________________
૨૪૬ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો જીવ તેના અનંતગુણ અને હીણી દશાથી સહિત છે એમ જાણ ! તે હીણી દશા કોઈ પરથી નથી, પોતાથી જ છે એમ જાણ! અહીં તો વસ્તુ જેવા સ્વરૂપે વર્તમાનમાં છે તેવા રૂપે જાણ એમ કહ્યું છે.
ભગવાન આત્માનો સ્વભાવ તો બધાંને જાણવાનો છે. જાણવું.જાણવું.જાણવું જેમ છે તેમ જાણવું એવો સ્વભાવ છે. સર્વજ્ઞ ભગવાન પણ જાણવા સિવાય બીજું શું કરે છે! તે પોતાના આત્માને પૂર્ણદશા અને અનંતગુણોસહિત જુએ છે અને બીજાને તેના ગુણ અને પર્યાય સહિત જુએ છે. ભગવાન પોતાના પૂર્ણજ્ઞાનથી જાણે છે અને તું તારા અલ્પજ્ઞાન વડે આમ જાણ !
આ તો બધાં સિદ્ધાંતો છે; પછી તેમાંથી જેટલાં પલાખા કાઢવા હોય તેટલાં નીકળે. ચાર પૈસાનું શેર તો મણના અઢી થાય એમ બધો હિસાબ થઈ શકે. તેમ આ બધાં વસ્તુસ્વરૂપના નિયમો છે તે મંત્રો છે. તે પરિયાદિ ટુવ્યું તુë ગં ગુપન્નય કુત્તા “તેને તું દ્રવ્ય જાણ ! કોને?—જે પોતાના ગુણો અને વર્તમાન અવસ્થાથી સહિત છે તેને તું દ્રવ્ય જાણ !' આમાં બધો ઉકેલ છે. આમાં કોઈ ઉકેલ બાકી રહેતો નથી.
હું મારા ગુણો અને પર્યાયથી સહિત છું એમ જાણ્યું તે પોતાનું જ્ઞાન અને બીજા સર્વ દ્રવ્યો તેના ગુણ અને પર્યાયથી સહિત છે એમ જાણ્યું તે પર સંબંધીનું જ્ઞાન થયું. આમ જાણીને શ્રદ્ધા કરે તેનું નામ ધર્મ–તેનું જ નામ સમકિત અને એ જ સ્વ–પર પ્રકાશક પોતાનું જ્ઞાન છે. જ્ઞાન કરવું એ જ તારું કાર્ય છે. જ્ઞાનની ક્રિયા એ જ તારી ક્રિયા છે. અહા ! વીતરાગી સંતોના કથનો અલૌકિક છે ! એક શ્લોકમાં બધું ભરી દે છે. ચારે પડખાનું બધું સ્વરૂપ એકમાં સમાવી દે છે. એકમાં પૂરું કરી દે છે. આ ગજબ વાત છે.
આ પાંચમાં શ્લોકમાં છએ દ્રવ્યની વાત આવી ગઈ. છએ દ્રવ્ય પોતપોતાના ગુણ–પર્યાયથી સહિત છે. જીવ અને પુદ્ગલ બેને વિભાવપર્યાય હોય છે બાકીના ચાર દ્રવ્યને તો વિભાવપર્યાય હોતી જ નથી. આકાશને ઘટાકાશ, મઠાકાશ ઈત્યાદિ કહેવાય છે તે ઉપચારમાત્ર છે. ક્ષેત્રમાં આકાશદ્રવ્ય સૌથી મોટું છે પણ તેને પણ તું એક સમયની પર્યાયમાં આખું જાણી લે છે માટે ભાવથી તો તું મોટો છો.
આ છ દ્રવ્યોમાં ઉપાદેય કોણ છે?—કે જે શુદ્ધગુણ અને શુદ્ધપર્યાયથી સહિત છે એવું જીવદ્રવ્ય ઉપાદેય છે. શુદ્ધગુણ અને કેવળજ્ઞાનાદિ નિર્મળ પર્યાય સહિત ભગવાનને ઉપાદેય કરવા જાય છે ત્યાં પોતાનું શુદ્ધદ્રવ્ય ઉપાદેય થઈ જાય છે. આમ, પોતાના શુદ્ધાત્માને ઉપાદેય કરવો તે દ્રવ્ય, ગુણ, પર્યાયને સમજવાનું તાત્પર્ય છે.
આ છ દ્રવ્યની સમુચ્ચય વાત થઈ. હવે એકલા જીવની વાત ૫૮માં શ્લોકમાં યોગીન્દ્રદેવ કરે છે.