________________
ત્રિકાળ મુક્ત-સ્વરૂપમાં બંધ-મોક્ષ નથી
(સળંગ પ્રવચન નં. ૪૬)
बन्धमपि मोक्षमपि सकलं जीव जीवनां कर्म जनयति । आत्मा किमपि करोति नैव निश्चय एवं भणति ॥ ६५ ॥ स नास्ति इति प्रदेशः चतुरशीतियोनिलक्षमध्ये ।
जिनवचनं न लभमानः यत्र न भ्रमितः जीवः जावः ॥ ६५ ★१॥
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૬૫મી ગાથા છે.
ભગવાન તીર્થંકર સર્વશદેવ એમ કહે છે કે, નિશ્ચયનયથી ભગવાન આત્મા ધ્રુવસ્વરૂપ છે અર્થાત્ આદિ અને અંત વિનાનું અણકરાયેલું અનાદિ અનંત સામાન્ય ગુણસ્વરૂપ ધ્રુવ તત્ત્વ છે.
આ જરાં ઝીણી વાત છે કેમકે, અનંતકાળમાં કદી એણે ‘આત્મા' શું છે ?' એવી દૃષ્ટિ કરી નથી. તેથી ખુલાસો કરીને કહેવાય છે.
સર્વજ્ઞદેવ કહે કે, હે જીવ! બંધને અને મોક્ષને જીવોના કર્મ જ કરે છે, આત્મા કાંઈ પણ કરતો નથી. આમ નિશ્ચયનય કહે છે અર્થાત્ નિશ્ચયનયથી ભગવાને આમ કહ્યું છે કે, બંધ અને મોક્ષ કર્મજનિત છે, કર્મના યોગથી બંધ થાય છે અને કર્મના વિયોગથી મોક્ષ થાય છે.
સર્વજ્ઞભગવાન કેવા છે ? કે જેણે એક સમયમાત્ર સૂક્ષ્મકાળમાં ત્રણકાળ અને ત્રણલોકને જોયા છે—પ્રત્યક્ષ જાણ્યા છે એવા ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ભાઈ ! નિશ્ચય નામ સત્ય તત્ત્વથી જોઈએ તો એ તત્ત્વ બેહદ જ્ઞાન-દર્શનમય તત્ત્વ છે તે પોતે કર્મને બાંધે કે કર્મને છોડે એવું તેનું સ્વરૂપ નથી.
ઝીણી વાત છે ભાઈ ! સાંભળો. ભગવાન શું કહે છે–વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે કદી સાંભળ્યું નથી, સાંભળ્યું હોય તો બેઠું ન હોય કે આ આત્મા ખરેખર અનંત આનંદમય તત્ત્વ છે.
નવતત્ત્વમાં સિદ્ધનું જેવું પર્યાયમાં મોક્ષસ્વરૂપ છે તેવું જ જીવતત્ત્વનું કાયમી વસ્તુસ્વરૂપ છે. વસ્તુ પોતે કર્મને બાંધે કે કર્મને છોડે એવું તેનું સ્વરૂપ જ નથી. વસ્તુ પોતે એક સમયની દશામાં આવતી નથી, એ તો અનાદિ અનંત અકૃત્રિમ સચ્ચિદાનંદ તત્ત્વ છે. આવા તો અનંત આત્માઓ છે તે કોઈ આત્મા પોતાની એક સમયની દશામાં આવતા નથી.