________________
૨૭૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો અહો ! આચાર્યની શૈલી ! વીતરાગના તત્ત્વોને સિદ્ધ કરતાં કરતાં પાંચ ઇન્દ્રિય, મન, વિકાર અને ચાર ગતિના દુઃખની સિદ્ધિ કરશે. આવું વસ્તુનું સ્વરૂપ બીજે ક્યાંય ન હોઈ શકે.
ભગવાન આત્મા તો જેવા સિદ્ધ થઈ ગયા તેવો જ છે, ‘સિદ્ધ સમાન સદા પદ મેરો' પણ એને એની ખબર નથી અને જગતનો ખબરદાર થઈને ચાર ગતિમાં દોડ્યા કરે છે. દુનિયાના ડાહ્યાં દુનિયામાં ઊંડા ઉતરે છે અને રખડે છે. અહીં કહે છે કે આ ભગવાન આત્મા તો ઈન્દ્રિયોથી રહિત છે તો આ ઇન્દ્રિયો કોણ છે ! ઇન્દ્રિયો તો શુદ્ધાત્માથી રહિત છે. એ તો જડની બનેલી છે. દાળ, ભાત, શાકમાંથી બનેલા પાંચ કાંણાં છે, તે કાંઈ જાણતાં નથી.
આત્મસ્વરૂપનો અજાણ આ મૂઢ પૈસા થાય ત્યાં હરખાવા લાગે છે. મૂર્ખા, મૂર્ખાઈ ઠલવવા લાગ્યો છે. ઘરમાં અમારે દસ-દસ તો છોકરાં છે. હા, એ બધાં તને ઉપાડવા માટે જોશેને ! ચાર બાજુ ચાર ઉપાડશે ને એક તો આગળ દોણી લઈને ચાલશે અને બીજા ઓ ઓ કરીને રોવા લાગશે.
ભગવાન ! તું તો ઇન્દ્રિયથી રહિત છો. આ પાંચ ઇન્દ્રિયના કાણાં તારામાં નથી, તું તો તેનાથી રહિત છો ને પ્રભુ ! પાંચ ઇન્દ્રિય તો ભગવાન શુદ્ધાત્માથી રહિત છે તેમ જ મન પણ શુદ્ધાત્માથી રહિત છે. શુદ્ધાત્માથી વિપરીત એવા અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ મનથી આત્મા ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિરૂપ શુભ વિકલ્પ અને હિંસા જૂઠ આદિ અશુભ વિકલ્પ તે બંને વિકાર છે તેનાથી રહિત એવો ભગવાન આત્મા શુદ્ધ છે.
આ તો આત્માની ભાગવત્ કથા ચાલે છે.
શુભ-અશુભ વૃત્તિ ઉઠે છે તે આસ્રવ છે તેનાથી આત્મા ભિન્ન છે. મનનો સંગ કરે તેને સંકલ્પ-વિકલ્પ જ થાય અને આત્માનો સંગ કરે તો અંદરમાં સંકલ્પ-વિકલ્પ જ નથી. વસ્તુમાં સંકલ્પ-વિકલ્પ હોય તો તો કદી ટળે જ નહિ અને સિદ્ધ કદી થાય નહિ. ભાઈ ! પહેલાં ઓળખાણ તો કર...કર...કંઇ તરફ જવું અને ક્યાંથી ખસવું તેની ઓળખાણ તો કર.
પહેલાં સામાન્ય રીતે કહીને પછા વિશેષરૂપે કહે છે. સંકલ્પ-વિકલ્પથી આત્મા રહિત છે એમ સામાન્ય વાત કરીને વિશેષરૂપે મનની વ્યાખ્યા કરી છે કે અનેક સંકલ્પ-વિકલ્પનો સમૂહ તે જ મન—આમ કરીને મનની સિદ્ધિ કરે છે. મન એ કોઈ ભ્રમણા નથી. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા' જેવી વાત નથી. જે છે તેનાથી રહિત થવાની વાત છે. જે છે જ નહિ તેનાથી રહિત થવાપણું ક્યાંથી રહે ! મન છે પણ તે આત્માથી ઉત્પન્ન થયેલું નથી. વિકારથી એટલે કર્મથી ઉત્પન્ન થયેલું છે.
અહીં બધું લોજિક (ન્યાય)થી સિદ્ધ કરે છે. ઇન્દ્રિય અને મનની સિદ્ધિ કરી. હવે,