________________
પ્રવચન-૫ ]
| ૨૩
સાચા, બાકી બધાં ખોટા એમ માને છે, બધાં જ સાચા છે એમ માનવું જોઈએ. પણ અરે ભાઈ! સાચું એક જ હોય. બધાં સાચા ક્યાંથી હોય ?
હવે સાતમી ગાથામાં યોગીન્દ્રદેવ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને વંદન કરે છે. જે ભેદાભેદ રત્નત્રયના આરાધક છે એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરું છું. નિશ્ચયથી પોતાના અભેદ સ્વરૂપના આરાધક છે અને વ્યવહારથી સાચા દેવ શાસ્ત્ર–ગુરુ પ્રત્યે જ પ્રેમ ધરાવે છે, સાચા શાસ્ત્રોનો જ અભ્યાસ કરે છે અને પંચ મહાવ્રત આદિ ચારિત્ર પાળે છે. નિશ્ચય પ્રગટ થયો છે એવા સાધુને આવો જ વ્યવહાર હોય છે. જેને નિશ્ચય પ્રગટ થયો નથી અને માત્ર બહારથી વ્યવહાર પાળે છે તે કોઈ સાચા સાધુ નથી.
બહારથી વાળનો લોચ કરે તે સાધુ નથી પણ અંતરથી બહારની લાગણીનો લોચ કરે છે તે સાધુ છે. જેને પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આદિ છ આવશ્યકને પાળવાનો વિકલ્પ છે, પંચ મહાવ્રત આદિ પાળવાનો જેને વિકલ્પ છે અને અંતરમાં પરમાનંદમાં સ્થિત થાય છે એવા નિશ્ચય-વ્યવહાર સહિત છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે.
દિગંબર આચાર્યોની કથન પદ્ધતિ કોઈ અલૌકિક....અલૌકિક છે. સાત ગાથામાં આખા જૈનદર્શનના પંચપરમેષ્ઠીનું સ્વરૂપ વર્ણવી દીધું છે.
જે શાંતિથી, ધીરજથી, વીતરાગપરિણામથી અને સમ્યજ્ઞાનથી અંતર જ્ઞાયકસ્વભાવને દેખે છે, જાણે છે અને અનુભવે છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. શું કામ આત્માને દેખે છે ?—કે અતીન્દ્રિય આનંદના સુખરસને આસ્વાદવા માટે સાધુ આત્માને દેખે છે અને જાણે છે.
પંચપરમેષ્ઠિનું સ્વરૂપ જેવું છે તેવું જાણીને, બહુમાનપૂર્વક, ભક્તિપૂર્વક વંદન કરીને યોગીન્દ્રદેવ કહે છે કે હું પરમાત્મપ્રકાશ લખવું શરૂ કરું છું. જુઓ ! મુનિરાજે પંચપરમેષ્ઠીને પોતાની પડખે ઊભા રાખ્યા છે. પંચપરમેષ્ઠી પ્રત્યે બહુમાનસહિત ભક્તિ ઊછળે છે.
ભગવાન આત્માને વર્તમાન પર્યાયમાં કર્મ અને નોકર્મ સાથે અનુપરિત અસદ્ભૂત સંબંધ છે પણ ખરેખર વસ્તુદૃષ્ટિએ જુઓ તો દ્રવ્યમાં તે કર્મોનો સંબંધ નથી. તેમ આત્માને વર્તમાન પર્યાયમાં અશુદ્ઘનિશ્ચયનયથી રાગાદિ ભાવકર્મ છે પણ પરમાર્થે આત્મામાં તે રાગ નથી. જુઓ ! આ દ્રવ્યકર્મ આદિ છે છતાં નથી એવું જ વસ્તુનું સ્વરૂપ છે. વ્યવહારથી જે છે તે જ નિશ્ચયથી નથી. વ્યવહારથી આત્માની પર્યાયમાં મતિ–શ્રુતજ્ઞાનની વિભાવપર્યાય છે પણ પરમાર્થે આત્મામાં તે નથી, ચિદાનંદ ચિત્તૂપ એકસ્વભાવમાં તે નથી.
મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યયજ્ઞાન તે અપૂર્ણ જ્ઞાન છે, કાયમ ટકતાં નથી, નીકળી જાય છે માટે તે પણ અશુદ્ધનયનો વિષય છે. તેને વિભાવ ગણીને એક કેવળજ્ઞાનને જ સ્વભાવ કહ્યો છે કે જે પૂર્ણ અને કાયમ ટકે છે.