________________
૨૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
નર, નારક આદિ પર્યાય પણ એક એક સમયની અવસ્થામાં છે, સ્વભાવમાં નથી, વિભાવ છે. આ રીતે અનેક બોલ દ્વારા દ્રવ્ય પર્યાયનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ બતાવીને મુનિરાજ વિપરીતતાથી બચાવવા માગે છે.
પ્રથમ જ કહ્યું કે આ એક ચિદાનંદ ચિદ્રૂપજ્ઞાનાનંદ જ્ઞાનરૂપ શુદ્ધાત્મતત્ત્વ તે જ સત્ય છે—પરમાર્થ છે અને તે જ દૃષ્ટિનો વિષય છે. પર્યાયમાં દ્રવ્યકર્મ, નોકર્મ છે તે અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી છે. નથી એમ નથી પણ તે દૃષ્ટિનો વિષય નથી. પર્યાયમાં મતિ, શ્રુત, જ્ઞાનાદિ વિભાવગુણ પણ છે અને નર–નારકાદિ ગતિનો ઉદય પણ છે પણ તે બધો વ્યવહારનયનો વિષય છે અને અશુદ્ધ નિશ્ચયનયનો વિષય છે, દૃષ્ટિનો વિષય નથી.
એકલો હું શુદ્ધ ......શુદ્ધ છું એવો વિચાર કરવો રહેવા દે. આ અશુદ્ધતા પર્યાયમાં છે તેનું જ્ઞાન નહિ કર તો અંદર ઢળીશ શી રીતે ? અરે ! અંદર ઢળ્યા પછી પણ આ ચાર બોલનું જ્ઞાન તો વર્તે જ છે. દ્રવ્યકર્મ-નોકર્મનો સંબંધ, રાગનો સંબંધ, મતિજ્ઞાનાદિ વિભાવગુણનો સંબંધ અને નર–નારકાદિ ગતિના ઉદયનો સંબંધ પર્યાયમાં છે અને દ્રવ્યમાં નથી તેનું જ્ઞાન જ્ઞાનીને બરાબર વર્તે છે.
પર્યાયમાં આ બધો વ્યવહાર હોવા છતાં દ્રવ્યદૃષ્ટિએ—નિશ્ચયથી ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ જ ભૂતાર્થ છે—છતો અર્થ—પદાર્થ છે, સત્ય છે. તેનો આશ્રય કરવાથી જ સમ્યગ્દર્શન થાય છે. પર્યાયનું જ્ઞાન હોય પણ આશ્રય ન હોય.
ચાર જ્ઞાનની પર્યાય પણ વ્યવહાર–આત્મા છે, અભૂતાર્થ છે, આશ્રયયોગ્ય નથી. ભૂતાર્થ દ્રવ્યસ્વભાવ એક જ આશ્રયયોગ્ય છે. સર્વ પ્રકારે તે એક જ આરાધવાયોગ્ય છે, બાકી સર્વ છોડવા લાયક છે.
અતીન્દ્રિય આનંદના અનુભવ માટે જે આવા ચિદાનંદ ચિદ્રૂપ ભૂતાર્થ સ્વભાવને દેખે છે—શ્રદ્ધે છે, જાણે છે અને અનુભવે છે એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને હું વંદન કરું છું. આવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે જ સાચા સાધુ છે.
હવે આગળ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું ભિન્ન-ભિન્ન વર્ણન આવશે.