________________
પ્રવચન-૪૧ ]
૨ ૨૪૯
હેય છે, ઉપાદેય નથી. ઉપાદેય એક કેવળદર્શન જ છે કેમ કે તે આત્માની દર્શનગુણની એક શુદ્ધ અને અખંડ પર્યાય છે અને તે આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે.
આ જીવના જ્ઞાન અને દર્શન જે મુખ્ય ગુણ છે તેની વાત થઈ. હવે, બાકીના ગુણોના બે પ્રકાર કહે છે. (૧) સાધારણ (૨) અસાધારણ તેમાં સાધારણ ગુણ એટલે ઘણાં દ્રવ્યોમાં જે હોય તેને સાધારણગુણ કહેવાય. જે કોઈ ખાસ દ્રવ્યમાં જ હોય બીજા દ્રવ્યોમાં ન હોય તેવા ગુણને અસાધારણગુણ કહેવાય છે. દા.ત. ‘અમૂર્તગુણ' છે તે પુદ્ગલ દ્રવ્ય સિવાયના પાંચેય દ્રવ્યમાં છે માટે તેને સાધારણગુણ કહેવાય અને પુદ્ગલની અપેક્ષાએ તેને અસાધારણગુણ કહેવાય. ‘પ્રદેશત્વગુણ’ કાળદ્રવ્ય અને પરમાણુ સિવાય બાકીના બધાં દ્રવ્યોમાં છે—ઘણાં દ્રવ્યોમાં છે એ અપેક્ષાએ તેને સાધારણગુણ કહેવાય છે અને કાળદ્રવ્યમાં તે નથી માટે કાળદ્રવ્યની અપેક્ષાએ તેને અસાધારણગુણ કહેવાય છે.
તારા ઘરમાં કેટલાં ગાદલાં—ગોદડાં આદિ છે તેની તને ખબર છે પણ તારા દ્રવ્યમાં કેટલાં અને કેવા કેવા ગુણો છે તેની કેવી પર્યાય છે, કેટલું ક્ષેત્ર છે—તારું અસ્તિત્વ કેવું છે તેની તને ખબર નથી માટે યોગીન્દ્રદેવ અહીં તને તારું આખું સ્વરૂપ બતાવે છે.
પુદ્ગલનું પણ જ્ઞાન કરાવે છે તેમાં પુદ્ગલની મુખ્યતા થઈ જતી નથી. મુખ્યપણું તો હંમેશા જ્ઞાનનું જ છે. તું મફતનો પુદ્ગલનું મુખ્યપણું માની બેઠો છો.
સાધારણ અને અસાધારણનાં ભેદ વનસ્પતિમાં છે તે આ પ્રમાણે છે કે જે વનસ્પતિના એક શરીરમાં અનંત જીવ હોય તે નિગોદ અથવા સાધારણ વનસ્પતિ છે અને એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક અથવા અસાધારણ વનસ્પતિ કહેવાય છે.
અહીં તો છએ દ્રવ્યના ગુણો અને તેનું ક્ષેત્ર કેવી રીતે છે તે ભગવાને કહ્યું છે તેમ કહેવાય છે.
‘મૂર્તિકગુણ’પુદ્ગલદ્રવ્યમાં જ છે, અન્યદ્રવ્યમાં નથી માટે તેને અસાધારણ ગુણ કહેવાય છે અને અસ્તિત્ત્વ ગુણ પુદ્ગલમાં પણ છે અને અન્ય સર્વ દ્રવ્યોમાં પણ છે માટે તે સાધારણગુણ છે. એક જ ગુણ બધાં દ્રવ્યોમાં વ્યાપેલો છે એમ નથી પણ અસ્તિત્ત્વ એટલે હોવાપણું દરેકમાં છે માટે તેને સાધારણગુણ કહેવાય છે.
શ્રોતા :–આમાં તો શબ્દો જ એવા છે કે માણસ ગૂંચવાઇ જાય.
પૂજ્ય ગુરુદેવશ્રી .. શબ્દો એવા છે માટે ગૂંચવાતો નથી પણ તેને પકડતાં આવડતું નથી માટે ગૂંચવાય છે.
અસ્તિત્ત્વ ગુણની જેમ વસ્તુત્ત્વ, દ્રવ્યત્ત્વ, પ્રમેયત્ત્વ અગુરુલઘુત્ત્વ આદિ ગુણો બધાં દ્રવ્યોમાં છે માટે તેને સાધારણ ગુણ કહેવાય છે. ‘ચેતનપણું’ એક જીવ દ્રવ્યમાં જ છે અન્ય દ્રવ્યમાં નથી માટે તે તેનો વિશેષગુણ છે અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ ગુણો