________________
૨૮૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
ભાવાર્થ :—આકુળતા રહિત પારમાર્થિક વીતરાગસુખથી પરાન્મુખ (ઉલટાં) જે સંસારના સુખ-દુઃખ છે તે જોકે, અશુદ્ધ નિશ્ચયનયથી જીવ સંબંધી છે તોપણ શુદ્ધ નિશ્ચયનયર્થી જીવે ઉપજાવ્યાં નથી, માટે જીવના નથી. કર્મસંયોગથી ઉત્પન્ન થયા છે અને આત્મા તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થતો થકો વસ્તુને વસ્તુના સ્વરૂપે જુએ છે, જાણે છે, રાગાદિરૂપ થતો નથી, ઉપયોગરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે, પરમ આનંદરૂપ છે. અહીં પારમાર્થિક સુખથી ઉલટું જે ઇન્દ્રિયજનિત સંસારનું સુખ-દુઃખ આદિ વિકલ્પસમૂહ છે તે ત્યાગવા યોગ્ય છે એમ ભગવાને કહ્યું છે.
આત્મસ્વભાવ કેવો છે? —આકુળતા રહિત છે. આ ધન, મકાન, સ્ત્રી, પુત્રાદિ, આબરૂં આદિ મને અનુકૂળ છે એવી કલ્પના થાય છે તે આકુળતા છે. ભગવાન આત્મા તેનાથી રહિત છે. વસ્તુ જે સ્વતઃસિદ્ધ છે તેમાં કાંઈ આકુળતા હોય ! વસ્તુમાં તો આકુળતા ન હોય પણ તેની પર્યાય પણ આકુળતા રહિત અનાકુળ વીતરાગ સુખરૂપ હોવી જોઈએ. જેવી વસ્તુ અનાકુળ વીતરાગ સુખસ્વરૂપ છે તેવી જ પર્યાય હોવી જોઈએ તેના બદલે તેનાથી વિપરીત સંસારના સુખ-દુઃખની કલ્પના થાય છે તે પર્યાયથી કર્મો ઉત્પન્ન થાય છે:
આકુળતા છે તે કૃત્રિમ ક્ષણિક થાય છે. ત્રિકાળી નિરાકુળ આત્માની એ વિપરીત અવસ્થા છે. સુલટી અવસ્થા હોય તો તો દશામાં અનાકુળ આનંદ હોય. વસ્તુ પોતે કાંઈ આકુળતારૂપ કદી ન હોઈ શકે. વસ્તુ તો પારમાર્થિક સુખનો કંદ છે તેની સન્મુખની પર્યાય હોય તો તો તેની દૃષ્ટિમાં આત્મા જ હોય પણ જેની દૃષ્ટિમાં આત્મા નથી એવી ઉલટી પર્યાયમાં સુખ-દુઃખની કલ્પના થાય છે
પરમાં સુખ કે દુઃખ કાંઈ નથી પણ એણે કલ્પનામાં સુખ અથવા દુઃખ માન્યું છે. આ સુખ-દુઃખના પરિણામ આત્માની અનાકુળ પરિણતિ થવી જોઈએ તેનાથી ઉલટાં પરિણામ છે.
અહા ! સ્વયંસિદ્ધ અણકરાયેલ અકૃત્રિમ સ્વતઃસિદ્ધ ચૈતન્યવસ્તુ તો પરમાર્થ સુખનો જ પિંડ છે. વીતરાગ નિર્દોષસુખનો જ પિંડ છે. વીત એટલે રહિત, રાગથી રહિત અને દોષથી રહિત વસ્તુ છે. આવી નિર્દોષ વીતરાગકંદ વસ્તુની પરિણતિ પણ વીતરાગ શાંતિરૂપ હોવી જોઈએ તેને બદલે તેનાથી ઉલટી ઇન્દ્રિયના વિષયોમાં સુખ-દુઃખની કલ્પના ઊભી કરે છે તે દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થયેલી નથી.
ભગવાન આત્મા તો નિર્દોષ સ્વરૂપ છે પણ તેની પર્યાયમાં ઉઠાવગીરે અજ્ઞાન ઊભું કર્યું છે તે અજ્ઞાનથી કર્મ થયા છે અને કર્મથી સુખ-દુઃખની કલ્પના થાય છે. ખરેખર બહારથી સુખ કે દુઃખ કાંઈ છે જ નહિ. પેલું દૃષ્ટાંત સાંભળ્યું છે ! એક શે.. પોતાનો દીકરો પરદેશથી પૈસા કમાઈને આવવાનો હતો તેને તેડવા આગલાં સ્ટેશને ગયા