________________
પ્રવચન-૫૦
[ ૩૧૯
આત્મા તેનાથી તન્મય થતો જ નથી. ભયથી ભિન્ન ભગવાનને ભયવાળો માનવો તે ભ્રમણા છે. પરિપૂર્ણ વસ્તુને પરિપૂર્ણ નહિ માનતાં બીજી રીતે માનવી તે મિથ્યાર્દષ્ટિ છે.
આત્મા દુઃખી ન હોય. આત્મા તો સુખનો સાગર છે. સત્ નામ શાશ્વત આત્માને દુઃખી માનવો તે મિથ્યા દૃષ્ટિ છે. આત્મા સત્ ચિત્ આનંદનો સાગર છે તેને તેનાથી ભિન્ન ચીજવાળો માનવો, રોગ, શોક અને ભયાદિવાળો માનવો તે અસત્ દૃષ્ટિ છે.
આત્માની વાત કોઈ અલૌકિક છે બાપુ ! પણ એણે કદી પોતાને જાણ્યો નથી. હું આત્માને જાણું છું એવા અભિમાન તો ઘણીવાર કર્યા છે પણ આત્માને જાણવાની રીત પણ ખરેખર જાણી નથી.
સ્ત્રી, પુરુષના આકારો તો આત્માથી ભિન્ન છે છતાં પોતાને સ્ત્રી, પુરુષ લિંગવાળો માનવો તે મિથ્યાભ્રમ અજ્ઞાન છે. ભગવાન ! તું એ શરીરના આકારોથી ભિન્ન છો. નપુંસકલિંગપણું પણ જીવને નથી. લિંગરહિત આત્માને લિંગવાળો માને છે અને તેના વળી અભિમાન કરે છે અને કહે છે, અમે ક્ષત્રિયાણી છીએ હો ! અમને છંછેડશો નહિ....અરે ! મૂઢ છે. દેહના આકારના અહંકાર આત્માને શોભતા નથી. મૂઢતાની બહાદુરી બહાર પડે છે. પુરુષ પણ એવા હોય કે અમે વીર્યવાન પુરુષ છીએ, અમે બૈરાથી દબાશું નહિ અરે ! શું આ હાડકાના આકાર તે તું છો? તું તો જ્ઞાનાનંદની મૂર્તિ છો. તેનાથી ભિન્ન ચીજને ભિન્ન જાણવાને બદલે તેનાથી જ તારી ઓળખાણ આપે છો ! હું રૂપાળો, હું મજબૂત એવું બધું માનવું એ તો મિથ્યાર્દષ્ટિનું લક્ષણ છે.
ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ પરિપૂર્ણ તત્ત્વ છે. તેને તું ક્યાં ભૂલ્યો ! કાળા શરીરવાળા એમ માને કે, આના કરતાં રૂપાળું શ૨ી૨ હોત તો દુનિયામાં શોભત તો ખરાં ! ભાઈ! એ તો શરીરના માંસના ચામડાના રંગ છે, તારા આત્માના રંગ નથી. આત્મા અરૂપી રંગરહિત જ્ઞાનાનંદસ્વભાવી તત્ત્વ છે. તેને આત્મા ન માનતાં કાળા રંગથી લજ્જા પામે છે તે મૂઢ છે.
મારો દેખાવ સુઘટીત હો ! એમ માને છે પણ ભાઈ! એ તો દાળ-ભાત શાક રોટલીનું ઢિંગલું છે. એ તો સ્મશાનમાં રાખ થઈ જવાનું છે. એ ભિન્ન તત્ત્વ છે. તેને આત્માથી ભિન્ન જાણ ! આંખ ફૂટી ગઈ હોય તો કેટલો દુઃખી થાય કે મારી આંખ ચાલી ગઈ પણ ભાઈ ! તું તો જ્ઞાનાનંદની આંખવાળો છો–જ્ઞાનાનંદની મૂર્તિ છો, એકલા જ્ઞાનાદિ અનંત ગુણનો પિંડ છે તે આત્મા છે.
દેવને આવા શરીર હોય, આટલી ઊંચાઈ હોય, નરકમાં આવા શરીર હોય એ બધું ગોખે છે પણ અંતરમાં જ્ઞાનાનંદપ્રભુ પ્રકાશમૂર્તિ ક્યાં છે તે જોતો નથી. અનંતકાળથી બહારમાંને બહારમાં ચાલ્યો જાય છે. શુભવિકલ્પો કરીને ખુશી થાય છે પણ એ તો રાગ