________________
પ્રવચન-૪ર )
[ ૨૬૧ હવે ૬૧મી ગાથામાં કહે છે કે આઠ પ્રકારના કર્મથી જીવ સંસારમાં બંધાયો છે. પોતાની ભૂલના કારણે આઠ કર્મના નિમિત્તે જીવ બંધાયો છે. આત્મા તો પરમાત્મસ્વરૂપ છે પણ તેની વર્તમાન હીણીદશામાં કર્મનું નિમિત્ત છે. કર્મના લક્ષે પોતે બાંધેલા ભાવથી પોતે હીણો થઈને કર્મથી આચ્છાદિત થયો છે.
શ્રીગુરુ પોતાના શિષ્ય મુનિને કહે છે કે યોગી ! યોગી એટલે તારું જોડાણ તારી દૃષ્ટિનું જોડાણ, તારા જ્ઞાનનું જોડાણ, તારી સ્થિરતાનું જોડાણ તો તારા ચિદાનંદ સ્વભાવમાં હોવું જોઈએ. એવું સ્વરૂપમાં જોડાણ જેને નથી અને રાગમાં જોડાણ છે તે આઠ કર્મો વડે આચ્છાદિત થાય છે. પોતાની ભૂલથી આવા આઠ જાતના કર્મો વડે જીવ ઢંકાય છે.
સ્વભાવના લક્ષ વગરનો જીવ કર્મના લક્ષે થયેલાં ભાવથી પોતાના સ્વભાવને પામતો નથી. કર્મના લશે રહેલો ભાવ આચ્છાદિત છે તેથી તે પરમાત્મસ્વભાવને પામતો નથી. આઠ કર્મ વડે જીવના સમ્યકત્વાદિ આઠ ગુણો અર્થાત્ પર્યાયો ઢંકાય છે તે કયા કર્મના નિમિત્તે કઈ પર્યાય ઢંકાય છે તે કહે છે.
શુદ્ધ આત્મા નિર્મળાનંદ પ્રભુ અને અજીવ, આસવ, બંધાદિ નવ પદાર્થોમાં વિપરીત શ્રદ્ધાન રહિત જે પરિણામ તેને ક્ષાયિક સમ્યકત્વ કહે છે. જુઓ ! આને સમ્યક્ત્વગુણ કહ્યો છે, પણ તે પર્યાય છે, અવગુણ ટળીને થઈ હોવાથી તેને ગુણ કહેવાય છે. અહીં પહેલાં આઠેય ગુણ બતાવીને તેને ઢાંકનારા કર્મોની વાત પછી કરશે.
બીજો ગુણ કેવળજ્ઞાન કે જે ત્રણકાળ ત્રણલોકના પદાર્થોને એક જ સમયમાં વિશેષરૂપથી જાણે છે; અનંત જીવ, અનંત પુદગલ આદિ દરેકને તેના ગુણ–પર્યાયના ભેદ સહિત એક સમયમાં જાણી લે છે; તે મહિમાવંત કેવળજ્ઞાન નામનો ગુણ છે.
સર્વ પદાર્થોને કેવળદૃષ્ટિથી એટલે સામાન્યરૂપથી–ભેદ પાડ્યા વિના એકરૂપ દેખે તે કેવળદર્શન છે.
આ બધું યાદ રહે તેવું છે હો ! ૨૫ વર્ષ પહેલાં ગાળ કોઈએ આપી હોય એ પણ યાદ રહે છે ને ! તો ગાળને યાદ રાખ અને ગુણને યાદ નહિ રાખ!
કેવળજ્ઞાનમાં અનંત જાણવાની શક્તિ છે તે અનંતવીર્ય નામનો ગુણ છે અતીન્દ્રિયજ્ઞાનથી અમૂર્તિક સૂક્ષ્મ પદાર્થોને જાણવા તે સૂક્ષ્મત્વગુણ છે. ચાર જ્ઞાન વડે તે પદાર્થો જાણી શકાતાં નથી.
એક જીવના અવગાહક્ષેત્રમાં અનંત જીવ સમાય જાય એવો અવકાશ દેવાનો સ્વભાવ તે અવગાહન ગુણ છે. સર્વથા ગુરુતા અને લઘુતાનો અભાવ હોવો તે અગુરુલઘુગુણ છે અને વેદનીયકર્મના ઉદયના અભાવથી ઉત્પન્ન થયેલો સમસ્ત બાધારહિત ભાવ તે નિરાબાધ ગુણ છે.