________________
૨૬૦ ]
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો
થાય છે. જો તેની દૃષ્ટિ પરમાં ન હોય તો તો પોતે પરમાત્મસ્વરૂપે છે પણ સ્વભાવનું લક્ષ નથી તેથી પુણ્ય અને પાપરૂપ થયો છે. હવે તેને સ્વભાવનું આરાધન–ઉપાદેયપણું કેમ થાય? કે વીતરાગ પરમાનંદ નિર્દોષ ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપની દૃષ્ટિ, જ્ઞાન, રમણતા કરે અને બાહ્ય ઇચ્છાનો નિરોધ થાય ત્યારે તેને આત્મા ઉપાદેય થયો કહેવાય.
આવો પરમાત્મા જ સેવવા લાયક છે. અન્ય બધું એટલે પુણ્ય-પાપના વિકલ્પો અને એક સમયની પર્યાય હેય છે.
પૂર્ણાનંદપ્રભુની દૃષ્ટિ થઈ છે, જ્ઞાન પણ ત્યાં લાગ્યું છે, સ્થિરતા પણ તેમાં જામી છે અને ઉગ્ર પુરુષાર્થથી ઇચ્છાનો અભાવ થયો છે એવા કાળમાં તેને એક આત્મા જ ઉપાદેય છે. મારો આત્મા જ પૂર્ણાનંદ છે એવો આદર તે વખતે થયો છે અને અન્ય બધું હેય થયું છે.
આગળ કહેશે કે આઠ કર્મોથી આત્મા આચ્છાદિત થયો છે તે પણ પોતાની ભૂલથી જ થયો છે એ બતાવવું છે. આત્મા પુણ્યી થયો એટલે કે વિકારવાળો થયો છે, ખરેખર પોતે વિકારવાળો નથી છતાં વિકારવાળો થયો છે. કેમ? કેમ કે પોતાના નિર્દોષ વીતરાગ ચિદાનંદસ્વભાવને ભૂલી ગયો છે માટે વિકારી થયો છે, કોઈ કર્મ તેને વિકારી કરી શકતો નથી.
અરે ! આત્મા પરમાત્મા થવો જોઈએ તેને બદલે પુણી અને પાપી થયો છે અને વળી દુનિયા વખાણે કે આ તો પુણ્યશાળી છે!
અહીં ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપના ભાવરૂપ જીવના પરિણમનની વાત છે. બહારના પુણ્ય–પાપના સંયોગની વાત નથી. પોતાને ભૂલીને કર્મનું આરાધન કરનાર પોતે શુભ અને અશુભભાવરૂપ થાય છે એમ કહેવું છે. સારા કે નરસાં સંયોગરૂપે આત્મા થાય છે એમ કહેવું નથી. કારણ કે સંયોગમાં તો એક સમયમાત્ર પણ આત્મા આવતો નથી. માટે સંયોગરૂપે આત્મા થાય છે એમ કહેવાનો અવકાશ જ નથી. (પ્રસંગ જ નથી.)
જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ એક સમયમાત્ર પણ સ્ત્રી, પુત્ર, ધનાદિ સંયોગરૂપે થતાં નથી. આત્મા પરસંયોગરૂપે થાય એ બની જ ન શકે. આત્મા તો પરમાત્મા થવાને જ યોગ્ય છે. તેને બદલે અજ્ઞાનથી વિકારરૂપે થઈ રહ્યો છે એમ અહીં કહ્યું છે. પ્રભુ ! વીતરાગપણે અને કેવળજ્ઞાનપણે પરિણમવું એ તારો સ્વભાવ છે. તેને બદલે તું પુણ્યી અને પાપ થયો! તારે તો તારો વીતરાગ ચિદાનંદ સ્વભાવનું ભાન કરીને પરમાત્મારૂપ થવું જોઈએ તેને બદલે તું અપરમાત્મદશારૂપ–સંસારરૂપ થયો!
(આજે, આ જિનમંદિર મોટું કરીને ઉપરની વેદીમાં ભગવાન પધરાવ્યા હતાં તે દિવસ છે. નવ વર્ષ થયા.)