________________
g
આ ક્રમબદ્ધપર્યાયની યથાર્થ શ્રદ્ધાનું સ્વરૂપ છે
- (સળંગ પ્રવચન નં. ૪૨) एष व्यवहारेण जीवः हेतुं लब्ध्वा कर्म। बहुविधभावेन परिणमति तेन एव धर्मः अधर्मः॥६०॥ तानि पुनः जीवानां योगिन् अष्टौ अपि कर्माणि भवन्ति।
येः एव च्छादिताः जीवाः नैव आत्मस्वभावं लभन्ते॥६१॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની ૫૯ ગાથા થઈ ગઈ છે. હવે ૬૦મી ગાથામાં મુનિરાજ કહે છે વ્યવહારનયથી આ જીવ પુણ્ય–પાપરૂપ થાય છે.
ભગવાન આત્મા સ્વરૂપે તો શુદ્ધ ચિદાનંદમૂર્તિ છે પણ તેને ભૂલીને કર્મ બાંધ્યા હતાં તેના નિમિત્તે વળી પાછા શુભ-અશુભભાવરૂપે જીવ થાય છે.
આ તો પરમાત્મપ્રકાશ છે ને ! આત્મા પરમાત્મા જ છે પણ તેને ભૂલીને જે કર્મ બાંધ્યા, તેનો હેતુ પામીને પોતે પુણ્ય-પાપરૂપ થાય છે. આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ પરમાત્મા છે તો પરમાત્મારૂપે થવું એ જ એનું કાર્ય છે પણ એવા સ્વરૂપના અભાનથી આત્મા શુભ અને અશુભ અથવા ધર્મ અને અધર્મરૂપ થાય છે. અહીં શુભ અને અશુભને ધર્મ અને અધર્મ કહ્યાં છે, ધર્મ એટલે અહીં આત્માનો નિશ્ચયધર્મ ન સમજવો.
આત્માએ પરમાત્મારૂપ થવું જોઈએ તેને બદલે પુણ્ય-પાપરૂપ કેમ થાય છે તે અહીં સમજાવે છે.
નિશ્ચય એટલે સાચી દૃષ્ટિથી જોઈએ તો આત્માનું પરમ સત્ સ્વરૂપ તો વીતરાગ ચિદાનંદ સ્વભાવ છે. વીતરાગ એટલે કષાય રહિત જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છે, રાગ રહિત અથવા દોષ રહિત નિર્દોષ સ્વભાવી છે. પરંતુ તેના રાગરહિત નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના અભાવે જીવને કર્મો બંધાય છે.
જીવને કર્મ કેમ બંધાય છે કે વીતરાગ જ્ઞાનાનંદમય નિજ ચૈતન્યમૂર્તિના સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના અભાવે–વીતરાગ પરિણતિના અભાવે રાગાદિ ભાવ થાય છે તેનાથી કર્મો બંધાય છે. એ કર્મોના ઉદયના નિમિત્તે જીવ પુણ્ય અને પાપભાવરૂપ થાય છે.
પ્રશ્ન જ એમ થયો છે કે આત્મા પરમાત્મા છે. તો પરમાત્મા જ થઈને રહેવો જોઈએ તેને બદલે પુણ્યી અને પાપી કેમ થાય છે? વસ્તુનો ત્રિકાળસ્વભાવ તો સત્..સત્ ..સત્ જ્ઞાનાનંદ વીતરાગસ્વરૂપ છે. તેને કમો કેમ બંધાયા? કે એવા સ્વરૂપના અભાવના કારણે–વીતરાગ સ્વસંવેદનશાનના અભાવના કારણે રાગ, દ્વેષ, મોહ થાય છે અને તેના કારણે કર્મો બંધાયા છે અને તે કર્મોનું કારણ પામીને જીવ ફરી પુણ્ય-પાપભાવરૂપ થાય છે..