________________
| ૩૫૧
પ્રવચન-૫૫ ]
મિથ્યાત્વભાવથી બંધાયેલા ચીકણાં કર્મો વળી નવા ઉલટાં ભાવ થવામાં નિમિત્ત થાય છે. અરસ-પરસ એક-બીજાને નિમિત્ત થાય છે.
જેટલાં જોરથી ઊંધા માર્ગે પોતે વાળેલો એટલા જ જોરદાર કર્મો બંધાય છે કે જે ફરીને ઉલટાં માર્ગે જવાનું કારણ બને છે. આત્મા વિચક્ષણ તો એટલો છે કે એક સમયમાં કેવળજ્ઞાન લે એવો છે પણ તેણે એટલાં ઊંધા જોરથી ચીકણાં કર્મો બાંધ્યા છે કે તેના ઉદયકાળે ફરીને તે ઊંધો પડે છે. પહેલાં પોતે જ પોતાના સ્વભાવથી ઉલટાં માર્ગે જોરથી ચડ્યો હતો તેથી કર્મો પણ એવા જોરદાર બંધાયા કે જે તેને ખોટાં માર્ગમાં પતન થવાનું કારણ બને છે.
ભગવાન શાનમૂર્તિ જ્ઞાતા-દેષ્ટા છે. એક વિકલ્પ ઊઠે તેનો પણ એ સ્વામી નથી. તેમ જ જડની ક્રિયા-દેહ, વાણી, મનની ક્રિયાનો આત્મા સ્વામી નથી. આવા પોતાના સ્વભાવને તો જાણ્યો નહિ અને પોતાનું બધું જોર સ્વભાવથી ઉલટી માન્યતામાં વાપર્યું કે હું આ દેહરૂપ છું, ભાષા હું બોલું છું, મનની ક્રિયા મારી છે. આવા ઊંધા જોરથી બંધાયેલા આકરાં કર્મ તેને ખોટા માર્ગે જ પાડે છે. પોતે જ ભ્રમણામાં ચડી જાય છે. જ્ઞાનનો ઉઘાડ થોડો હોય અને રાગ પ્રમાણે શરીર પણ સુંદર મળ્યું હોય તો એને ભ્રમણા થઈ જાય છે કે ‘હું કાંઈક છું' મિથ્યામાર્ગે બાંધેલા કર્મ એને ફરી મિથ્યામાર્ગમાં પટકે છે—પછાડે છે.
પોતે જ્ઞાનવિચક્ષણ જીવડો, કેવળજ્ઞાનનો કંદ, પૂર્ણાનંદ પ્રભુ પોતાની ઊંધાઈથી અલ્પજ્ઞાનના અભિમાન કરે છે, રાગના અને શરીરના અભિમાન કરે છે. સિદ્ધના જેવી અનંત સિદ્ધપર્યાય જેના પેટમાં રહેલી છે એવા પોતાના પરમાત્મસ્વભાવને નહિ સ્વીકારતા અલ્પજ્ઞાનના અભિમાનમાં છેતરાય છે. અલ્પજ્ઞાન જેવડો જ હું છું એવા મિથ્યા અભિપ્રાયમાં જોર આપીને આકરાં કર્મો બાંધ્યાં છે તે જ તેને ફરી ફરીને ખોટા માર્ગે પડવામાં નિમિત્ત થાય છે. તેથી કર્મ જીવને ખોટા માર્ગમાં પટકે છે એમ કહ્યું છે.
કર્મ કેવા છે ?—દૃઢ ધનવાન અર્થાત્ કર્મ બળવાન છે, ઘણાં છે અને ચીકણાં છે. અહીં કર્મને બળવાન કહીને મૂળ તો જીવના ઊંધા ભાવોનું બળવાનપણું બતાવવું છે. વર્તમાન દશામાં અલ્પજ્ઞાન હોવા છતાં જાણે એટલો જ હું જ્ઞાનવાન છું એમ માને, આ રાગાદિમાં મારે શુભભાવ જ વિશેષ પછી શું જોઈએ ? અને આ મારા, દેહ, વાણી ને મન પણ કેટલાં તંદુરસ્ત છે ! એમ બળવાનપણે જેટલો મિથ્યાભાવને સેવ્યો છે એટલો જ કર્મોમાં બળવાન રસ પડ્યો છે. માટે કર્મો બળવાન છે તેમ કહ્યું છે.
જેની કિંમત ટાંકવી જોઈએ તેની કિંમત ન ટાંકી, હું તો જ્ઞાનાનંદસ્વરૂપ સહજાનંદ પ્રભુ છું એની કિંમત ટાંકીને સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ તે ન કર્યો અને વર્તમાનમાં પ્રગટેલ અલ્પજ્ઞાન, રાગ અને શરીરાદિની કિંમત ટાંકી કે જેની કિંમત ખરેખર કાંઈ નથી. આવી પોતાની ઊંધી માન્યતાના જોરથી બળવાન કર્મો બાંધ્યા છે, ઘણાં કર્મો બાધ્યા છે.