________________
નિજ સ્વરૂપમાં સ્થિત સિદ્ધોને નમસ્કાર
(પ્રવચન નં. ૫) तान् पुनर्वन्दे सिद्धगणान् ये आत्मनि वसन्तः । लोकालोकमपि सकलं इह तिष्ठन्ति विमलं पश्यन्तः ॥५॥ केवलदर्शनज्ञानमयान् केवलसुखस्वभावान् ।
जिनवरान् वन्दे भक्त्या यैः प्रकाशिता भावाः ॥६॥ મુનિરાજ યોગીન્દ્રદેવ સિદ્ધોનાં સ્વરૂપનું વર્ણન કરતાં કરતાં સિદ્ધોને નમસ્કાર કરી રહ્યાં છે. ચાર ગાથા સુધી તો સિદ્ધોને વંદન કર્યા. આ પાંચમી ગાથામાં પણ સિદ્ધોને વંદન કરતાં કહે છે કે હું તે સિદ્ધોને નમસ્કાર કરું છું કે જેઓ નિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને વ્યવહારનયથી લોકાલોકને જાણી રહ્યાં છે.
સિદ્ધભગવાન લોકાલોકને જાણતાં થકાં પોતાના સ્વરૂપનિવાસમાં વસી રહ્યાં છે. સિદ્ધભગવાન પોતાના સ્વભાવને તન્મય થઈને જાણે છે અને બાહ્ય લોકાલોકને તન્મય થયા વગર પણ નિઃસંદેહ અને પ્રત્યક્ષ જાણે છે.
ભગવાન જો પરપદાર્થને તન્મય થઈને જાણે તો તો પરના સુખદુઃખનો ભોગવટો ભગવાનને થાય; તો તો નારકીને જાણતાં ભગવાનને દુઃખ થાય, અગ્નિને જાણતાં દાઝી જાય એમ દરેક પદાર્થનો ભોગવટો થાય પણ એમ બનતું નથી. કેમ કે ભગવાન પરવસ્તુમાં એકમેક થયા વગર પોતામાં તન્મય રહીને પરનું જ્ઞાન કરે છે.
જો ભગવાન રાગ-દ્વેષ સહિત પરને જાણે તો તો નરકમાં દ્વેષ ને સ્વર્ગમાં રાગ થાય. એ તો મહાન દોષ આવે. ભગવાનને રાગ-દ્વેષ છે જ નહિ તેથી વીતરાગભાવે બધાને જાણે છે.
કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે સ્થળ, સૂક્ષ્મ બધાં પદાર્થોને જેમ છે તેમ જાણે જ. તો જેને આ પર્યાય પ્રગટ થઈ છે તેવા સિદ્ધ ભગવાન કોને જાણ્યાં વગર રહે? બધાંને જાણે.
સિદ્ધ ભગવાનમાં જેવી આ જ્ઞાયક શક્તિ છે તેવી જ શક્તિ તારામાં પણ છે ભાઈ ! એવા શક્તિવંત સ્વભાવની આરાધના કરીને સિદ્ધ થવાનો પ્રયત્ન કરવો એ આ ગાથાનો સાર છે. -
હવે છઠ્ઠી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે હું નિરંજન, નિરાકાર, નિઃ શરીર સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું.