________________
૨૬૪)
[ પરમ પ્રકાશ પ્રવચનો
અનંતજ્ઞાનની શક્તિ પડી છે પણ તેના ભાન વિના જે કેવળજ્ઞાનાવરણીકર્મ બંધાય છે તેનાથી કેવળજ્ઞાન વર્તમાનમાં ઢંકાયેલું છે અર્થાત્ કેવળજ્ઞાનની શક્તિ હોવા છતાં વર્તમાનમાં તેની પ્રગટતા નથી.
જીવાદિ નવતત્ત્વનાં નામ પણ આવડતા ન હોય તે નવતત્ત્વનાં ભાવ સમજે ક્યાંથી? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ આ નવ તત્ત્વ છે. શરીર, વાણી અને કર્મ તો અજીવ તત્ત્વ છે, પુણ્ય–પાપ આસવ અને બંધ એ પણ આત્માથી જુદાં તત્ત્વ છે. આત્મા તો ચિદાનંદ સ્વરૂપ જ્ઞાયકતત્ત્વ છે. પણ અજ્ઞાનીને “હું સિદ્ધ સમાન જ્ઞાયકતત્ત્વ છું' એવું ભાન નથી તેથી પૂર્વે જે કેવળજ્ઞાનાવરણી કર્મ ઉપાર્જેલું, તેના નિમિત્તે વર્તમાનમાં કેવળજ્ઞાન ઢંકાયેલું છે, પર્યાયમાં પ્રગટ નથી
આત્મા શું છે, કર્મ શું છે, વિકાર શું છે આ બધાં તત્ત્વોના ભાન વિના જીવને ધર્મ કદી થવાનો નથી. જેમ શાકવાળાની દુકાને જઈને ઊભો રહે પણ શાક કયું લેવું, કેટલું લેવું તેનું ભાન નથી તે શાક શી રીતે લઈને આવશે ! તેમ જેને સુખ તો જોઈએ છે પણ સુખ ક્યાં છે, દુઃખ કેમ છે, વિકાર કેમ ટળે તેનું ભાન નથી તેને સુખ કેવી રીતે થાય ?
શરીર, વાણી, મનમાં સુખ નથી ભાઈ ! એ તો જડતત્ત્વ છે. સ્ત્રી, પુત્ર પરિવારમાં સુખ નથી ભાઈ ! એ તો પરદ્રવ્ય છે. આ પુણ્ય–પાપ ભાવ થાય છે તેમાં પણ સુખ નથી , એ તો આસ્રવતત્ત્વ છે. હિંસા, જૂઠ, ચોરીના ભાવ થાય એ પાપતત્ત્વ છે. તેમાં સુખ નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ પુણ્યતત્ત્વ છે તેમાં પણ સુખ નથી કેમ કે એ તો રાગ છે, રાગમાં સુખ માને–પરમાં સુખ માને એ તો મિથ્યાદૃષ્ટિ છે–મૂઢ છે.
તીર્થંકર પરમાત્મા કહે છે બાપુ ! તને હજુ તત્ત્વની જ ખબર નથી. સુખતત્ત્વ ક્યાં ય છે, કયાંથી મળે એની ખબર નથી એટલે જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે. સુખતત્ત્વ તો આત્મામાં પડયું છે તેમાં શોધતો નથી અને શરીર, સ્ત્રી, ધનાદિમાંથી સખ લેવા જાય છો ભાઈ! તું મૂઢ છો. તને વીતરાગની આજ્ઞાની શ્રદ્ધા નથીવીતરાગદેવ જગતના જીવને કહે છે તે કોઈ તત્ત્વનું સ્વરૂપ સાંભળ્યું નથી, સમજ્યો નથી તો હવે તો સમજ!
આત્મા અરૂપી પણ એક વસ્તુ છે તો તેમાં ગુણો હોય કે નહિ? આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વિર્ય, પ્રભુત્વ આદિ અનંતગુણો છે. છતાં પોતામાં સુખ નહિ માનતાં, શરીર, પૈસા, વૈભવ આદિમાં સુખ માને છે તે મૂઢ મિથ્યાષ્ટિ છે.
પ્રશ્ન –પૈસા છે તો અહીં રહેવાય છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી :–ના...ના.....એ માન્યતા ખોટી છે. પૈસા તો પહેલાં પણ હતાં પરંતુ નિવૃત્તિના ભાવ ન હતાં તો અહીં રહેતાં ન હતાં.
અહીં તો ત્રિલોકીનાથ તીર્થંકરદેવ કહે છે કે ભાઈ ! આનંદતત્ત્વ તો તારામાં છે.