________________
પ્રવચન-૪ /
રત્નત્રયનૌકામાં પુણ્ય-પાપરૂપ વિભાવજળનો પ્રવેશ હોતો નથી. તે રત્નત્રયનૌકા નિજશુદ્ધાત્માનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રથી તૈયાર થાય છે. જેના સ્વભાવની શક્તિની મહિમા કોઈ અચિંત્ય અને અનંત છે, તેની અંતર એકાગ્રતા ભાવનાથી સહજ આનંદરૂપ સુખામૃત ઉત્પન્ન થાય છે અને તેનાથી વિપરીત ચારગતિરૂપ સંસારના દુઃખોનો ક્ષય થાય છે.
ભગવાન આત્માના સ્વાભાવિક આનંદથી વિપરીત રાજા-મહારાજાઓના સુખ અને દેવગતિનાં સુખ બધાં દુઃખ જ છે. તિર્યંચ અને નારકીના પરિણામમાં તો આકુળતા છે, છે તે દુઃખ જ છે પણ સુખી ગણાતાં મનુષ્ય અને દેવોનાં પરિણામમાં પણ આકુળતા જ છે, તે દુઃખ જ છે. તે આત્માના સહજ આનંદથી તદ્દન વિપરીત છે.
સંસારરૂપી સમુદ્ર આખો દુઃખથી જ ભરેલો છે. તેનો નાશ કરીને પરમસમાધિરૂપ જહાજને સેવતાં થકાં અનંતા જીવો સિદ્ધ થશે. તે સિદ્ધના ટોળાંને–સિદ્ધસમૂહને હું નમસ્કાર કરું છું. આમાં સંસારદશાનો વ્યય થાય છે, સિદ્ધદશાનો ઉત્પાદ થાય છે અને જીવ ધ્રુવ છે–એમ બતાવી ઉત્પાદ–વ્યય-ધ્રુવ પણ સિદ્ધ કર્યા છે.
બે વાત લીધી છે કે સિદ્ધ કેવી રીતે થશે કે એક તે પોતાના પરમાનંદને સેવતાં * સેવતાં અને તેના આધારે જ ચાલતાં થકાં અનંત સિદ્ધ થશે. કોઈને પ્રશ્ન થાય કે સિદ્ધો લોકાગ્રે રહે છે તેને લોકનો આધાર તો છે ને ! તો કહે છે ના; સિદ્ધ ભગવાન પોતાના આધારે રહ્યાં છે. ભગવાનને પોતાના અતીન્દ્રિય આનંદનો જ આધાર છે.
આહાહા...! સિદ્ધના સુખને કોની સાથે સરખાવવા? જગતની ચાર ગતિમાં કોઈ ચક્રવર્તી તે ઇન્દ્રના સુખ પણ એવા નથી કે જેની સાથે સિદ્ધના સુખને સરખાવી શકાય. માટે કહ્યું છે કે સિદ્ધનું સુખ અનુપમ છે–સિદ્ધના સુખ સિદ્ધ જેવા જ છે.
આ બીજી ગાથાનો ભાવાર્થ એ છે કે શિવમય, અનુપમ, જ્ઞાનમય, શુદ્ધાત્મસ્વરૂપે જ ઉપાદેય છે. અથવા એવી નિર્મળ પર્યાય પ્રગટ કરવા માટે તેવા સ્વરૂપને પ્રાપ્ત થયેલો સિદ્ધ ભગવાન જ આદરણીય છે.
ભૂતકાળના અને ભવિષ્યના ભગવાનને નમસ્કાર કરીને હવે ત્રીજી ગાથામાં યોગીન્દુદેવ વર્તમાનમાં મહાવિદેહમાં બિરાજતાં સીમંધરાદિ ભગવંતોને નમસ્કાર કરે છે.
વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં સીમંધર આદિ વીશ તીર્થકર અને લાખો કેવળી ભગવંતો પરમસમાધિરૂપ અગ્નિથી કર્મરૂપી ઈશ્વનને બાળી રહ્યાં છે તેને પણ સિદ્ધના સમૂહ કહીને નમસ્કાર કર્યા છે.
અત્યારે તો જૈનકુળમાં જન્મેલાને પણ તીર્થકરો ક્યાં રહેતાં હશે, તીર્થંકર પદ કેમ પ્રાપ્ત કર્યું હશે, તીર્થકરની દશા કેવી હોય, સિંદ્ધની દશા કેવી હોય, આત્માનું સ્વરૂપ શું છે, તેની કાંઈ ખબર હોતી નથી.