________________
પ્રવચન-૪૫. ]
/ ૨૮૧
નિર્વિકલ્પ દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતાની પરિણતિની થાય ત્યારે—તે કાળે આત્મા સાક્ષાત્ ઉપાદેય થાય છે.
વિભાવ ભાવોનો આદર છોડ્યો અને પૂર્ણાનંદની સન્મુખ થયો ત્યારે આત્માનો આદર થયો. તે કાળે આત્મા ઉપાદેય થયો કહેવામાં આવે છે.
આ ૬૩ ગાથા થઈ. હવે આગળ ૬૪ ગાથામાં સંસારના બધાં સુખ-દુઃખ શુદ્ધ નિશ્ચયનયથી શુભ-અશુભ કર્મોથી ઉત્પન્ન થાય છે અને તે કર્મોને ઉત્પન્ન કરે છે, જીવના એ કોઈ ભાવો નથી એમ કહે છે. જીવવસ્તુનું સ્વરૂપ જ એવું છે કે તે વિભાવને કરે નહિ. કર્મોથી વિભાવ ઉત્પન્ન થાય અને વિભાવથી કર્મ ઉત્પન્ન થાય છે. શુદ્ધ જીવ વસ્તુ વિભાવને કરતી નથી.
નિશ્ચયનયથી ભગવાન એમ કહે છે કે આત્મા ઉપયોગમયી હોવાથી માત્ર જાણે-દેખે છે. તે સુખ-દુઃખને કરતો નથી. અનેક પ્રકારના સુખ-દુઃખના ભાવને કર્મ ઉપજાવે છે.
અનુકૂળમાં સુખની અને પ્રતિકૂળતામાં દુઃખની કલ્પના થાય છે તેને જીવ ઉત્પન્ન કરતો નથી. કેમ કે જીવવસ્તુમાં એવી સુખ-દુઃખની કલ્પના નથી. તો એ ક્યાંથી થઈ? –કે, જીવની પર્યાયમાં જીવવસ્તુનું જ્ઞાન નથી તેથી કર્મ ઉપજે છે અને એ કર્મથી સુખ-દુઃખ થાય છે.
ભગવાન આત્મા તો ઉપયોગમય છે તેથી માત્ર જાણવા-દેખવાનો તેનો સ્વભાવ છે તેથી અંતરમાં દૃષ્ટિ કરીને ઠરે ત્યારે માત્ર જાણવા-દેખવાનું કામ કરે છે. સુખ-દુઃખ પ્રગટ કરવાનું તેનું કાર્ય નથી.
સો ઇન્દ્રો અને ગણધરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે ભગવાન આત્મા સુખ-દુઃખને ઉત્પન્ન કરતો નથી. કર્મદ્રવ્ય સુખ-દુઃખને ઉત્પન્ન કરે છે. સ્વદ્રવ્ય સુખ-દુઃખને કરતું નથી. સ્વદ્રવ્યની અભાનદશામાં કર્મ ઉત્પન્ન થાય છે, તે કર્મ સુખ-દુઃખને ઉત્પન્ન કરે છે. આત્મદ્રવ્ય સુખ-દુઃખને ઉત્પન્ન ન કરે. આત્માથી સુખ-દુઃખ
ન થાય.
સ્વદ્રવ્યનું અભાન એ સ્વદ્રવ્ય નથી. સ્વદ્રવ્ય તો એકલો અતીન્દ્રિય આનંદ અને વીર્યનો પિંડ તથા એકલા જ્ઞાન-દર્શનનો રસકંદ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ અનંત ચતુષ્ટયથી ભરેલો ભગવાન કર્મને રચતો નથી. દ્રવ્યનું અભાન એ દ્રવ્ય ન રહ્યું તે તો કર્મજન્ય વિકાર થઈ ગયો. જ્ઞાનના અભાવે જે અજ્ઞાન છે તે વસ્તુમાં નથી, દ્રવ્ય-ગુણમાં નથી. માત્ર પર્યાયમાં ઊભું કરેલું અજ્ઞાન છે, તે કર્મને ઉપજાવે છે અને કર્મ સુખ-દુઃખને ઉપજાવે છે.
અશુદ્ધનિશ્ચયની વાત આગળ કહેશે. પહેલાં નિશ્ચયથી વાત કહી છે.