________________
પ્રવચન-૪૭
[ ૩૦૧
ભગવાન આત્મા પરમાત્માની પ્રાપ્તિમાં રોકવાવાળા ચતુર્ગતિરૂપ સંસારના કારણરૂપ કર્મો વડે ત્રણ જગતમાં ગમન-આગમન કરે છે. એક ગતિથી બીજી ગતિમાં જાય છે. પોતાના ધ્રુવસ્વભાવના આશ્રય વિના એક સમયની વર્તમાન વર્તતી પર્યાયનો આશ્રય કરી, અજ્ઞાનભાવ ઉત્પન્ન કરી ચાર ગતિમાં રખડે છે.
અજ્ઞાનભાવ તે આત્મા નથી. વ્યવહારે તેને આત્મા કહેવાય, પણ નિશ્ચયથી તે જ અનાત્મા છે. નિશ્ચય આત્મા તે જ વાસ્તવિક આત્મા છે. સમજાણું કાંઈ !
•
તત્ત્વાર્થસૂત્રમાં ઉદયભાવને પણ જીવતત્ત્વ કહ્યું છે, તે વ્યવહાર આત્મા છે. તેમાં પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે, પણ નિશ્ચયનયનો આત્મા વ્યવહારની પર્યાયમાં આવતો નથી.
વીતરાગની શૈલી ગજબ છે ! ચારેય તરફથી એક સત્યને જ કહેવાવાળી છે. યથાર્થ તત્ત્વ શું છે અને વિપરીત તત્ત્વ શું છે તેને સિદ્ધ કરનારી છે. પોતાના પરમાત્મસ્વભાવનો આશ્રય કરતો નથી અને એક સમયની પર્યાયનો આશ્રય લઈને વિકારથી કર્મ બાંધે છે અને તેના ફળમાં જીવ રખડે છે પણ વસ્તુ તો જેમ છે તેમ છે.
આત્મદ્રવ્યમાં તો પરમાત્મા થવાની જ શક્તિ છે. વિકારી થવાની શક્તિ આત્મદ્રવ્યમાં નથી. આત્મશક્તિ તો ત્રિકાળ એકરૂપ છે. પર્યાયમાં વિકાર થાય છે તે કર્મની શક્તિ છે—ભાવકર્મની શક્તિ છે.
શ્રીમદ્ભુએ લખેલી ક્ષમાપનામાં આવે છે ને ! હે ભગવાન ! હું ભૂલ્યો, હું રખડ્યો, આપે કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહિ...જુઓ ! ‘ઓળખ્યા નહિ’ એમ કહ્યું છે. પાળ્યાં તો નથી પણ ઓળખ્યા પણ નથી, ઓળખ્યા વિના પાળે ક્યાંથી ?
ભગવાન કહે છે તું પોતે જ સાક્ષાત્ પરમેશ્વર છો. વસ્તુ તરીકે આત્મા ત્રણકાળે પ્રગટ પુરુષોત્તમ છે અને પર્યાયમાં પરમાત્મપણું પ્રગટ થાય ત્યારે વ્યક્ત પુરુષોત્તમ છે. આત્માને કોઈ મા-બાપથી કે શરીરથી ઓળખાવાય એવો છે જ નહિ.
સારાંશ એ છે કે વીતરાગ પરમ આનંદરૂપ તથા બધી રીતે ઉપાદેયરૂપ પરમાત્માથી (પોતાના સ્વરૂપથી) ભિન્ન જે શુભ, અશુભ કર્મ છે તે ત્યાગવા યોગ્ય છે. વીતરાગ એટલે રાગાદિ દોષથી રહિત....તેમાં રાગને છેલ્લે મૂકવાનું કારણ એ છે કે, દ્વેષ પહેલાં જાય છે અને રાગ પછી જાય છે તેથી જેને રાગ પણ નાશ પામ્યો તેને સર્વ દોષો નાશ પામ્યા જ છે તે નિર્દોષ જ હોય અને આત્મદ્રવ્ય તો સદાય નિર્દોષ જ છે. વળી વીતરાગી પરમ આનંદરૂપ છે—પરમ સુખરૂપ છે તથા સર્વ રીતે ઉપાદેય છે, માટે તેમાં જ નજર નાંખીને તે જ આદરવા લાયક છે. નજર નાંખવી એટલે કે આદર કરવો. આનંદમય સ્વભાવ ઉપાદેય છે અને તેનાથી ભિન્ન એવા શુભ, અશુભકર્મ ત્યાગવા યોગ્ય છે.
એક સમયમાં ધ્રુવ ચૈતન્ય આનંદકંદ વીતરાગ પરમાત્મતત્ત્વ અંતરદૃષ્ટિ કરવા લાયક