદેય માની રહ્યો છે.
આત્મા સર્વપ્રકારે ઉપાદેય એટલે કે આરાધવાયોગ્ય, સેવવાયોગ્ય છે. કથંચિત્ પ્રકારે આત્મા ઉપાદેય અને કથંચિત્ શરીર ઉપાદેય છે એમ નથી. શરીર, વાણી, ઇન્દ્રિય અને મન આદિ અજીવતત્ત્વ છે અને પુણ્ય-પાપના વિકલ્પ તે આસ્રવતત્ત્વ છે તે બન્નેથી ભિન્ન આત્મા પોતે નિર્દોષ વીતરાગસ્વરૂપ જીવતત્ત્વ છે. વર્તમાનમાં જ આત્મા વીતરાગ છે. વિકલ્પના રાગ વિનાનો છે માટે આત્મા વીતરાગ છે, ચિદાનંદ છે, શાંતરસનો પિંડ છે.
આત્માને વીતરાગ કહીને તેની નિર્દોષતા સિદ્ધ કરી છે. આવો આત્મા વીતરાગ અતીન્દ્રિય આનંદનો પિંડ છે. વળી જેમ વસ્તુ નિત્ય છે તેમ તેનો આનંદ પણ નિત્ય છે વસ્તુ પોતે આનંદમય છે. આત્મા અરૂપી છે માટે દેખાતો નથી એટલે એ કાંઈ વસ્તુ જ નથી એમ નથી. એ વસ્તુ તો અતીન્દ્રિય આનંદનું દળ છે, રસકંદ છે. વીતરાગ નિત્યાનંદ એક સ્વભાવી આ શુદ્ધ જીવ તે જ આત્મા છે. અલ્પજ્ઞ પર્યાય તે પણ આત્મા છે એ વાત અહીં નથી. પર્યાયની અલ્પદર્શિતા, અલ્પજ્ઞતા, અલ્પવીર્યતા આદિ વ્યવહાર આત્મા છે. તે