________________
ત્રિકાળવર્તી સિદ્ધોને નમસ્કાર
(પ્રવચન નં. ૪)
तान् वन्दे श्रीसिद्धगणान् भविष्यन्ति येऽपि अनन्ताः । शिवमयनिरुपमज्ञानमयाः परमसमाधिं भजन्तः ॥ २॥ तान् अहं वन्दे सिद्धगणान् तिष्ठन्ति येऽपि भवन्तः । परमसमाधिमहाग्निना कर्मेन्धनानि जुह्वन्तः ॥३॥ तान् पुनः वन्दे सिद्धगणान् ये निर्वाणे वसन्ति । ज्ञानेन त्रिभुवने गुरुका अपि भवसागरे न पतन्ति ॥४॥
શ્રી પરમાત્મપ્રકાશની પ્રથમ ગાથામાં યોગીન્દુ મુનિરાજે ભૂતકાળના અનંત સિદ્ધોને નમસ્કાર કર્યાં. બીજી ગાથામાં ભવિષ્યના અનંત સિદ્ધોને નમસ્કાર કર્યાં છે. મુનિરાજને ભક્તિ ઘણી ઊછળી છે. આઠ ગાથા સુધી પંચપરમેષ્ઠી આદિ બધાંને નમસ્કાર કરશે.
અહીં આપણે બીજી ગાથા ચાલે છે. તેમાં મુનિરાજ કહે છે કે ભવિષ્યમાં જે સિદ્ધો થશે તે કેવી રીતે થશે ? કે—વીતરાગ સર્વશદેવે વસ્તુનું સ્વરૂપ જોઈ, જાણીને જે મોક્ષમાર્ગ પ્રરૂપ્યો છે તે માર્ગ દ્વારા દુર્લભ જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રેણિક આદિ અનંત જીવો સિદ્ધ થશે.
તે સિદ્ધભગવાન કેવા હશે ? કે—શિવસ્વરૂપ, અનુપમ અને કેવળજ્ઞાનમય હશે. તેમાં શિવ એટલે પોતાના નિજશુદ્ધાત્માની અંતર એકાગ્રતાથી જે વીતરાગ પરમાનંદ સુખ ઉપજે છે તેનાથી સહિત હશે. વળી, અનુપમ હશે એટલે ભગવાનના દ્રવ્ય, ગુણ તો નિરુપમ છે જ પણ, તેમાં એકાગ્રતાથી પ્રગટેલી પૂર્ણ પર્યાય તે પણ નિરૂપમ—અનુપમ હશે, તેને જગતના કોઈ પદાર્થોની ઉપમા લાગુ પડશે નહિ. આ પંચમતિ ચારગતિથી અનેરી છે, તેને પ્રાપ્ત થયેલાં સિદ્ધભગવાન કેવળજ્ઞાનમય હશે એટલે ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણનારા હશે.
હવે એમ પ્રશ્ન થાય છે કે ભગવાન શું કરતાં થકાં આવા સિદ્ધ થશે ? તો કહે છે કે ભગવાન શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ અમૂલ્ય રત્નથી ભરેલાં જહાજમાં બેસીને સિદ્ધ થશે. આત્મા દર્શન-જ્ઞાનસ્વભાવી છે, તેના યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન–આચરણરૂપ અમોલિક રત્નત્રયથી પૂર્ણ અને મિથ્યાત્વ વિષય કષાયાદિરૂપ સમસ્ત વિભાવરૂપ જળના પ્રવેશથી રહિત, પરમ સમાધિરૂપ જહાજને સેવતાં થકાં અનંતા સિદ્ધ થયા છે અને અનંતા સિદ્ધ થશે.