________________
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
ઉપાયથી સિદ્ધ થયા તેનો સ્વીકાર થયો, ઉપાયનું જ્ઞાન થયું તેમાં બધું આવી ગયું. અહા ! આગામી સિદ્ધોને નમસ્કારમાં નિગોદમાં પડેલાં અનંતકાળે મનુષ્ય થઈને મોક્ષે જનારા જીવોને નમસ્કાર આવી ગયાં. ભૂતકાળના સિદ્ધોને નમસ્કાર કર્યા પણ, ભવિષ્યકાળ તો ભૂતકાળ કરતાં અનંતગણો છે, તેમાં સિદ્ધ થનારાં જીવોને પણ શ્રદ્ધામાં લે છે અને નમસ્કાર કરે છે તેમાં એક જ આત્મા છે અને એકની મુક્તિ થતાં બધાની મુક્તિ થઈ જાય છે એવી માન્યતાનો નિષેધ આવી જાય છે.
અજ્ઞાની રાગી જીવને બારોટ એમ કહે કે તમારા કુટુંબમાં એક મોટા કરોડપતિ અને દાનેશ્વરી થઈ ગયાં. ત્યાં તો રાગી જીવ ખુશી થઈ જાય છે. તો અહીં તો પોતાના સાચા કુટુંબની વાત છે કે અનંતા સિદ્ધ થઈ ગયા અને અનંતા સિદ્ધ થશે. એક પુદ્ગલ પરાવર્તન કાળના અનંતમાં ભાગમાં અનંતી ચોવીશી થાય છે તો અનંતા પુદ્ગલ પરાવર્તન કાળમાં કેટલી ચોવીશી થાય! તે બધાંને યાદ કરીને મુનિરાજ નમસ્કાર કરે છે. તેમાં પોતે પણ આવી જાય છે. હું મારી પૂર્ણ પર્યાયને અત્યારે નમસ્કાર કરું છું.
મુનિરાજ કહે છે કે અનંતા સિદ્ધો થઈ ગયા, અનંતા સિદ્ધો થશે, અમે પણ સિદ્ધ થશું અને અમારી સાથે અનેક જીવો સિદ્ધ થશે તેની અમને ખાતરી છે તેથી બધાને યાદ કરીને અમે નમસ્કાર કરીએ છીએ.
પરમાત્મા સર્વજ્ઞ વીતરાગદેવે જે જડચૈતન્યના દ્રવ્ય-ગુણ-પર્યાય જોયા છે અને કહ્યાં છે તેવી વાત ત્રણકાળ ત્રણલોકમાં બીજે કયાંય નથી. એવો નિર્ણય ન થાય ત્યાં સુધી આત્માની દૃષ્ટિ થતી નથી.
ભવિષ્યમાં સિદ્ધ ભગવાન થશે તે કેવા થશે?—અનુપમ, પરમ કલ્યાણમય અને જ્ઞાનમય થશે. ભગવાનને કોઈની ઉપમા લાગુ પડે નહિ એવા અનુપમ અને ત્રણકાળ ત્રણલોકને જાણવાવાળા જ્ઞાનમય થશે અને પરમ કલ્યાણમય થશે.
તે સિદ્ધ ભગવાન કેવી રીતે થશે? કે અનંત અનંત ગુણના પિંડ એવા ભગવાન આત્માને સેવતાં સેવતાં સિદ્ધ થશે. રાગાદિ વિકલ્પ રહિત જે પરમ સમાધિ તેને સેવતાં થકા ભગવાન સિદ્ધ થશે. આનું જ નામ નિશ્ચય મોક્ષમાર્ગ છે. રાગની કે નિમિત્તની સેવાથી સિદ્ધ થઈ શકાતું નથી. એકમાત્ર નિજસ્વરૂપની સેવાથી જ સિદ્ધ થઈ શકાય છે. ત્રણકાળમાં સિદ્ધ થવાનો આ એક જ ઉપાય છે.
વળી વિશેષ કહે છે કે તે સિદ્ધ ભગવાન કેવા થશે? કે—કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળવીર્ય આદિ મોક્ષલક્ષ્મીથી સહિત થશે અને આઠ કર્મના અભાવપૂર્વક સમ્યકત્વાદિ આઠ ગુણથી પણ સહિત થશે. જુઓ ! મુનિરાજ ત્રણકાળના સિદ્ધોને જ્ઞાનની સોડમાં લઈને વાત કરે છે. તે સિદ્ધ કેવી રીતે થશે? કે–વીતરાગ સર્વશદેવ પ્રરૂપિત માર્ગ