________________
પ્રવચન-૩૯ ]
| ૨૩૯
ગુણની વાત થઈ. હવે પર્યાયનું વિશેષસ્વરૂપ કહે છે. પર્યાયના બે ભેદ છે એક સ્વભાવપર્યાય અને બીજો વિભાવપર્યાય. જીવને સિદ્ધત્વ આદિ સ્વભાવપર્યાય અને કેવળજ્ઞાનાદિ સ્વભાવગુણ છે. કેવળજ્ઞાન તો પર્યાય છે પણ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, સ્વચ્છતા, વિભુતા આદિ પર્યાયોના એક ભાગને સ્વભાવગુણ કહેવામાં આવે છે. આ સ્વભાવગુણો જીવમાં જ હોય છે. અન્ય દ્રવ્યમાં હોતા નથી. તથા અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત્વ આદિ સ્વભાવગુણો દરેક દ્રવ્યમાં હોય છે. માટે છએ દ્રવ્યોમાં આ ગુણો હોય છે અને ષદ્ગુણી હાનિ-વૃદ્ધિરૂપ અગુરુલઘુ ગુણનું પરિણમન એ સ્વભાવપર્યાય છે તે પણ દરેક દ્રવ્યમાં હોય છે. તેને અર્થ-પર્યાય કહેવાય છે તે શુદ્ધ પર્યાય છે. આ શુદ્ધ પર્યાય સંસારી જીવોને, સિદ્ધોને અને અજીવ પદાર્થને બધાંને સદાય હોય છે. એ જરા સૂક્ષ્મ વાત છે.
કેવળજ્ઞાનાદિ ગુણ સિદ્ધોને જ હોય છે. દરેકને હોતાં નથી. શ્રોતા : આમાં કેટલુંક યાદ રાખવું?
પૂજ્ય ગુરુદેવશ્રી :—આ કાંઈ પલાખાં યાદ રાખવા જેવું અઘરું નથી. વસ્તુનું સ્વરૂપ છે. આ વસ્તુ, આ તેના ગુણો, તેની પર્યાય, એક સ્વાભાવિક અવસ્થા છે. એક દ્રવ્યપર્યાય છે, એક ગુણપર્યાય છે અને ષદ્ગુણી હાનિ—વૃદ્ધિ તો દરેક પદાર્થમાં છે. આટલું જ છે. સંસારમાં તો કેટલું યાદ રહે છે ! દુકાનમાં પાંચ હજાર ચીજ હોય તે દરેકની ત્રણપટી વાત યાદ હોય આ ભાવે વસ્તુ આવી છે, આ ભાવે વેચવાની છે, આટલી વેચાની ને આટલી પડી છે એ બધું ખબર હોય. અમારે પાલેજમાં દુકાન હતી એટલે બધી ખબર છે. ૧૩ તો વખાર હતી. તેમાં કઈ વખારમાં, ક્યો માલ, કેટલો છે, એ બધી ભાઈને ખબર હોય. જેની મમતા હોય તેનું બધું યાદ હોય પણ મારામાં શું છે તેની કાંઈ ખબર નથી.
સિદ્ધોને સ્વભાવગુણ અને સ્વભાવપર્યાય છે પણ સંસારીને તો એ નથી તો શું છે?—કે સંસારી જીવોને મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને નર-નારકી આદિ વિભાવપર્યાય હોય છે. નિગોદથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધીના દરેક જીવ સંસારી કહેવાય છે. બારમા ગુણસ્થાન સુધી મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન હોય છે અને નર–નારકાદિ વિભાવ-પર્યાય તો ચૌદ સુધી છે કેમ કે ચૌદમા ગુણસ્થાન વખતે પણ મનુષ્ય શરીર હોય છે.
અજ્ઞાનીને આ તો કાંઈ ખબર નથી. એને તો આ શરીરરૂપ બંગલો મળ્યો છે એ જ હું અને તેને સાફસૂફ રાખું, ખવરાવું, પીવરાવું, નવરાવું એ જ મારું કામ. પણ એ કામ કરવા છતાં શરીર તો સારું રહેવું હોય તો જ રહે. નહીં તો ક્ષણમાં અવસ્થા પલટી જાય. તેની ગમે તેટલી ચિંતા રાખે તોપણ શું! શરીરની પર્યાય આત્માને આધીન નથી. આત્માની કલ્પના પ્રમાણે શરીર ચાલતું નથી. તેની પર્યાય અનુસાર એ પરિણમે છે આત્માની પર્યાય પ્રમાણે શરીરના પરમાણુ રહેતાં નથી પણ ઊંધી માન્યતા આડે એ નનૂર થઈ ગયો