________________
૩00
[ રમપ્રકાશ પ્રવચનો વ્યવહારનયથી પર્યાયમાં વિકાર તો હતો જ. તેથી જ વ્યવહારથી કર્મોનું બંધન બરાબર હતું, અર્થાત્ નિમિત્તથી કર્મબંધનથી જીવ બંધાયો છે તેથી પંગુની જેમ જીવ ચાર ગતિમાં ગમન-આગમન કરે છે.
વસ્તુ પોતે એકરૂપ ચિહ્વન પરમાત્મસ્વરૂપ છે તેને ઓળખ્યા વિના, તેને માન્યા વિના હે જીવ! તે એક અંશમાં પૂર્ણતા માની લીધી છે. જીવતત્ત્વને ન માન્યું અને પુણ્ય-પાપતત્ત્વને જ જીવતત્ત્વ માની લીધું છે. તેથી પુણ્ય-પાપ ભાવ થાય છે અને કર્મ બંધાય છે તેના ફળમાં પુણ્ય-પાપની ગતિઓમાં રખડવું થાય છે. વ્યવહારથી ભૂલ થાય છે અને ભૂલના ફળમાં રખડવું થાય છે પણ નિશ્ચયથી વસ્તુ તો જેમ છે તેમ જ છે.
જેમ જેલમાં રહેલો અપરાધી પોતાની જાતે ક્યાંય જઈ કે આવી શકતો નથી, ચોકીદારો લઈ જાય ત્યાં જાય છે અને આવે છે. તેમ આત્મા પોતે તો પંગુ સમાન છે. વ્યવહારથી થયેલી પોતાની ભૂલને વ્યવહારથી ભોગવે છે. વસ્તુ તો વસ્તુપણે ત્રિકાળ એકરૂપ જેવી છે તેવી જ છે.
બાપુ! આ તો પરમ સત્યનો પંથ છે, કલ્પિત વાત નથી. ભગવાન સર્વજ્ઞદેવે ત્રણકાળ ત્રણલોક જેમ જોયા, તેમ છે અને જેમ છે તેમ જોયા છે અને તેમ જ કહ્યા છે. ત્રણકાળ ત્રણલોક જેમ છે તેમ ભગવાને જોયા અને એમ જ વાણીમાં કહ્યાં છે...આ વીતરાગનો માર્ગ છે. ભગવાન કહે છે તારો આત્મા પરમાત્મા છે. તારી વસ્તુમાં કાંઈ અશુદ્ધતા આવી નથી. વસ્તુ કદી પરિભ્રમણ કરતી નથી. વસ્તુનો કદી અભાવ થતો નથી.
વસ્તુની મહિમા બતાવવા આ વાત કરી છે. કર્મે રખડાવ્યા છે એમ કહ્યું એટલે કે પર્યાયમાં તારી ભૂલ થઈ છે તેથી પદૈષ્ટિએ તું રખડ્યો છે. દ્રવ્યની ભૂલ નથી અને દ્રવ્ય રખડતું નથી. એક સમયની અવસ્થાનો આશ્રય લીધો છે માટે તું રખડ્યો છો, ત્રિકાળનો આશ્રય લીધો નહિ, તેથી વીતરાગદશા પ્રગટ ન થઈ.
અનાદિથી તું વીતરાગસ્વભાવી તત્ત્વ છો. તે તત્ત્વ એ જ આત્મદ્રવ્ય છે તેની ભાવના ન કરી અને તેનાથી વિરૂદ્ધભાવની ભાવના કરી આશ્રય લીધો એટલે રાગની ઉત્પત્તિ થાય છે અને રાગમાં લાભ માને એટલે મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. તેનાથી વળી મિથ્યાત્વ સહિતના પુણ્ય-પાપકર્મ ઘાતિ અને અઘાતિકર્મરૂપે બંધાય છે અને તેના ફળ અનુસાર જીવનું સંસારમાં પરિભ્રમણ થાય છે. આમ, પર્યાયમાં ભૂલ થાય છે અને પર્યાયમાં પરિભ્રમણ થાય છે. દ્રવ્ય તો અનાદિથી જેમ છે તેમ જ છે.
પરના લક્ષે જે વિકૃતભાવ થાય છે તે જીવનો સ્વભાવ નથી, વિભાવ છે માટે તે સ્વદ્રવ્ય નથી, પરદ્રવ્ય છે. સ્વભાવથી વિરૂદ્ધ જાત છે માટે તે પરદ્રવ્ય છે તેનાથી પર્યાયમાં જીવ રખડ્યો છે. તેને કર્મથી રખડ્યો એમ કહેવાય છે.