________________
૨૩૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પર્યાયમાં એકાગ્ર થઈ જાય છે. તો જેમ પરના લક્ષે વિકારમાં એકાગ્ર થઈ જાય છે એમ સ્વનું લક્ષ કરે તો સ્વભાવમાં એકાગ્ર થઈ શકે છે.
જ્યાં સમજણ થઈ કે ‘આ દ્રવ્ય તે હું' ત્યાં જ લક્ષ ફરી જાય છે, રુચિ ફરી જાય છે, જ્ઞાન સમ્યક્ થઈ જાય છે, શ્રદ્ધા ફરી જાય છે અને શાંતિ ને આનંદ આવી જાય છે. એક એક ગાથામાં જુદી જ જાતની વાત સમજાવે છે. દરેક ગાથામાં કંઈક કંઈક ફેર તો હોય જ. ગુણ–પર્યાય સહિત દ્રવ્યનો શબ્દાર્થ કહ્યો, હવે તેનો વિસ્તાર કહે છે.
જીવ દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણ છે અને પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ અનંત ગુણ છે. જ્ઞાન ગુણ એટલે જાણવાની પર્યાય ન લેવી, જ્ઞાન ગુણ લેવો. રંગ ગુણ એટલે રંગની પર્યાય ન લેવી પણ રંગની શક્તિ સમજાવી. જીવ સિદ્ધમાં હો કે નિગોદમાં હો દરેક જીવમાં અનંત ગુણ છે. સિદ્ધ અને સંસારી જીવની પર્યાયમાં ફેર છે પણ દ્રવ્ય, ગુણમાં ફેર નથી. જીવ કહેતાં અનંત જીવ–દરેક જીવ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણથી સહિત છે. એક પણ રજકણથી જીવ સહિત નથી પણ પોતાના અનંતગુણથી સહિત છે, શરીર, કપડા, સ્ત્રી–પુત્ર, મકાન આદિથી આત્મા સહિત નથી. આત્મામાં એ નથી અને તેમાં મારો આત્મા નથી. માટે કોઈ મારા—જીવના નથી. મારા ગુણો મારા સહભાવી—સદાય સાથે રહેનારા છે.
પુદ્ગલમાં સ્પર્શ, રસાદિ ગુણો તેમાં સહભાવી છે અન્વયી છે એટલે કે દ્રવ્યની સાથે રહેનારા છે, સદા નિત્ય છે. ગુણો કદી દ્રવ્યની તન્મયતા છોડતાં નથી. આવા ચાર તેના વિશેષણ કહ્યાં છે. સહભાવી નામ સાથે રહે છે, અન્વયી નામ અનુ જે આત્મા (વસ્તુ) તેના સહચારી છે, સદા નિત્ય છે અને વસ્તુથી એકપણું ગુણનું કદી છૂટતું નથી— તન્મયપણું—તદ્રુપપણું—એકરૂપપણું કદી છૂટતું નથી. એ જ રીતે પરમાણુના ગુણો પણ સહભાવી છે. અન્વયી છે, સદા નિત્ય છે અને રજકણ સાથે તદ્રુપ છે, કદી છૂટાં પડતાં નથી. આ સમજે તેને લૌકિક ભણતર અને લૌકિક કાર્યો કૂચે મરવા જેવા લાગે છે. એમાં તો બધાં ગપ્પા છે—સત્ય નથી. દરેક દ્રવ્ય તેના ગુણ—પર્યાયથી સહિત છે તેને પરથી સહિત માનવો, પરથી લાભ-નુકશાન માનવું તે જૂઠું છે.
તું નિગોદમાં હો, દેવમાં હો, મનુષ્યમાં હો કે સિદ્ધમાં હો દરેક જગ્યાએ તું તો તારા ગુણ-પર્યાયમાં છો. પરના કારણે તું નથી. કર્મના કારણે જીવ સંસારમાં છે એમ નથી. તે પોતાના ગુણ-પર્યાયથી સહિત છે માટે ત્યાં છે.
આહાહા...! આચાર્યોની પદ્ધતિ ! ગાગરમાં સાગર ભરી દીધો છે. વસ્તુસ્થિતિ આમ છે અને તેનાથી વિપરીત નથી. જે નથી તેની અસ્તિ થાય નહિ અને જે છે તેની નાસ્તિ થાય નહીં.