________________
પ્રવચન-૪૬ /
[ ૨૮૯ શુદ્ધનિશ્ચયનયથી જીવ બંધ તથા મુક્તિને કરતો નથી. જીવ તો બંધ અને મુક્તિથી રહિત છે એમ ભગવાને કહ્યું છે.
આ તો અંતરની વાતો છે, જીવે કદી સાંભળી નથી એવી વાતો છે માટે ધ્યાન રાખીને સમજજો. ભગવાન વાસ્તવિક રીતે આત્માનું સ્વરૂપ કેવું કહે છે કે તેણે કદી સાંભળ્યું નથી. એક આત્માનું સમ્યજ્ઞાન જીવે કર્યું નથી. એ સિવાય બીજું તો બધું કરી ચૂક્યો છે. શુભભાવ પણ એટલા કર્યા છે કે, તેના ફળમાં અનંતવાર સ્વર્ગમાં ગયો પણ જન્મ-મરણનો અંત ન થયો. અનેકવાર રાજા થયો, શેઠિયો થયો, ધૂળ એવા ધનનો સ્વામી થયો પણ ભગવાન આત્માની શ્રદ્ધા અને જ્ઞાન અનંતકાળમાં કદી ન કર્યા.
અનાદિકાળથી જીવને આઠકર્મ સાથે વ્યવહાર નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે, વાસ્તવિક સંબંધ નથી એ બધી વાત આ એક ગાથામાં કહી દીધી છે. પણ આ વાત અત્યારે તો ચાલતી જ નથી. લોકો તો જેમ ધંધામાં હરિફાઈ કરે છે તેમ ધર્મના બહાને ક્રિયાકાંડ કરીને તેમાં હરિફાઈમાં ચડી ગયા છે. ભગવાન વસ્તુનું સ્વરૂપ શું કહે છે, તેને કોની સાથે શું સંબંધ છે, ક્યાં કારણે તે રખડે છે તેનો કોઈ વિચાર જ કરતું નથી.
ભગવાન કહે છે, પ્રભુ! તું તો વસ્તુસ્વરૂપે અનંત બેહદ જ્ઞાન, આનંદનો કંદ છો, તારાં સ્વરૂપના અજ્ઞાનથી અનાદિથી તારે અનુપરિત અસભૂત વ્યવહારનયથી આઠ જડકર્મો સાથે સંબંધ છે. અનુપચરિત એટલે નજીકના સંબંધમાં, અસભૂત એટલે પરસત્તાવાળા જડકર્મો સાથે વ્યવહાર નામ જૂઠી નયથી જીવને સંબંધ થયો છે. સ્ત્રી, પુત્ર, ધનાદિનો સંબંધ 'તો દૂરનો છે તેના કરતાં આઠકર્મો તો જીવની સાથે એક ક્ષેત્રાવગાહ હોવાથી નજીક છે પણ એ જડ-માટી-ધૂળ છે અને આત્મા પોતે ચૈતન્ય છે. તે બેને ખરેખર સંબંધ ક્યાંથી હોય ! બંનેની જાત જ જુદી છે. પરંતુ રાગાદિ વિકાર તો જીવના વર્તમાન અંશમાં જ છે માટે તેની સાથે જીવને અશુદ્ધ નિશ્ચયનયથી સંબંધ છે.
કર્મના રજકણો જીવના ત્રિકાળ સ્વરૂપમાં તો નથી પણ વર્તમાન અંશમાં પણ નથી માટે તેની સાથે તો અસભૂત જૂઠી નયથી સંબંધ કહ્યો છે પણ પુણ્ય-પાપના વિકલ્પોની અશુદ્ધતા તો જીવની દશા નામ વર્તમાન અંશમાં છે તેથી તેની સાથે પર્યાયર્દષ્ટિએ નિશ્ચય સંબંધ છે પણ તે અશુદ્ધ છે માટે અશુદ્ધ-નિશ્ચયનયથી સંબંધ કહ્યો છે.
વેપારમાં પૈસા કમાવા માટે મજૂરી કરીને મરી જાય છે પણ આ સ્વરૂપ સમજવામાં મહેનત કરવી ગમતી નથી. વેપારમાં તો મજૂરી એટલે રાગ-દ્વેષ અને સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે તે જ મજુરી છે બાકી પૈસા પેદા કરવા તે કાંઈ તેના હાથમાં નથી. જડ વેપારની વ્યવસ્થા જડથી થાય છે આત્મા તેમાં કાંઈ કરી શકતો નથી. આત્મા તો સંકલ્પ-વિકલ્પના હિંડોળે હીંચકે છે.