________________
જીવના આઠ ગુણો અને તેના આઠ કર્મનું સ્વરૂપ
(સળંગ પ્રવચન નં. ૪૩)
तानि पुनः जीवानां योगिन् अष्टौ अपि कर्माणि भवन्ति । येः एव च्छादिताः जीवाः नैव आत्मस्वभावं लभन्ते ॥ ६१ ॥ विषयकषायैः रञ्जितानां ये अणवः लगन्ति ।
जीवप्रदेशेषु मोहितानां तान् जिनाः कर्म भणन्ति ॥६२॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથની આ ૬૧મી ગાથા છે.
ભગવાન તીર્થંકરદેવે આત્માને શુદ્ધ આનંદકંદ જોયો છે પણ આ આત્માને પોતાનું ભાન નહિ હોવાથી આઠ કર્મો બંધાય છે. જેના નિમિત્તે આત્માના આઠ ગુણોની દશા અવરાયેલી છે, જે સિદ્ધ થઈ ગયા તેના આઠ ગુણોની દશા જે આવરણ રહિત શુદ્ધ થઈ ગઈ છે તેના સ્વરૂપનું વર્ણન કર્યું છે.
આ શરીર તો જડ-માટી-ધૂળ છે, અંદરમાં આઠ કર્મો છે તે પણ જડ -છે અને પુણ્ય–પાપ વિકારીભાવ થાય છે તે આસ્રવતત્ત્વ છે, તે કાંઈ આત્મા નથી. આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ સિદ્ધ સમાન શક્તિવાળું તત્ત્વ છે પણ તેના ભાન વિના જીવ આઠ કર્મોને બાંધે છે. હવે જો એ અજ્ઞાનનો નાશ થાય તો આઠ કર્મો પણ ન બંધાય અને પરમાનંદ આદિ આઠ ગુણની પર્યાયો પ્રગટ થાય.
સિદ્ધ ભગવાનને આઠ કર્મોનો અભાવ થઈ ગયો છે તેથી સમ્યક્ત્વાદિ આઠ ગુણો પ્રગટ થઈ ગયા છે. સંસાર અવસ્થામાં આ પર્યાયો ક્યા ક્યા કર્મોથી ઢંકાયેલી છે તે બતાવે છે.
૭ (૧) સમ્યક્ત્વ ગુણ મિથ્યાત્વ નામના દર્શનમોહનીય કર્મથી ઢંકાયો છે. એટલે કે આત્માના ભાન વિના મિથ્યાત્વભાવ થયેલો તેનાથી દર્શનમોહનીય કર્મ બંધાયું અને કર્મના ઉદયમાં જોડાણના કારણે જીવની સમ્યગ્દર્શનની પર્યાય ઢંકાઈ ગયેલી છે. શક્તિરૂપે ગુણ તો દરેક વખતે રહેલો છે. જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ શક્તિમાં પડી છે તો વ્યક્ત થાય છે, શક્તિમાં જ ન હોય તો તો પ્રગટે ક્યાંથી ? તેમ આત્મામાં સમ્યક્ત્વાદિ ગુણોની શક્તિ તો ત્રિકાળ પડી છે પણ તેનું ભાન નહિ હોવાથી—અજ્ઞાનના કારણે તે પ્રગટ થતી નથી અને દર્શનમોહાદિ કર્મ ઉપજે છે અને તેની પ્રીતિના કારણે સમ્યગ્દર્શનની પર્યાય આચ્છાદિત થઈ ગઈ છે.
(૨) ભગવાન આત્મામાં કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થવાની લાયકાત છે. અંતરમાં