________________
૨૪૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
તો શું કર્મને કાઢી નાંખ્યા ?–ના. કર્મને કર્મરૂપે રાખ્યાં છે. કર્મ પણ પુદ્ગલની વિકારી વિભાવવ્યંજનપર્યાય છે, તેના વડે શરીરમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં. આ પગ ચાલતાં નથી તે પગના પરમાણુની પર્યાય છે, કર્મનું કાર્ય નથી. પૂર્વે આત્માએ મૂર્ખાઈથી અશુભભાવ કર્યા હતાં તેનાથી કર્મ બંધાયા અને તેનું આ ફળ આ આવ્યું છે એમ નથી.
શ્રોતા :–શાસ્ત્રમાં વાત તો એમ આવે છે !
પૂજ્ય ગુરુદેવશ્રી :—એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. વસ્તુ એમ નથી. એક દ્રવ્યથી બીજા દ્રવ્યની પર્યાય થતી નથી. પગ એ પગના પરમાણુની વિભાવવ્યંજનપર્યાય છે તે જીવની કે કર્મની પર્યાય નથી. પગની પર્યાયનો કર્તા તે સ્કંધ પોતે છે. અનેક પરમાણુઓને મળેલો એક સ્કંધ તેનો જે આકાર છે તે વિભાવવ્યંજનપર્યાય છે. તેમાં જે વર્ણ, ગંધ, રસાદિ ગુણો છે તેને વિભાવગુણ કહ્યાં છે અને તેનું વર્ણથી બીજા વર્ણરૂપે થવું, ગંધથી બીજી ગંધરૂપે થવું, રસથી રસાંતર થવું તે તેની વિભાવગુણપર્યાય છે. તે પર્યાય સ્કંધની છે, સ્કંધમાં છે અને સ્કંધને લઈને છે.
આ મંદિર છે તે અનેક સ્કંધોનું બનેલું છે તે એક એક સ્કંધ અનેક પરમાણુઓનો વિભાવવ્યંજનપર્યાય છે. તે પર્યાય એ પરમાણુથી થઈ છે. કડિયાથી કે બીજાં કોઈથી થઈ નથી. કડિયામાં જ્ઞાન છે પણ જડના કાર્યને જ્ઞાન કરતું નથી, જ્ઞાનથી જ્ઞાનનું કાર્ય છે. જો જ્ઞાનવાળા દ્રવ્ય જ કામ કરતાં હોય તો તો જગતમાં જડ જ સાબિત ન થાત. જ્ઞાનથી જ્ઞાન થાય પણ જડનું કાર્ય જડથી જ જાય. આ કાપડનો ટૂકડો છે તે અનેક પરમાણુની વિભાવપર્યાય છે તે પરમાણુથી થઈ છે, કોઈના હાથથી કે જીવથી એ પર્યાય થઈ નથી.
મતિજ્ઞાનાવરણી કર્મ બંધાય છે તે જીવે મતિની હીનતા કરી માટે બંધાણા છે એમ નથી. એ કર્મ પરમાણુની વિભાવવ્યંજનપર્યાય છે. એ સ્કંધની અવસ્થા સ્કંધથી થઈ છે, જીવથી નહિ એમ કહે છે.
દરેક પદાર્થ સ્વતંત્ર છે. પરમાણુ પણ એક દ્રવ્ય છે માટે તે પણ સ્વતંત્ર છે. આ ત્રિલોકનાથ તીર્થંકરદેવના જ્ઞાનમાં જણાયેલી વાત છે. પુદ્ગલનું આવું સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. પુદ્ગલ પરમાણુ છૂટો છે તે શુદ્ધ દ્રવ્ય છે તેના ગુણ પર્યાય પણ શુદ્ધ છે, અને એવા પરમાણુ બે કે તેથી વધારે મળીને સ્કંધ બને છે તેના ગુણને વિભાવિકગુણ કહેવાય છે અને તેની પર્યાયને વિભાવપર્યાય કહેવાય છે, તે વિભાવિક પર્યાય એ સ્કંધને લઈને છે. બીજાં સ્કંધને લઈને આ સ્કંધની પર્યાય થઈ નથી તો જીવથી તો કેવી રીતે થાય ?
જીવે કર્મ બાંધ્યા અને જીવે કર્મ છોડ્યાં એમ કહેવાય છે તેમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. ખરેખર કર્મ એ તો પુદ્ગલની વિભાવવ્યંજનપર્યાય છે માટે તે પુદ્ગલનું સ્વરૂપ છે અને પુદ્ગલનું કાર્ય છે તેનો કર્તા જીવ નથી. જીવના અસ્તિત્વથી કર્મનું અસ્તિત્વ નથી.