________________
૩૦૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે—તેમાં દૃષ્ટિ સ્થાપવા જેવી છે અને શુભ-અશુભભાવ તથા શુભ-અશુભકર્મ છોડવા લાયક છે. આ સારાંશ છે.
તું નાનો નથી..તને તેં નાનો માન્યો એ તારી ભ્રમણાની ભૂલ છે. ભગવાન કહે છે અમે પરમાત્મા થયા તો એ પરમાત્મદશા ક્યાંથી આવી એ તને ખબર છે? અંદરમાં ભરી હતી તે બહાર આવી છે. શક્તિ હતી તે પ્રગટ થઈ છે. જેમ કુવામાં હોય તે અવેડામાં આવે છે તેમ અમારી જેવી પરમાત્મદશા તારી ચીજમાં પણ પડી છે તેમાંથી પ્રગટ કર અમારી સામે જોવાથી તારી નિર્મળતા નહિ પ્રગટે. તું તારી સામે જો તો પ્રગટશે. કેમ કે જેમાં હોય તેમાંથી આવે ને ! બધું તારામાં જ છે.
આ વાત બેસવી એને કઠણ પડે છે. બીડી પીધા વિના ચાલે નહિ ને હું પરમાત્મા ! હા. પર્યાયમાં તેં ઘાલમેલ કરી છે. તારી વસ્તુમાં તો ત્રિકાળી શક્તિ એવી ને એવી છે. તેં સુખસ્વરૂપને આદર્યું નથી માટે સુખી થયો નથી. કર્મે તને રખડાવ્યો નથી. તારો દોષ એ જ કર્મ છે.—એ જ કર્મની શક્તિ છે. તારામાં દોષ કરવાની શક્તિ નથી. પુણ્ય-પાપના વિકલ્પો એ દ્રવ્યની શક્તિ નથી, કર્મની શક્તિ છે. તેનો તેં આદર કર્યો છે તેથી રખડ્યો છો.
ભાઈ! તું કર્મ કરવા માટે અને રખડવા માટે પાંગળો છો. તારામાં તો તારા સ્વરૂપની રચના કરે એવું અનંતવીર્ય છે. રાગની રચના કરે એવું તારું વીર્ય નથી. રાગની રચના કરે એ તો અનાત્મવીર્ય છે. વાહ રે વાહ ! શું આ સત્યની પ્રણાલિકા ! ત્રણકાળ ત્રણલોકમાં ક્યાંય ફરે નહિ ને એક ધારાપ્રવાહ રહે એવી વીતરાગી સંતોની કથની છે. કહે છે કે સ્વરૂપને રચે તે આત્મવીર્ય છે.
ભગવાન ભગવાનને કહે છે તું પૂર્ણ વીર્યનો પિંડ છો હો ! શુભાશુભરાગમાં કામ કરે છે તે તારું વીર્ય નથી. રાગને રચે એ કાંઈ તારું વીર્ય કહેવાય ? એ તો કર્મનું વીર્ય થયું ગણાય. સ્વરૂપવીર્યના ભાન વિના અજ્ઞાનભાવે તે જ એ કર્મવીર્યને ઊભું કર્યું છે તેથી તને એ રખડાવે છે માટે એમ જાણીને હવે તે ત્યાગવા યોગ્ય છે.
આ પ્રકારે કર્મની શક્તિના સ્વરૂપને કહેવાની મુખ્યતાથી આઠ દોહા કહ્યાં. ભગવાન આત્માની શક્તિ તો અંતરમાં છે. વીતરાગી શ્રદ્ધા-જ્ઞાનને રચે તે આત્માનું વીર્ય કહેવાય. અજ્ઞાનપણે જે વીર્ય કામ કરે છે તે સ્વરૂપવીર્ય નહિ પણ કર્મવીર્ય છે એમ કરીને જીવના દોષને કર્મમાં નાંખીને કર્મે તને રખડાવ્યો અને કર્મ તને ગમન-આગમન કરાવ્યું છે, તું તો જેમ છો તેમ છો એમ વસ્તુની મહિમા બતાવવા જીવની ભૂલને કર્મમાં નાંખીને જીવની શક્તિને જુદી પાડી દીધી છે. તું તો અનંતબળનો ધણી—ભગવાન છો. તે જ ઉપાદેય છે બાકી બધું હેય છે છોડવાલાયક છે.
*