________________
- તું મોટો કે કર્મ મોટા? આ
(સળંગ પ્રવચન નં. ૫૫) कर्माणि दृढघनचिक्कणानि गुरुकाणि वज्रसमानि । ज्ञानविचक्षणं जीवं उत्पथे पातयन्ति तानि ।।७।। जीवः मिथ्यात्वेन परिणतः विपरीतं तत्त्वं मनुते ।
कर्मविनिर्मितान् भावान् तान् आत्मानं भणति ।।७।। જુઓ, આ ૭૮મી ગાથાનો મુખ્ય મુદ્દો એ છે કે મિથ્યાત્વથી ઉપાર્જન કરેલા કર્મોથી આ જીવ સંસાર-વનમાં ભ્રમણ કરે છે. તે કર્મોની શક્તિ કેવી છે તે કહેવું છે.
આગળ ૭૭ ગાથાની છેલ્લી લીટીમાં “આત્મજ્ઞાનરૂપી વીતરાગ સમ્યકત્વથી પરાભુખ જે મિથ્યાત્વ છે તે ત્યાગવાયોગ્ય છે' એમ કહ્યું છે તે જ આ ૭૮ ગાથાનું મથાળું છે. આત્મજ્ઞાનની જ કિંમત છે, તેનાથી વિપરીત એવા પુણ્ય-પાપભાવ, શરીર, વાણી અને મનની કાંઈ કિંમત નથી. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની કિંમત છે. જે શુભરાગ ઊઠે છે તેની પણ જ્ઞાનીને કિંમત નથી. કારણ કે રાગ એ આત્માનું સ્વરૂપ નથી અને વાણી તો જડ છે તેની તો કિંમત હોય જ નહિ. એક આત્મજ્ઞાનની કિંમત છે.
આત્મજ્ઞાન વીતરાગ સમક્તિ સહિત છે અને મિથ્યાત્વ તો આત્મજ્ઞાનથી પરાભુખ છે. અખંડ આનંદકંદ આત્માના અનુભવ સહિત શ્રદ્ધા થાય તે વીતરાગ સમકિત છે અને આવું વીતરાગ સમ્યગ્દર્શન જેને નથી તેને આત્માના સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન નહિ હોવાથી શરીર, વાણી, મન અને વિકલ્પોમાં જ એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ વર્તે છે, તેના કારણે તેને કર્મો બંધાય છે. એ કર્મોની શક્તિ જીવને સંસારમાં રખડાવે છે.
અહીં કર્મોની શક્તિ બતાવી છે પણ તેનું મૂળ કારણ મિથ્યાત્વ છે. માટે ખરેખર જીવ મિથ્યાત્વથી રખડે છે એમ વજન લેવું. કર્મ બંધાણા તેમાં નિમિત્તરૂપ મિથ્યાત્વભાવ હતો. એ જ કર્મો જીવના સંસારપરિભ્રમણમાં નિમિત્ત થાય છે. માટે તેનું મૂળ મિથ્યાત્વ છે. પુણ્ય-પાપ, શરીર, વાણી, મન તેમાં “આ હું છું' એવી કિંમત આપીને જીવે મિથ્યાત્વકર્મ બાંધ્યું છે અને તેના ફળમાં એને રખડવું થાય છે. માટે મિથ્યાત્વ જ આકરાં ફળને દેનારું છે.
તે જ્ઞાનાવરણાદિ કર્મો જ્ઞાનાદિ ગુણથી ચતુર આ જીવને ખોટા માર્ગે લઈ જાય છે. જ્ઞાનાવરણ આદિ કહેતાં તેમાં આઠેય પ્રકારના કર્મો આવી જાય છે. જ્ઞાનવિપક્ષ એટલે જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ અનંત ગુણ સંપન્ન આત્મા છે તેને ભૂલીને જે મિથ્યાત્વભાવ થયા છે તેનાથી બંધાયેલા કર્મો આવા જ્ઞાનવિચક્ષણ આત્માને ખોટા માર્ગે દોરી જાય છે.