________________
૨૯૪ )
[ પ્રકાશ પ્રવચનો બિરાજી રહ્યાં છે. આ કોઈ વાત હંબક નથી. સિદ્ધ થઈ ગયેલી વાત છે. ત્રણેયકાળના ભગવંતો આ વાત ફરમાવે છે કે ત્રિકાળી વસ્તુ બંધ-મોક્ષથી રહિત છે. આવી બંધ, મોક્ષ રહિત વસ્તુ જ આરાધવા યોગ્ય છે-સેવવાયોગ્ય છે એટલે કે તેની દૃષ્ટિ કરીને અનુભવ કરવા લાયક છે. વસ્તુ જે અખંડાનંદ ચૈતન્યમૂર્તિ દ્રવ્ય છે તેના ઉપર મીટ માંડીને તેની એકાગ્રતા સેવવા જેવી છે. તેનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
ભાઈ ! તું તારી ચૈતન્યઋદ્ધિને સાંભળ તો ખરો ! સાંભળ્યા વિના સમજણ અને ધર્મ થાય તેમ નથી. બજારમાં શાક લેવા જાય તોપણ પહેલા નિર્ણય કરવો પડે છે કે "મારે આ શાક લેવું છે–શાક લેવા જાય ને કયું શાક લેવું છે તે ખબર ન પડે તો તે મૂરખ છે તેમ અહીં આત્મા જોઈતો હોય તો પહેલાં આત્માનું સ્વરૂપ નક્કી કરવું પડશે. આત્માને ગ્રહણ કરવો હોય તો પહેલાં આત્મા કેવો છે અને કેવડો છે તે બધું નક્કી કરવું પડશે. ધર્મ જોઈતો હોય તેણે ધર્મ ધ્યાંથી મળે અને ક્યાંથી ન મળે એ સમજણ પહેલાં જ કરવી જોઈએ. એ ખબર વિના ધર્મ ન થાય. ધર્મ તો શુદ્ધાત્મામાંથી આવે છે. કેવી રીતે આવે છે? –કે અખંડ આનંદ શુદ્ધ આત્મપ્રભુની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ કરવાથી ધર્મ આવે છે. ધર્મ બીજેથી કયાંયથી આવતો નથી.
ધ્રુવ ચૈતન્યતારાને ઓળખીને, તેની દૃષ્ટિ કરીને તેમાં ઠરવા જેવું છે. આ વીતરાગ સર્વજ્ઞપરમાત્માએ કહેલો મોક્ષનો માર્ગ છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી, વીતરાગ સિવાય ત્રણકાળ ત્રણલોકમાં બીજે ક્યાંય ધર્મ નથી.
આ ૬૫ ગાથા થઈ. હવે ૬૬મી ગાથામાં વીતરાગના વચનની આરાધનાની વાત આવશે કે જેના વગર જીવ ચારગતિમાં રખડ્યો છે. ભગવાન આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ છે એમ બતાવનારું વીતરાગનું વચન જ આરાધવાયોગ્ય છે.