________________
૧૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
અનંતા સિદ્ધો થઈ ગયા તે તો કૃતકૃત્ય છે પણ વર્તમાનમાં બિરાજે છે એવા સિદ્ધને (—અરિહંતને) હજુ ચાર કર્મ બાકી છે તેને ભગવાન પરમ સમાધિરૂપ અગ્નિ દ્વારા બાળી રહ્યાં છે. તે સિદ્ધોને હું નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપ પરમાર્થ સિદ્ધભક્તિ દ્વારા નમસ્કાર કરું છું.
જુઓ ! અહીં વ્યવહાર સિદ્ધભક્તિની વાત ન લીધી પણ પરમાર્થ સિદ્ધભક્તિ દ્વારા નમસ્કાર કરું છું એમ લીધું છે, તેમાં પોતાના આત્માની ભક્તિ આવી જાય છે.
બધાં સંતો, દિગંબર મુનિઓ, આચાર્યો એક રીતે જ વાત કરે છે. બધાંની કથન પદ્ધતિ જુદી હોય પણ વસ્તુના એક પ્રવાહને બતાવી રહ્યાં છે. વસ્તુના અનાદિ પ્રવાહને અનુભવ્યો છે અને તે પ્રવાહ અનુસાર જ કથન કર્યાં છે.
મુનિરાજ વર્તમાન બિરાજતાં ભગવાનને વર્તમાન નિર્વિકલ્પ શાંતિ દ્વારા નમસ્કાર કરે છે. જુઓ ! મુનિરાજને પ્રમોદ કેટલો છે ! હું પણ મારા વર્તમાન જ્ઞાનમાં એકાગ્રતા દ્વારા સ્વસંવેદનશાન વડે પરમાર્થ સિદ્ધ—મારા આત્માની ભક્તિ કરું છું.
પરમાર્થ આત્માને પરમાર્થે નમસ્કાર કરું છું એટલે પરમ પદાર્થ જે મારો શુદ્ધાત્મા તેને પરમાર્થે એટલે ખરેખર-નિશ્ચયથી હું નમસ્કાર કરું છું. લોકો પરમાર્થ એટલે બીજાની દયા પાળવાનું કહે છે તેની અહીં વાત નથી.
આહાહા.... ! આચાર્યોએ પણ કાંઈ કામ કર્યાં છે ! ગાથા દીઠ ભાવ ફેરવતાં જાય છે અને વસ્તુસ્થિતિને ખડી કરતાં જાય છે.
મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપમાં જ છે, એટલે ૪૫ લાખ જોજનમાં જ મનુષ્યો વસે છે, તેમાં એક ભરતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. એક મહાવિદેહ જંબુદ્વીપમાં છે. બે મહાવિદેહ • ધાતકીખંડમાં છે અને બે મહાવિદેહ અર્ધ પુષ્કરદ્વીપમાં છે. વર્તમાનમાં દરેક મહાવિદેહમાં ચાર-ચાર તીર્થંકર ભગવાન બિરાજે છે. કુલ ૨૦ તીર્થંકર છે.
આ ગાથામાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે—એમ સિદ્ધ થયું અને સીમંધરાદિ તીર્થંકરો બિરાજે છે તે પણ સિદ્ધ થાય છે.
સીમંધર એટલે સીમં નામ પોતાની અનંત જ્ઞાનદર્શન આદિ પર્યાયની સીમાના ધર એટલે ધરનારા છે, તે સીમંધર છે. તે સીમંધરાદિ ભગવંતો શું કરી રહ્યાં છે ?—વીતરાગ પરમ સામાયિકચારિત્રની ભાવનાથી સંયુક્ત, જે નિર્દોષ પરમાત્માના યથાર્થ શ્રદ્ધા-જ્ઞાનઆચરણરૂપ અભેદરત્નત્રયમયી નિર્વિકલ્પ સમાધિરૂપી અગ્નિમાં કર્મરૂપી ઇન્ધનને હોમી રહ્યાં છે એટલે કે કર્મને અકર્મરૂપે કરતાં થકાં પોતાની સમાધિમાં સ્થિત થઈ રહ્યાં છે.
કેવળજ્ઞાની ભગવાનને જ્ઞાન તો પૂર્ણ ખાલી ગયું છે પણ હજુ થોડો ઉદયનો અશુદ્ધભાવ છે તે ક્ષણેક્ષણે ટળતો જાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તીર્થંકર