________________
પ્રવચન-૧૪ )
[ ૩૪૫ સજા ભોગવી રહ્યો છે. સડેલાં કે સારાં કોઈ શરીર બાકી નથી કે જે એણે ન ધર્યા હોય.
અરે ! જીવ વિચાર પણ કરતો નથી કે મારા ઉપર શું વીતી રહ્યું છે! વર્તમાન શરીર અને સંયોગ જેવડો જ પોતાને માનીને બેસી ગયો છે. અરે, આ જ નામ અને આવા જ સંબંધોવાળા શરીર પણ તે અનંતવાર ધાર્યા અને છોડીને આવ્યો છો. તું તો અનાદિથી છો, અનાદિની કોઈ આદિ નથી. તેમાં તે અનંત પરાવર્તન કર્યા છે. પહેલું દ્રવ્ય પરાવર્તન અર્થાત્ પુદ્ગલપરાવર્તનમાં સૌથી ઓછો કાળ લાગે છે પણ તે કાળ પણ કેવડો મોટો છે ! એક પુદ્ગલપરાવર્તનના અનંતમાં ભાગમાં અનંતી ચોવીશી થઈ જાય, એક ચોવીશી થવામાં દશ ક્રોડાક્રોડી સાગરોપમ કાળ જાય. એક સાગરોપમ એટલે દશ ક્રોડાક્રોડી પલ્યોપમકાળ જાય અને એક પલ્ય એટલે કેટલો કાળ? કે જેના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય. આ ઉપરથી એક પુદ્ગલ પરાવર્તનકાળનો ખ્યાલ આવ્યો? એવા તો તેં અનંત પુદગલપરાવર્તન કર્યા છે.
ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવે ત્રણકાળ ત્રણલોકને જોયા છે. તેમની વાણીમાં એમ આવ્યું છે કે હે જીવ! તું તો અતીન્દ્રિય આનંદરસનો સાગર છો પણ તેના સમ્યક અનુભવ વિના મિથ્યાશ્રદ્ધાનથી અનંતવાર નવમી ગ્રેવેઈક જઈ આવ્યો પણ પરિભ્રમણનો અંત આવ્યો નથી. કેમ કે એણે પોતાને જોવાનો કદી પ્રયત્ન જ કર્યો નથી. એ તો આ શરીર હું, આ રાગ હું આ શરીરના રોગ મને છે, આ પુણ્ય-પાપભાવ મારા છે એમ માનીને તેમાં જ રોકાઈ ગયો છે. વિકાર અને પરથી ભિન્ન હું કોણ છું એ એણે કદી શોધ્યું જ નથી.
શ્રોતા –શરીર અને વિભાવની એકતા કોઈ તોડાવે તો તૂટે?
પૂજ્ય ગુરુદેવશ્રી ઃ બીજું કોણ તોડાવે ! જેણે એકતા માની છે તે પોતે તોડે તો તૂટે. રાગ-દ્વેષ, પુણ્ય-પાપમાં જોડાણ પોતે જ કર્યું છે માટે પોતે એકતા તોડે તો તૂટે. ભગવાન આત્મા તો સિદ્ધ સમાન છે. જેવા અનંત સિદ્ધ છે તેવો જ આ આત્મા છે પણ પોતાના સિદ્ધ સમાન સ્વભાવને ભૂલીને પરભાવમાં એકતા કરી રહ્યો છે.
મિથ્યાત્વવશ જીવને આઠ પ્રકારના મદ હોય છે. મારું કુળ બહું ઊંચું, મારા માતા-પિતા બહુ ઊંચા કુળના છે, અમે મોટા સંઘના સંઘપતિ છીએ, અમે બહુ સારી વિદ્યા શીખી છે. અમારામાં બહુ બળ છે, અમારું રૂપ અજોડ છે, મારું શાસ્ત્ર ભણતર બહુ છે. એમ અનેક રીતે તે અભિમાન કરે છે પણ જો એક સમય માત્ર પણ ભગવાન જ્ઞાનાનંદમૂર્તિની દષ્ટિ અને અનુભવ થાય તો તેને કોઈ પ્રકારનું અભિમાન ન રહે. મોટો ભગવાન અહમ્, પણે ભાસ્યો તેને બીજે ક્યાં અહમ્ આવે ! આત્મામાં અહમ્પણા વિના તપ કરે તો તપનું પણ એને અભિમાન ચડી જાય. અરે ! આત્માના અનુભવ વિના અભિમાનમાં જ એ લૂંટાઈ રહ્યો છે.