________________
૨૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
કેરી પાકી જાય એટલે ડીટીયું આપોઆપ ખરી જાય છે, તેમ આત્માનું ધ્યાન કરતાં કર્મો આપોઆપ ખરી જાય છે.
પાંચમી ગાથામાં મુનિરાજ લોકાગ્રે બિરાજમાન સિદ્ધોને નમસ્કાર કરે છે કે જે ભગવાન વ્યવહારનયથી લોકાલોકને જાણી રહ્યાં છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. દરેક આત્મામાં એક સમયમાં પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય અને પરના દ્રવ્ય– ગુણ–પર્યાયને જાણવાની એટલે કે લોકાલોકને જાણવાની શક્તિ પડી છે. સિદ્ધને તે પ્રગટ થઈ ગઈ છે તેથી ભગવાન એક સમયમાં આખા લોકાલોકને જાણે છે. આ લોકાલોકના જ્ઞાનને જો કોઈ કાઢી નાખે—ન સ્વીકારે તો તેણે આત્મદ્રવ્યનો જ સ્વીકાર કર્યો નથી.
સિદ્ધ ભગવાનની પર્યાય લોકાલોકને જાણે છે પણ તેમાં તન્મય નથી માટે તેને વ્યવહાર કહ્યો છે અને પોતાની પર્યાયને પોતે સીધી જાણે છે તન્મય થઈને જાણે છે માટે તેને નિશ્ચય કહ્યો છે.
આ તો ભાઈ ! લહલહતા શીરા પીરસાય છે. તે જ ખાવા અનુભવવા જેવા છે. કેટલાંકને એમ પ્રશ્ન થાય છે કે સિદ્ધ થયાં પછી પણ લોકાલોકનું જ્ઞાન હોય તો તો કેટલી ઉપાધિ રહે ! અહીં બે પાંચ ઘરનું ધ્યાન રાખીએ છીએ ત્યાં કંટાળી જઈએ છીએ તો સિદ્ધને કેટલી ઉપાધિ ?—અરે ભાઈ ! સિદ્ધને ઉપાધિ નથી. જ્ઞાનનો જે સ્વભાવ છે તે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયો છે તે કોને ન જાણે ! અને તે પણ ભગવાનને કાંઈ ઉપયોગ બહાર મૂકવો પડતો નથી. પોતાની પર્યાયમાં પૂરું સામર્થ્ય પ્રગટ થયું, તેમાં ઉપયોગ મૂક્યા વગર લોકાલોક જણાય છે. એવું જ પૂર્ણ પર્યાયનું સ્વરૂપ તેનાથી કોઈ વિરુદ્ધ માને તો તે આત્માને સમજતા નથી અને સિદ્ધને પણ સમજતા નથી, પાંચ પદને સમજતા નથી અને ભગવાનની આજ્ઞાએ પણ સમજતા નથી. એ માટે જ આચાર્યદેવ આ વાતને સિદ્ધ કરે છે. એક એક ગાથા પ્રયોજન સહિત હોય છે.