________________
પ્રવચન-૪૧)
[ ૨૫૩ બંધ ન હોય તો છોડવાનું કાંઈ રહેતું જ નથી. બંધ નથી તો મુક્તિ પણ સિદ્ધ થતી નથી.
મુક્તિ” શબ્દ જ એમ સૂચવે છે કે, બંધન પહેલાં હતું અને હવે મુક્તિ મળી. માટે “સદા મુક્ત છું' એમ કહેવું વૃથા છે. જીવનો સ્વભાવ મુક્ત છે પણ પર્યાયમાં મૂક્તિ નથી છતાં મુક્તિ માને છે તે વૃથા છે–ખોટી વાત છે.
આત્મા વસ્તુ સ્વભાવે શુદ્ધ છે પણ પર્યાયમાં અશુદ્ધતા છે અને તે અશુદ્ધતા પરના લક્ષે જ હોય. સ્વભાવના લક્ષે કદી અશુદ્ધતા આવે નહિ. કર્મનું લક્ષ છે, સંબંધ છે માટે જીવના પર્યાયમાં દુઃખ ઊભું થાય છે. આમ, દુઃખ અને દુઃખનું નિમિત્ત ન હોય તો તેને ટાળવાપણું પણ રહેતું નથી પણ એમ નથી. પર્યાયમાં દુઃખ છે અને તેમાં કર્મનું નિમિત્ત છે. તેનું લક્ષ છોડીને હવે સ્વભાવનું લક્ષ કરે, સ્વભાવનો આશ્રય લે તો પર્યાયમાં દુઃખ ટળીને સુખ થાય, બંધન ટળીને મુક્તિ થાય.
આ પરમાત્મપ્રકાશ કહે છે કે પ્રભુ આત્મા તો પ્રકાશરૂપ જ છે પણ તેની પર્યાયમાં પણ પરમાત્મપ્રકાશ હોય તો તેને મુક્ત થવાનું રહેતું જ નથી. વસ્તુ શુદ્ધ હોવા છતાં પર્યાયમાં નિમિત્તનો સંબંધ છે અને તેમાં અટકેલો પોતાનો વિકારીભાવ પણ છે એમ સિદ્ધ કરવું છે. દ્રવ્ય, ગુણ જેમ શુદ્ધ છે તેમ પર્યાય પણ શુદ્ધ હોય તો મુક્તિ કરવાનું રહેતું નથી. પર્યાયમાં અશુદ્ધ છે માટે જ તેનાથી મુક્તિની વાત છે. “મુક્તિ ધ્વનિ જ એમ સૂચવે છે કે પહેલાં બંધન હતું.
આમ બીજી જગ્યાએ પણ કહ્યું છે.—“મુવત્તસ્થત... “અર્થાત્ જો આ જીવ પહેલાં બંધાયેલો હોય તો “મુક્ત થવાનું કથન સંભવી શકે છે. કર્મનું નિમિત્ત છે. તે વ્યવહારબંધ છે અને પોતે વિકારમાં અટકેલો છે તે નિશ્ચયબંધ છે. આ બંને બંધને નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે.
જેમ કોઈ માણસ જેલમાં બંધાયો હોય તો તેને છૂટે ત્યારે કહેવાય કે તમે છૂટી ગયા? જો જેલમાં બંધાયો જ ન હોય તો તેને છૂટ્યાં એમ ન કહેવાય. દશ-પંદર વર્ષ જેલમાં રહીને છૂટી જાય ત્યારે એમ કહેવાય કે તમે લાંબી મુદતે છૂટ્યાં તેમ અનંતકાળથી જીવને પર્યાયમાં બંધન અને નિમિત્તનો સંબંધ છે. માટે તેને તેમાંથી મુક્ત થવાનો ઉપદેશ અપાય છે. પર્યાયમાં બંધન ન હોય તો મુક્તિનો પ્રશ્ન જ નથી.
આટલું જ સમજવાનું છે હો ! બહુ લાંબુ નથી. જેમ, આંકડા તો ઘણાં મોટાં મોટાં હોય પણ મૂળ તો એકથી દશ સુધીના જ આકડાં છે. તેમ વસ્તુના સ્વતઃ સ્વભાવના નિયમો તો બહુ થોડાં છે. પણ તેનો વિસ્તાર ઘણો થઈ ગયો–રખડવાના અનેક પ્રકાર અને તેને ટાળવાના ઉપાય તેને લાંબા લાગે છે પણ લાંબા નથી, ઉપાય એક જ છે. . સ્વભાવનો આશ્રય.