________________
૨૮૮)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
આવા સ્વતત્ત્વના લક્ષ વગર એક સમયની દશામાં પરસનુખની દૃષ્ટિથી એક અંશના લક્ષ ઉત્પન્ન થયેલા રાગ-દ્વેષ અને મિથ્યાત્વભાવ તે પણ કર્મ છે. આ ભાવકર્મ છે અને તેનાથી જડકર્મો બંધાય છે.
વસ્તુ પોતે પરમસ્વરૂપ પરમાત્મા જ છે. જો વસ્તુ જ પૂરી ન હોય તો તો પર્યાયમાં પૂર્ણતા આવે જ નહિ. જેમ, લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ છે તો તેને ઘસવાથી બહાર આવે છે, જો વસ્તુમાં જ શક્તિ ન હોય તો પ્રગટ ક્યાંથી થાય? અંદરમાં જે શક્તિઓ પડી હોય તે જ બહાર આવે છે. ભગવાન આત્મામાં વસ્તુમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનાદિની શક્તિ છે તો તેમાંથી અરિહંત અને સિદ્ધદશા પ્રગટ થાય છે. વસ્તુ પોતે અનંતગુણનું નિધાન છે, ખાણ છે પણ તેની અંતરદષ્ટિ નહિ કરતાં અનાદિથી જીવે વર્તમાન અંશમાં પર તરફ જ દૃષ્ટિ કરી છે. વર્તમાનદશામાં પોતાના ત્રિકાળી સ્વભાવનું લક્ષ નહિ કરતાં પર ઉપર દૃષ્ટિ કરીને એણે વિકાર ઉત્પન્ન કર્યો છે, તેનાથી કર્મ બંધાય છે અને એ કર્મના ઉદયથી જીવ ચારગતિમાં રખડે છે ને નવા કર્મ બાંધે છે અને કર્મના અભાવથી તે મુક્ત થાય છે. આમ કહીને કર્મથી જીવ બંધાય છે અને કર્મથી મુક્ત થાય છે, વસ્તુ તો ત્રિકાળ મુક્ત જ છે એમ કહેવું છે.
અહો ! ભગવાન તીર્થંકરદેવે કહેલો આવો ત્રિકાળ મુક્તસ્વરૂપ આત્મા છે તેને એણે અનંતકાળમાં એક સેકંડ પણ દૃષ્ટિમાં લીધો નથી. બાકી તો બધું કરી ચૂક્યો છે પણ એક આત્માને દષ્ટિમાં લીધો નથી. પૂર્વે અહીં ભગવાન બિરાજતાં હતાં, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ઈન્દ્રો આદિ સભામાં સાંભળવા આવતાં હતાં તેમની હાજરીમાં ભગવાન આમ ફરમાવતાં હતાં અને વર્તમાનમાં પણ મહાવિદેહમાં સીમંધરાદિ વશ ભગવંતો આમ ફરમાવે છે કે પ્રભુ ! નિશ્ચયનયે તું મુક્તસ્વરૂપ જ છો, આ ચારગતિનું બંધન અને બંધનનો અભાવ તારા સ્વરૂપમાં નથી. પર્યાયનયે બંધન અને મુક્તિ છે પણ વસ્તુમાં નથી.
જેમ આ ધૂળ–જાડી માટી છે તેમ કર્મ એ જડ પુદ્ગલની ઝીણી ધૂળ છે. માટે તેને રજ' કહેવાય છે અને પુણ્ય-પાપના વિકલ્પને મળ કહેવાય છે. આ રજ અને મળથી જે રહિત થઈ ગયા છે તે ભગવાન છે. લોગસ્સમાં વિદૂય યમના આવે છે તેનો આ અર્થ છે. અર્થની અને વસ્તુની ખબર વિના મુખપાઠ બોલી જવાથી કાંઈ સિદ્ધિ નથી. વિહૂય એટલે વિશેષે અને રજ એટલે આઠ કર્મ અને મલ એટલે વિકારીભાવથી વિશેષ પ્રકારે જે રહિત થયા છે એવા ભગવાનને નમસ્કાર.
અયથાર્થસ્વરૂપ અર્થાત્ અસભૂત વ્યવહારનયથી જ્ઞાનાવરણાદિ આઠકર્મોના બંધને જીવ કરે છે તથા અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિ ભાવકર્મને જીવ કરે છે તથા દ્રવ્યકર્મ તથા ભાવકર્મથી મુક્ત પણ જીવ થાય છે તો પણ શુદ્ધપારિણામિકપરમભાવના ગ્રહણ કરવાવાળા