________________
૨૫૪ )
[ ઘરમાWકાશ પ્રવચનો
જે માણસ જેલમાં ગયો જ નથી તેને એમ ન પૂછાય કે અહો ! તમે કયારે છૂટી ગયા? તેમ જે અબંધ છે તેને “છૂટ્યાં' એમ કહેવું યોગ્ય નથી. જે બંધ વિના જ મુક્તિ માને છે તે યથાર્થ નથી તેનું કથન નિરર્થક છે. માટે જ અહીં “પર્યાયમાં બંધન છે' તે પ્રથમ જ સિદ્ધ કર્યું છે પછી તેની મુક્તિની વાત છે. શક્તિ અને વસ્તુએ અબંધસ્વરૂપ હોવા છતાં શુદ્ધ હોવા છતાં પર્યાયમાં અશુદ્ધતા અને બંધન છે. જો ન હોય તો તેનાથી છૂટવાના ઉપદેશનું નિરર્થકપણું છે.
દરેક આત્મા પરમાત્મસ્વરૂપ જ છે પણ પર્યાયમાં તેને પરમાત્મપણું નથી. પર્યાય તો વિકારમાં અટકેલી છે. પર્યાયમાં વિકાર–અશુદ્ધતા છે અને તેનું નિમિત્ત પણ સંબંધમાં છે. પર્યાયમાં અશુદ્ધતા છે. નથી એમ નથી. જે મુક્ત થઈ ગયા તેની દશામાં પણ પૂર્વે “હું બંધરૂપ છું” એવી દશા હતી અને દશામાં પણ કર્મના નિમિત્તનો સંબંધ હતો તેને છોડીને ભગવાન થયા છે. દશામાં ભ્રમ હતો તેને છોડીને ભ્રમરહિત થયા છે. દશામાં ભ્રમ હતો નહિ અને છોડ્યો એમ કેમ બને ?
પરમાત્મપ્રકાશમાં આ વાત કેમ આપી છે? કે, વસ્તુ અને ગુણ શુદ્ધ છે છતાં પર્યાયમાં અશુદ્ધતા અને બંધન છે એ વાત સિદ્ધ કરીને મુક્તિનો ઉપાય બતાવવો છે. અવસ્થામાં “હું રાગવાળો, હું શરીરવાળો, હું પુણ્ય–પાપવાળો...” વગેરે પ્રકારે અજ્ઞાન ન હોય તો અજ્ઞાનથી છૂટીને જ્ઞાની થવાનું અને બંધનથી છૂટીને મુક્ત થવાનું રહેતું જ નથી. જો અનાદિથી જીવ મુક્ત જ હોય તો પછી બંધ જ સિદ્ધ થતો નથી. બંધ હોય તો જ તેનાથી છૂટકારો થઈ શકે. જો બંધ જ ન હોય તો “મુક્તિ' કહેવી નિરર્થક છે.
બંધન ન હોય તેને સ્વભાવ તરફ પુરુષાર્થ કરવાનો રહેતો નથી, પરમાત્મસ્વરૂપ તરફ નજર કરવાની જ રહેતી નથી માટે પર્યાયમાં બંધ છે, વિકાર છે, અલ્પજ્ઞપણું છે એ સિદ્ધ કરીને તેની મુક્તિનો ઉપાય બતાવ્યો છે કે ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ તારી વસ્તુનો આશ્રય કરતાં બંધ છૂટીને મુક્તિ થાય છે.