________________
૨૯૨ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ દ્રવ્ય અને પર્યાય એ વીતરાગ માર્ગના મૂળ એકડાં છે તેને સાંભળ્યા અને સમજ્યા વગર ધર્મ થાય તેમ નથી. વીતરાગે કહેલાં તત્ત્વો સંતોએ સહેલાં કરી દીધાં છે તેમાં ક્યાંય ગડબડ નથી. જેના જ્ઞાનમાં ત્રણકાળ અને ત્રણલોક ભાસ્યા છે તેની વાણીમાં તત્ત્વની જે સ્પષ્ટતા આવી છે તેમાં કયાંય ગડબડ હોય જ નહિ.
જેમ જડકર્મો સાથે અસભૂતનય સંબંધ હતો તે છૂટતાં મુક્તિ થાય છે તે પણ અસભૂત વ્યવહારનયથી છે અને પુણ્ય-પાપભાવ સાથે અશુદ્ધ નિશ્ચયનયથી સંબંધ હતો તે છૂટતાં મુક્તિ થાય છે તે અશુદ્ધનિશ્ચયનયથી છે. વીતરાગનું કહેલું તત્ત્વ બહુ ગૂઢ છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાતનો મેળ ત્રણલોકમાં બીજા કોઈ સાથે થાય તેમ નથી. કોઈ પંથ કે કોઈ પક્ષ સાથે તે વાત ન મળી શકે.
વસ્તુ અનાદિ-અનંત ધ્રુવ તત્ત્વ છે તેમાં આ બે પ્રકાર કહ્યાં છે. પુણ્ય-પાપરૂપ મલિનભાવનો સંબંધ એક સમયની અવસ્થામાં છે અને જડકર્મોનો સંબંધ અસદૂભૂત અનુપચરિત વ્યવહારનયથી છે, એ જ નથી તેની મુક્તિ કહી છે કેમ કે, નિશ્ચયનયથી તો પરમાત્મામાં બંધનું થવું કે બંધનું મુકાયું છે જ નહિ તેથી અશુદ્ધ નિશ્ચયથી રાગનું બંધન છે તેનું મુકાયું એટલે રાગથી છૂટવું તે પણ અશુદ્ધ નિશ્ચયનયથી જ છે ખરેખર તો અશુદ્ધ નિશ્ચયનય તે વ્યવહાર જ છે. કર્મોથી છૂટવું તે અસદ્દભૂત વ્યવહારથી છે. જે નયથી બંધન કહ્યું હતું તે જ નયથી મુક્તિ કહેવાય છે. નિશ્ચયથી વ્યસ્વભાવમાં બંધન અને મુક્તિ નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. ભલે બંધનથી મુક્ત થવામાં દ્રવ્યનો આશ્રય છે પણ દ્રવ્યમાં બંધ અને મુક્તિ નથી.
ભાઈ ! ત્રિકાળી વસ્તુસ્વભાવમાં જો બંધ હોય તો તો વસ્તુનો જ અભાવ થઈ જાય અને વસ્તુસ્વભાવમાં મુક્તિ થવી એ પણ નથી કેમ કે, વસ્તુ મુક્ત થાય એટલે શું વસ્તુ મુક્ત હતી નહિ? અને નવી મુક્તિ થઈ ! વસ્તુ તો અનાદિ-અનંત છે તે નવી ન થાય. વસ્તુની એક સમયની પર્યાયમાં બંધ છે અને એક સમયની પર્યાયમાં મુક્તિ છે, વસ્તુમાં બંધ અને મુક્તિ છે જ નહિ.
અહીં તો સંસાર અને મુક્તિ બંનેને વ્યવહારમાં ગણ્યાં છે ભાઈ ! તું ભગવાન જેવડો જ મોટો પદાર્થ છો. ભગવાનની વસ્તુમાં અને તારી વસ્તુમાં કાંઈ ફેર નથી. માત્ર હાલતમાં ફેર છે તે વ્યવહાર છે. પરમાર્થે વસ્તુમાં કાંઈ ફેર નથી.
ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે. એકલો ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. તેની એને ખબર નથી એટલે એક સમયની દશામાં મિથ્યાત્વભાવ ઊભો થયો છે તે ભાવકર્મ છે અને તેનું નિમિત્ત પામીને નવા જડકર્મો બંધાય છે તે દ્રવ્યકર્મ છે આ બંને બંધ છે અને તેનાથી મુક્તિ થાય છે પણ શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુ તો જે છે તે છે.